Dharmlok

ઘડપણ પહેલાં સમજણ આવવી જોઈએ

By GS Team
28 Oct 20265 mins read
ઘડપણ પહેલાં સમજણ આવવી જોઈએ
  • ચિરકારીએ વિચાર્યું, પુરૂષ સ્ત્રીનું ભરણપોષણ કરે ત્યાં સુધી જ તેનો સ્વામી ગણાય. જ્યાં સુધી રક્ષા કરે ત્યાં સુધી જ તેનો પતિ ગણાય. જે પતિ પત્નીની રક્ષા ના કરી શકે તે પતિ કેવો? તો મારાથી નિરપરાધી માતાની હત્યા કેવી રીતે થઈ શકે?

ગૌતમ ઋષિના પુત્રનું નામ ચિરકારી હતું. તેને પિતા કરતાં માતા પ્રત્યે વધારે લાગણી હતી. એકવાર માતા નદી કિનારે જળ ભરવા ગઈ હતી. ગૌતમ ઋષિ યજ્ઞા માટે જળની રાહ જોઈ રહ્યા હતા. તે આમતેમ આંટા મારતા હતા. માતાને આવતાં સહેજ મોડું થયું એટલામાં તો તે ધૂંવાંપૂવાં થઈ ગયા. માતાને આવતાં જોતાં જ ત્યાં બેઠેલા પુત્રને આજ્ઞા કરી. 'પુત્ર, આજે તારી માતાએ યજ્ઞા માટે જળ લાવવામાં મોડું કર્યું છે. તેણે ધર્મ સાચવવામાં અતિક્રમણ કર્યું છે, અપરાધ કર્યો છે, પુત્ર, તું તારી માતાનો વધ કરી નાખ !!'' ગૌતમ ઋષિ પુત્રને વધ કરવાની આજ્ઞા આપી ગુસ્સામાં આશ્રમ બહાર જતા રહ્યા. હવે ? પિતાની આજ્ઞાનું પાલન કરવું પુત્રનો ધર્મ છે. અને માતાની રક્ષા કરવી પુત્રનો સ્વધર્મ છે. જ્યારે ધર્મના બે વિચાર સામસામે આવી જાય તો કયા ધર્મને શ્રેષ્ઠ માની પાલન કરવું ? ચિરકારી વેદાભ્યાસી હતો. શાંતચિત્તથી વિચાર કરનારો હતો. આશ્રમમાં હજુ તે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો હતો. પિતાની આજ્ઞામાં તેને થોડો અહમ્, થોડી ઉતાવળ લાગી. તેને લાગ્યું અડધી ઉંમરે પહોંચેલા માણસમાં બુદ્ધિની સ્થિરતા આવી જવી જોઈએ. ક્રોધમાં ગમે તેવો નિર્ણય ઈને પસ્તાવું પડે તેવું કર્મ ના કરવું જોઈએ. કર્મના પરિણામનો વિચાર કરી તેનો અમલ કરવો જોઈએ. ચિરકારીએ વિચાર્યું, પુરૂષ સ્ત્રીનું ભરણપોષણ કરે ત્યાં સુધી જ તેનો સ્વામી ગણાય. જ્યાં સુધી રક્ષા કરે ત્યાં સુધી જ તેનો પતિ ગણાય. જે પતિ પત્નીની રક્ષા ના કરી શકે તે પતિ કેવો ? અને, આમાં પત્નીનો કોઈ અપરાધ નથી. તેણે કોઈ પાપ કર્યું નથી. તો મારાથી નિરપરાધી માતાની હત્યા કેવી રીતે થઈ શકે ? તેણે વધ કરવાની આજ્ઞાનું પાલન ના કર્યું. બીજીબાજુ થોડે દૂર ગયા પછી ગૌતમ ઋષિનો આવેશ શાંત થયો. તેમને લાગ્યું, પુત્રને આવી આજ્ઞા આપી તેમણે ભૂલ કરી છે. આ બુદ્ધિપૂર્વકની કે સમજદારીપૂર્વકની વાત નથી. ફક્ત મારો અહમ્ સાચવવાની વાત છે. તેમને મનોમન પસ્તાવો થયો. તે તરત ઉતાવળે પગલે પાછા ફર્યા.
આશ્રમમાં આવી તેમણે જોયું ચિરકારી અભ્યાસ કરી રહ્યો હતો. પત્ની યજ્ઞા માટેના સાધનો એકઠાં કરવાની તૈયારી કરી રહી હતી. વાતાવરણ સહજ લાગતું હતું. પણ ગૌતમનું મન ભરાઈ આવ્યું. તેમણે પુત્ર સામે જોયું. આંખો ભીની થઈ ગઈ. તે ચિરકારીને ભેટી પડયા. પછી પતિ-પત્નીની નજરો મળી. પત્નીએ પતિની આંખોમાં ભારો ભાર પસ્તાવો જોયો. 'સ્વામી, આપણો પુત્ર ભલે યુવાન છે છતાં સમજુ છે. કર્મ કરતાં પહેલાં પરિણામનો વિચાર કરી શકે છે અને તમે, …… વ્યાકુળ થઈ જાવ છો. ગભરાટમાં, ગુસ્સામાં ના લેવાનો નિર્ણય લઈ લો છો. (પ્રજ્ઞા: સ્વર્ગો મત: સતામ્ બુદ્ધિ, પ્રજ્ઞા, સમજણ - એ સારા માણસનું સ્વર્ગ મનાયું છે. (પ્રજ્ઞા નિ:શ્રેયસી લોકે) સમજણ જગતમાં સુખ આપનાર છે.'
માણસો ચાર પ્રકારના હોય છે, (૧) ધીરે ધીરે ઉંમર વધતી જાય પણ સ્વભાવ એવોને એવો જ રહે. તે મૂર્ખ ના મૂર્ખ જ રહે, (૨) જેમ જેમ ઉંમર વધતી જાય, અનુભવો થતા જાય એમ એમ સ્વભાવમાં સુધારો થતો જાય અને સમજદાર બનતા જાય, (૩) એવા જે બુદ્ધિશાળી હોય, સમજદાર હોય, જ્ઞાની પણ હોય છતાં તે પોતાનો સ્વાર્થ સાધવા પૂરતું જ જીવન જીવતા હોય તેમનામાં આદર્શ જીવન જીવવાના કોઈ નક્કર વિચાર જ ના હોય, (૪) એવા જે બીજાના સદ્ગુણોમાંથી પણ ગુણ ગ્રહણ કરી વધુને વધુ સમજદાર બનતા રહે. તે ખુદને સાચવવા બીજાને કદી નુકસાન ના કરે. તેમનું જીવન બીજના ચંદ્રની માફક પુનમ સુધી ધીરે ધીરે ખીલતું જ રહે. શીતળ ચાંદની વારસાવતું જ રહે.
અડધી ઉંમર વટાવ્યા પછી પણ અણસમજુ માણસ સાવ નાની નાની બાબતે બધાની વચ્ચે જીદે ચઢે છે. મારે સાત વાગ્યે ચા જોઈએ જ. ચા-માં ફૂદીનો જોઈએ જ. અમુક જ ટુથપેસ્ટ જોઈએ. અમુક જ સાબુ જોઈએ. દાળ-શાકમાં સહેજ મીઠું કે મરચું ઓછું-વત્તું હોય તો બૂમાબૂમ કરી મૂકે. જ્યાં જરૂર ના હોય એવી વાતમાંય વણમાગી સલાહ આપ્યા કરે. આપણે ગમે તેટલા સિદ્ધાંતવાદી હોઈએ, આદર્શવાદી હોઈએ, નિયમિત હોઈએ પણ આપણો સિદ્ધાંત બીજાને અડચણરૂપ ના થવો જોઈએ. આપણી હાજરી કોઈને ખૂંચવી ના જોઈએ. નાની નાની વાતે ગુસ્સો કરવાથી કે આગ્રહ કરવાથી આપણા વ્યક્તિત્વનું માપ નીકળી જતું હોય છે. ફિજુલ વાતોને જે મોટી બનાવવા પ્રયત્ન કરે છે તે ખુદ નાનો થતો જાય છે.
