વસંતપંચમી એટલે માતા સરસ્વતી દેવીનો પ્રાક્ટય દિવસ

વ સંતપંચમી એ જ્ઞાનપંચમી, રંગપંચમી, શ્રી પંચમી કે ઋષીપંચમી તરીકે સૌ માનવીનાં હ્ય્દયમાં જાણકારીએ હોય છે. વસંતઋતુનાં આગમને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. વૃક્ષો ઉપર નવા પર્ણો-બાળપર્ણો તરીકે ફુટી નીકળેલાં મનોહરરૂપે જોવા મળે છે. પુષ્પો-ફુલો નવો શણગાર સજી પ્રકૃત્તિને વધાવે છે. ખેતરોમાં સરસવનાં ફુલો સોના જેવા ચમકતા લાગે છે. ફુલોના ગાઢ-મિત્રો એવા પતંગિયા ઉડા-ઉડ કરી અને ભમરાઓ ગું ગુ ગુંમના ગુંજને મીઠાં-તીણાં સ્વાદે વસંતને આવકારે છે. સરસ્વતી માતાનું વાહન મોર આનંદ-વિભોર બની ઉમળકાભેર ટેહુક-ટેહુકનાં સુંદર સાદે માતાની જાણે સ્તુતિ કરે છે. અત્ર-તત્ર-સર્વત્ર આનંદ, આનંદ અને આનંદની ક્ષણો.જગજનની જ્ઞાનની દેવી સરસ્વતીમાતાનાં વિવિધ નામો છે - શારદે, સાવિત્રી, ગાયત્રી, બ્રાહ્મણી, વિદ્યાતત્રી, વીણાવાદિની, જ્ઞાનદેવી. વસંતપંચમી એટલે ગાયત્રીમૈયા-શારદાદેવીનું, સરસ્વતીમાતાનું રટણ-સ્મરણ-ધ્યાન-જપ-તપ-મંત્રોચ્ચારનું આહ્વાહન કરવાનો પવિત્ર દિવસ. સરસ્વતીમાતાનું વર્ણન કરીએ તો - માતાજી શ્વેત વસ્ત્રોમાં બિરાજમાન છે. તેઓનું વાહન મોર છે. કમળ ઉપર તેમનું સ્થાન છે. વીણાવાજિંત્રોનો વૈભવ ધારણ કરેલ છે સાથે સાથે મસ્તક ઉપર સુવર્ણ મુગટ અને ગળામાં હાર તેમજ માના કોમળ હાથોમાં પુસ્તક-શાસ્ત્ર અને શંખ દ્રશ્યમાન છે. માતાજી જ્ઞાન-શિક્ષા અને વિદ્યાની દેવી છે. જ્ઞાન અહીં સર્વોપરિ છે, જ્ઞાન શક્તિ છે, જ્ઞાન સાર્મથ્ય છે. જ્ઞાન એ ઉર્જા-તેજ-પ્રકાશ ધારણ કરે છે. ક્ષત્રિયો વિજયાદશમીએ શસ્ત્રોનું પૂજન કરે છે એમ ભૂદેવો-બ્રાહ્મણો અને જૈનો ધર્મગ્રંથો, અધ્યાત્મ ધર્મ પુસ્તકો, શાસ્ત્રોનું મંત્રોચ્ચાર જપ-તપ કરી પઠનપાઠન કરે છે. જ્યાં જ્ઞાનનો મહિમા છે. પૂજા-ધાર્મિક વીધિ - સ્તુતિ દ્વારા મા શારદા-સરસ્વતીદેવીની આરાધના, સાધના અને ઉપાસના કરાય છે. બ્રાહ્મણો-જૈનો તેમજ સૌ ભાવિક ભક્તો માતાની પરમ કૃપા મેળવે છે. આર્શીવચનો, સ્વસ્તિવચનો કૃપા સ્વરૂપે પ્રાપ્ત કરે છે. અહીં શુભત્વ અને સત્વગુણોનાં દર્શન થાય છે. માતાજીની અસીમકૃપા બ્રાહ્મણોને તેઓની જીવનગાથામાં પ્રેરણારૂપ અને દિશાસૂચક બને છે. બ્રાહ્મણોએ પ્રાપ્ત કરેલ વિદ્યા સાત્વિકાભાવે કથા, હવન, જપ-તપ-બોધ-ઉપદેશ દ્વારા તેઓ સમાજ કલ્યાણ અને સામાજિક અધ્યાત્મતાનું સર્જન કરે છે. ભૂદેવો ગુરૂ-શિક્ષક બની વિદ્યા-જ્ઞાન દ્વારા શિષ્યોને સંસ્કારી-મૂલ્યવાન બનાવે છે. ન્યાયમંદિરમાં તેઓનું સાત્વિક જ્ઞાન ન્યાય તોલવામાં ઉપયોગી બની રહે છે. માતાશારદાદેવીની કૃપા- આર્શીવચનો મેળવી બ્રાહ્મણો સેવા-શુભત્વ-સત્કાર્યો દ્વારા સમાજમાં સુગંધ પ્રસરાવે છે. - ઉપદેશ સ્વરૂપે કે કથાકિર્તનના માધ્યમે ! શારદાદેવીનો - સરસ્વતીમાતાનો મહામંત્ર છે - (ઓમ એવમ્ સરસ્વૈત માતે નમ:) આ મંત્રોચ્ચારના ફળ સ્વરૂપે બ્રાહ્મણો ઓજસ્વી, તપસ્વી અને જ્ઞાની બને છે. શારદાદેવી વરદાન સ્વરૂપે કૃપા વરસાવે છે. વિશેષ - ગાયત્રીમંત્ર એ પણ સરસ્વતી સ્મરણનો જ ભાગ છે જે સૂર્ય ઉપાસના - આરાધનાનો પ્રખર ઉર્જામય તેજોમય મંત્ર છે જે બ્રાહ્મણોના પ્રતિદિન મંત્રસિદ્ધિ કરવાના ભાગ રૂપે છે.
આવો-આપણે સૌ વસંતપંચમીના વધામણાં કરીએ - જગજનની જ્ઞાનની દેવીનું સ્મરણ-રટણ-મંત્ર-જપ-મંત્રોચ્ચાર કરીએ, માતાના અવિરત સ્મરણે તેની કૃપા, વ્હાલભર્યા, શુભત્વભર્યા સ્વસ્તિવચનો - આશીર્વાદ પ્રાપ્ત કરી ઓજસ્વી-તપસ્વી અને તેજસ્વી બનીએ જીવનસફળને ધન્ય બનાવીએ - શુભમ્ ભવતું ।।
''સરસ્વતી કે ભંડાર કી
બડી અપૂરત બાત,
જ્યો જ્યોં ખર્ચે (વિદ્યા)
ત્યોં ત્યોં બઢે
બિન ખરચ ઘટી જાત. (ભૂલાઈજાય)"
-કમલેશ દવે

