શક્ર એટલે ઈન્દ્ર ઈન્દ્રાદિ દેવોએ કરેલી સ્તુતિ એ જ શક્રાદય સ્તુતિ કહેવામાં આવે છે
- પુણ્યશાળીઓના ઘરમાં લક્ષ્મી સ્વરૂપે તમે જ છો. અર્થાત્ દેવો એમ કહેવા માંગે છે કે, સંપત્તિ મળવી એ જગદંબાની કૃપા હોય તો જ મળી શકે
જ ગદંબાને પ્રસન્ન કરવા માટે અનેક સ્તુતિ સ્તોત્રો વર્ણવ્યાં છે. માર્કંડેય પુરાણમાં આવેલ દુર્ગા સપ્તસતિનો ચોથો અધ્યાય એ શક્રાદય સ્તુતિ છે. જે સ્તુતિઓમાં મણિ સમાન છે. શક્ર એટલે ઈન્દ્ર. ઈન્દ્રાદિ દેવોએ કરેલી સ્તુતિ એ જ શક્રાદય સ્તુતિ કહેવામાં આવે છે.ળ
દુર્ગા સપ્તસતિમાં પ્રસંગ છે કે, મહિસાસુરનો વધ થયો તે સમયે દેવો પરમ આનંદિત થયાં. આ બધા દેવો માતા જગદંબાની સન્મુખ આવ્યાં અને દેવોએ માતાજીની સ્તુતિ કરી. ઈન્દ્રાદિ દેવો સ્તુતિ કરતાં વર્ણવે છે કે, 'શક્રાદય સુરગણા નિહતેતિ વિર્યે ત સ્મન દુરાત મહિસુરાદિ બલેચ્ચદેવ્યા; તામ તુષ્ટુહુ પ્રણતિ નમ્ર શિરૌ ધરોંસા વાગ્ભિ પ્રહર્ષ કુલકોદ ગમ ચારુદેહા.' જગદંબાની સન્મુખ દેવો ગયાં તે સમયે દેવોનું હૃદય દ્રવિભુત થયું. વાણિ સ્થંભી ગઈ, માતાજીને સ્તુતિ કરતાં-કરતાં દેવો કહે છે કે તમારો મહિમા ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી કે મહાદેવજી પણ જાણી શકતા નથી. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે એ સર્જનમાં પણ તમારી જ શક્તિ છે. ભગવાન વિષ્ણુ પાલન કરે છે તે પાલનમાં પણ તમારી શક્તિ છે અને મહાદેવજી જે સંહારનું કાર્ય કરે છે તે સંહારમાં પણ તમારી શક્તિ છે.ળ
પુણ્યશાળીઓના ઘરમાં લક્ષ્મી સ્વરૂપે તમે જ છો. અર્થાત્ દેવો એમ કહેવા માંગે છે કે, સંપત્તિ મળવી એ જગદંબાની કૃપા હોય તો જ મળી શકે. વિદ્યા અને અવિદ્યા બંન્ને માતાજીના સ્વરૂપો છે. વિદ્યા સ્વરૂપે એ જ જીવને મુક્ત કરવાવાળા છે અને અવિદ્યા રૂપે એ જ જીવને બાંધવાવાળા છે. સ્તુતિ કરતાં-કરતાં દેવોએ કહ્યું કે, તમે મેધા સ્વરૂપે છો. મેધા એટલે યાદશક્તિ. ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે, 'મને યાદ નથી રહેતું.' યાદશક્તિ એ માતાજીનું સ્વરૂપ છે. ભગવતિની કૃપા થાય તો મેધા શક્તિ મળે. માતાજી શાસ્ત્ર સ્વરૂપે છે. શાસ્ત્રની એક વ્યાખ્યા છે કે, 'જે આપણી અંદર શાસન કરે એ જ શાસ્ત્ર.' શાસ્ત્રોએ બતાવેલા માર્ગ ઉપર હંમેશા વ્યક્તિએ ચાલવું જોઈએ. તો જ જીવનની સાર્થક્તા સિદ્ધ થાય. એ શાસ્ત્ર સ્વરૂપે પણ મા જ બીરાજમાન છે. શાસ્ત્રોનું જો કોઈ સાર તત્વ હોય તો તે જગદંબા છે. માટે વિશ્વંભરિ સ્તુતિમાં પણ આ ભાવ આપતાં કહ્યું કે, 'સંસારમા તુજ વિના નથી કોઈ મારું સાચા સગા ભગવતિ તુજને સંભાળુ.'
જીવનો જગત સાથેનો જે સંબંધ છે એ મિથ્યા છે. પણ ભગવતિ સાથેનો જે સંબંધ છે એ જ સાચો છે. દેવોએ સ્તુતિ કરતાં-કરતાં કહ્યું કે, સ્વાહા તમારું સ્વરૂપ છે. યજ્ઞામાં જે 'સ્વાહાકાર' થાય છે એના દ્વારા જ દેવોને શક્તિ મળે છે. દેવોને શક્તિ મળે તે માટે જ સ્વાહાદેવીની ઉત્પત્તિ થઈ છે. દેવોએ કહ્યું કે, 'પિતૃઓને તારવાવાળા હે દેવી તમે સ્વધા છો.' જેના ઉપર જગત જનનીની કૃપા થાય એની સમગ્ર વિશ્વમાં પ્રગતિ થાય. ધન-ધાન્ય, પુત્ર-પૌત્ર બધું જ આપવાવાળા ભગવતિ છે.
શક્રાદય સ્તુતિમાં દેવોએ માતાજીને કહ્યું કે, 'હે મા ! તમે અમારા ત્રિવિધ તાપનો નાશ કરો. આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક.' અર્થાત્ આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ બધા તાપોને હરવાવાળા જગદંબા છે. માટે જ કહ્યું કે, 'ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પિધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કિધુ; શ્રદ્ધા ધરી નથી કર્યાં તવનામ જાપો, મા પાહિ ઓમ ભગવતિ ભવ દુ:ખ કાપો.' શક્રાદય સ્તુતિનો સારતત્વ એ જ છે કે માતાજી માત્ર મંદિરમાં જ નથી આ જગતમાં જેટલાં સ્વરૂપો છે તે બધા ભગવતિના જ છે. જ્યારે બ્રહ્માંડમાં કાંઈ નહોતું ત્યારે જગત-જનનીની ઉપસ્થિતિ હતી.
માતાજીએ દેવોને કહ્યું કે, 'મેં તમારા શત્રુ મહિસાસુરનો વધ કર્યો છે. જ્યારે જ્યારે વિપત્તિ પડે ત્યારે-ત્યારે તમે મારું સ્મરણ કરજો. હું પ્રગટ થઈશ.' આ માતાજી દેવોને જ નથી કહેતાં પણ આપણને સૌને કહે છે. જીવનમાં વિપત્તિ આવે ત્યારે વિશ્વંભરીને સંભારીએ. આપણે આપણા જીવનને ધન્ય બનાવી કૃતાર્થ કરીએ એ જ શક્રાદય સ્તુતિનો સાર છે માટે સંપૂર્ણ દુર્ગા સપ્તસતિ ન કરી શકો તો એનો ચોથો અધ્યાય શક્રાદય સ્તુતિ જો કરવામાં આવે તો ભગવતિની વિશેષ કૃપાદ્રષ્ટિ થાય છે. એ જ દુર્ગા સપ્તસતિનો સાર છે..અસ્તુ!.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી