સંતે પ્રસન્નતાનું રહસ્યોદ્ઘાટન કર્યું

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
એ યુવાન સંતની કુટીર પાસે આવીને ઊભો છે. કુટીરની બહારનું દ્રશ્ય એ એકચિત્તે નિહાળી રહ્યો છે. 'વાહ… ! કલકલ વહેતી નદી નિર્મળ સરિતાને કિનારે તે રળિયામણા અને શાંત ઉપવનના સાન્નિધ્યે આ કુટીર આવેલી છે. વૃક્ષોની ડાળો પર બેઠેલાં પક્ષીઓનો કલરવ પૂરા વાતાવરણને સંગીતમય બનાવે છે. ફૂલો પર બેસીને મધુર રસ ચૂસતા ભ્રમરોને તેનો નાદ કર્ણમધુર છે. નદીની લહેરોને સ્પર્શીને આવતો મંદ સમીર તનમનને તરબતર કરે તેવો છે, પરંતુ આટલું આહલાદક અને સુંદર વાતાવરણ હોવા છતાં મારા મનને કેમ શાંતિ નથી અને હું જ્યારે જ્યારે અહીં આવું છું, મને આ સંતના દર્શન કરું છું ત્યારે મને એવું લાગે છે કે, આ સંત હંમેશાં પ્રસન્ન જ હોય છે. મને સંત જેવી સંપૂર્ણ પ્રસન્નતાના માલિક બનવાની ઝંખના છે તે ક્યારે પૂર્ણ થશે ? હા, ઘર કે ઓફિસના વાતાવરણમાંથી બહાર નીકળી જ્યારે જ્યારે અહીં આવું ત્યારે થોડીક હળવાશનો અનુભવ થાય છે, પણ તે ઘડી-બે ઘડી. ઓફિસ, ઘર વગેરેની પ્રવૃત્તિનું સ્મરણ થતાં નિરાકુળ દશા સરી જાય… આવુ ંસતત ચાલ્યા કરે.' એટલામાં સંત બહાર આવે છે અને યુવકને પૂછે છે, 'ભાઈ, તું ક્યારે આવ્યો ? અને આમ ગંભીર વિચારમગ્ન મુખમુદ્રા ? શેના વિચારે ચડી ગયો છે ?' યુવાને ગુરૂજીને વંદન કર્યા અને કહે કે, 'એક વાતની મને મૂંઝવણ છે. ગુરૂજીએ સ્મિત સાથે કહ્યું, 'ભાઈ, આજે આપણે આ મૂંઝવણને ઉકેલી દેવી છે. મને કહે શી વાત છે ?'
'ગુરૂજી, હું જ્યારે જ્યારે અહીંયા આવું ત્યારે ત્યારે મેં હંમેશાં તમારી પ્રસન્ન મુખમુદ્રાનાં જ દર્શન કર્યાં છે. ક્યારેક તમારા મુખ પર મેં ઉદાસી, પ્રતિકૂળતા, ગ્લાનિ કે લગીરે દુ:ખ-દર્દવાળી રેખાઓ જોઈ જ નથી. હા, અહી ંતમે એકાંતમાં રહો, સ્વતંત્ર વિચરણ કરો છો, સંસારની જવાબદારીથી મુક્ત છો એ પણ પ્રસન્નતાનું એક કારણ હોય, પણ સાથે સાથે તમે છદ્મસ્થ શરીરધારી છો, ક્યારેક શરીર પીડા આપે, ક્યારેક સ્વાસ્થ્ય બરાબર ન હોય, માટે ઘણીવાર તમારે પણ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડતો હોય છતાં તમારી પ્રસન્નતાની અખંડતા અને સાતત્ય હું જઈ શકું છું. તમારી આ પ્રસન્નતાનું રહસ્ય શું ? ગુરૂજી, આવી પ્રસન્નતાનો હું સ્વામી કઈ રીતે બની