રોમના રાજવી કુટુંબના રાજકુમારે એકવાર સીસરોને પૂછયું, 'અમે રાજવી કુટુંબના છીએ. તમે હલકા કુળના માણસ છો. મારી -તમારી બરોબર કેવી રીતે થઈ શકે ?' ત્યારે સીસરોએ શાંત સ્વરે કહ્યું, 'હા, અમે હલકા કુળના છીએ. તમે રાજવી કુટુંબના છો. પણ મારા કુળના સંસ્કાર મારાથી શરૂ થાય છે અને તમારા કુળના સંસ્કાર તમારી સાથે સમાપ્ત થાય છે.' એ સમજવું જરૂરી છે કે આપણી વાતચીતનો, આપણા વર્તનનો સામેના માણસના દિલમાં એક ગ્રાફ તૈયાર થતો હોય છે. તેના દિલમાં આપણા સંસ્કારની વધઘટનું એક રેખાચિત્ર તૈયાર થયું હોય છે. જો આપણે બીજા કરતાં સારા દેખાવું હોય, સારા બનવું હોય, સમજદાર બનવું હોય તો ઉત્તમ ઉપાય એ છે કે સામેના માણસની ઇચ્છા શું છે તે જાણી લેવી. જો તેની ઇચ્છા પૂરી કરવામાં આપણે બાધક હોઈએ, નડતા હોઈએ તો તેના રસ્તેથી હટી જવું.
Old age plants more wrinkles in the mind than in the face (Tennyson) ઉંમર લાયક માણસના ચહેરા કરતાં તેમના મગજમાં વધારે કરચલીઓ પડતી હોય છે. રોજિંદા કાર્યમાં પણ માણસ પોતાના 'સ્વ'-ભાવ મુજબ જીવી શકતો નથી. તેનામાં અકડ, દંભ, દેખાડો અને અહમ્ ઠાંસીઠાંસીને ભરેલા હોય છે. એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. ગામમાં ગમે તે પ્રકારની વિધિ કરવાની હોય, યજ્ઞા હોય કે કથા-વાર્તા હોય દરેક માનપૂર્વક બ્રાહ્મણને બોલાવતા. એકવાર ગામના શ્રીમંતના બંગલાનું વાસ્તુ હતું. બ્રાહ્મણ ત્યાં ગયો. જમણવાર શરૂ થયો. પણ બ્રાહ્મણ સંધ્યાવંદન કરવા બધાના દેખતાં એક બાજુ આંખો બંધ કરી બેસી ગયો. બધા તેની ભક્તિની પ્રશંસા કરવા લાગ્યા. સંધ્યાવંદન પતાવી બ્રાહ્મણ જમવા બેઠો. પણ મર્યાદામાં, પ્રમાણસર જમ્યો. સૌએ તેના 'મિતાહાર'ના વખાણ કર્યા. ઘરે આવીને પત્નીને થાળી પીરસવા કહ્યું. 'શું શેઠે તમને જમાડયા નહિ ?' બ્રાહ્મણે કહ્યું, 'જમાડયો, પણ સંધ્યાવંદન કરવા ના બેસું તો લોકો શું કહે ? અને મિતાહાર ના કરું તો લોકો શું ધારે ?' એટલે પત્નીએ કહ્યું, 'ભલે, જમવાનું તો પીરસું છું, પણ મનથી તમારે ફરી સંધ્યાવંદન કરવા પડશે, ત્યાંય તમે દેખાડો જ કર્યો હશેને !! અરે, તમે કેમ સમજતા નથી ! બ્રાહ્મણપણું તમારો વ્યવસાય છે, ભક્તભર્યા કામો તમે દિવસરાત કરો છો, એમાં તો જાત પ્રત્યે પ્રામાણિક બનો. ધીમે ધીમે ઉંમર વધે છે. હવે તો સમજો ભક્તિમાં દંભ-દેખાડો ના ચાલે. ઇશ્વર બધું જુએ છે.' To know how to grow old is the master work of wisdom. વૃદ્ધ કેવી રીતે થવાય એ જાણવું પણ બુદ્ધિનું ડહાપણભર્યું કામ છે.

  • સુરેન્દ્ર શાહ