શકું ? મને તેનો સચોટ ઉપાય બતાવો.' ગુરૂ કહે, 'ચાલ મારી સાથે.' યુવક અને સંત થોડું આગળ ચાલ્યા પછી સંત કહે, 'તું આ પથ્થર ઊંચકી લે.' યુવાને તે પથ્થર ઉંચકી લીધો. સંત કહે, 'જ્યાં સુધી તને પ્રસન્નતાની અનુભૂતિ ન થાય ત્યાં સુધી તુ ંઆ પથ્થર ઉપાડીને જ ચાલજે, જેવી અનુભૂતિ થાય ત્યારે તરત આ પથ્થર છોડી દેજે.' થોડું આગળ ચાલ્યા. સંત કહે, 'તો રસ્તાની બન્ને બાજુ ઊભા પાકથી લહેરાતાં ખેતરો, મા વસુંધરાની માનવ, પશુ-પંખીની ક્ષુધા સંતોષવી… આ અનુપમ ભેટ છે. જો કેવું સુંદર વાતાવરરણ છે ! યુવક નિરૂત્તર આગળ ચાલે છે. આગળ જતાં નદી આવે છે. સંત કહે, 'ભાઈ, ખળખળ વહેતી આ સરિતાના નીરમાંથી પ્રગટ થતું સંગીત માણવા જેવું છે ! જો ભાઈ, સમગ્ર સૃષ્ટિના જીવોની તૃષા છીપાવવા લોકમાતાના ઉપકારના સાતત્યનું દર્શન કેવું રળિયામણું છે ! છતાં તારા મુખ પર પ્રસન્નતાના ભાવો કેમ નથી ?' બે-ત્રણ કિલોમીટર આગળ ચાલ્યા. નપાણિયા પ્રદેશમાં પ્રવેશ્યા. બંજર જમીન સડક કિનારે છૂટાછવાયાં પર્ણવિહીન વૃક્ષો, સૂમસામ રસ્તો. સંત કહે, 'હવે આ પથ્થર નીચે મૂકી દે અને આગળ ચાલ.' બે-પાંચ ડગલાં ચાલ્યા પછી સંત યુવકને પૂછે છે, 'હવે કેવું લાગે છે ?' યુવક કહે, 'હું હળવો થયો. મને પ્રસન્નતાની અનુભૂતિ થઈ રહી છે.' સંત કહે, 'તેં જ્યાં સુધી તે પથ્થર ઉપાડયો હતો ત્યાં સુધી આહલાદક પ્રકૃતિ, સૌંદર્યસભર વાતાવરણમાં પણ તને પ્રસન્નતા ના મળી, કારણ કે તું પથ્થરના ભાર સાથે ચાલતો હતો. એક પથ્થર મૂકતાં બંજર રસ્તો સારું વાતાવરણ ન હોવા છતાં પ્રસન્નતા મળી, કારણ ભાર ગયો, હળવાશ આવી તેથી પ્રસન્નતા મળી.'
આપણે ઇચ્છાઓ, અપેક્ષાઓના પોટલા સાથે ચાલીએ છીએ. રાગ, દ્વેષ, લોભ, માન, માયા, ક્રોધના કષાયના ભાર સાથે જીવનમાં ચાલીએ છીએ જેથી પ્રસન્નતાની અનુભૂતિ થતી નથી. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓનો ભાર વેંઢારીને ચાલીએ છીએ જેથી જીવનમાં પ્રસન્નતા ગુમાવીએ છીએ. યાદ રહે, સરળતા જ જીવનનું સૌંદર્ય છે. આહાર પ્રત્યેની આસક્તિ ઓછી, અન્યને અભયદાન આપીએ, પરિગ્રહ અને વાસના પાતળી પડે તો પ્રસન્નતા આપણા દરવાજા પર ઊભી હશે. પ્રસન્નતાના રહસ્યોદ્ઘાટન કરનાર સંતને યુવક કહે, 'હે કલ્યાણમિત્ર ગુરૂભગવંત, હવે મને સમજાયું કે, પ્રસન્નતાનો ભંડાર તો મારી ભીતરમાં જ છે.'




