પારસમણિ નહીં, પ્રભુભક્તિનો આખો રસમણિ

- તુકારામે કહ્યું : 'મારી પાસે 'પા' રસમણિ નહીં પણ 'આખો' રસમણિ છે. પારસમણિ તો માત્ર લોખંડને જ સોનું બનાવે, જ્યારે પ્રભુભક્તિ રૂપી આખો રસમણિ તો બીજા પારસમણિનું સર્જન કરે.
તુકારામ. મહાન સમભાવી સંત. ઉપકારી ઉપર તો ઉપકાર કરે જ, પણ અપકારી ઉપર પણ ઉપકાર કરે. કોઈ પ્રત્યે ભીતર અંશ દ્વેષ નહીં.
તુકારામ જે ગામમાં રહેતા હતા, એ જ ગામમાં શિવો કંસારો નામનો એક બ્રાહ્મણ રહેતો. તે તુકારામનો કટ્ટર દુશ્મન હતો. તુકારામનું નામ સાંભળવા મળે કે સામે મોઢું દેખાઈ જાય, તોય તેની ભીતર આગ સળગે.
એક દિવસ એક ઘટના વિચિત્ર બની. એક ગરીબ ગામમાં આવ્યો. તેની પુત્રી પરણાવવા લાયક થઈ હતી, પણ તેની પાસે કંઇ જ ન હતું. તે ટીપ કરવા આવ્યો હતો, તો ગામના કેટલાક યુવાનોએ તેને ચઢાવીને તુકારામને ત્યાં મોકલી દીધો. તુકારામે સ્નેહસભર સ્વાગત કરી, આવવાનું કારણ પૂછયું, તો તેણે પોતાની અંતરની વાત દુખતાં હૃદયે કરી. તુકારામે તેને શિવાભાઈ કંસારા પાસે જવાનું સૂચન કર્યુ, અને કહ્યું : 'એ જે લખાવશે, તેટલી ટીપ મારા તરફથી સમજજો.' તે ગરીબ શિવાભાઈને ઓળખતો ન હતો, તેથી સાથે કોઈને ઘર બતાવવા મોકલ્યો.
તે ગામના યુવાનની સાથે ગરીબ શિવાભાઈનાં ઘરે ગયો. તુકારામે ટીપ માટે મોકલ્યા છે, એ સાંભળતા જ તે આગબબુલો થઈ ગયો. તુકારામને ખૂબ ગાળો બોલી, જોકે તે ના આપે ત્યાં સુધી પાછા આવવાનું ન હતું, તેથી ગરીબે 'મોરે તો અઠેસ દ્વારકા' કરી. આખરે કંટાળીને લપથી છૂટવા શિવાભાઈએ ક્રોધમાં ને ક્રોધમાં ઘસાઈ ગયેલો તાંબાનો જૂનો ઢબુ પૈસો ઘરમાંથી કાઢયો. ગરીબ સામે ફેંકતા કહ્યું : 'લે, આ મારા બે પૈસા.' ગરીબ યુવાન સાથે પાછો તુકારામને ત્યાં આવ્યો. તુકારામે ગરીબનો ઢબુ પૈસો હાથમાં લઈ તરત પોતાનાં ઘરની સગડીની આગમાં નાંખ્યો. થોડી વાર પછી બહાર કાઢયો, તો તે પૈસો સોનાનો સિક્કો બની ગયો હતો. ગરીબને આપતા કહ્યું : 'આ શિવાભાઈનો સોનાનો સિક્કો ! હવે તમારે ટીપ કરવાની કોઈ જરૂર નથી. આમાં પુત્રીનું આખું લગ્ન થઈ જશે !' ગરીબ હરખાતો પોતાનાં ઘર તરફ ગયો.
આ બાજુ આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ. ફરતી ફરતી શિવા કંસારા પાસે પણ આવી. તેને થયું કે, ચોક્કસ તુકારામ પાસે પારસમણિથી વિશેષ રત્ન હોવું જોઈએ, નહીંતર તાંબાનું સોનુ તો કઈ રીતે બની શકે ? પારસમણિની લાલચે તે તુકારામ પાસે ગયો. પગમાં પડી ખૂબ રડયો. વારંવાર ક્ષમાયાચના કરી. સ્વાર્થ હોય ત્યારે વ્યક્તિ શું ના કરી શકે ? તુકારામે ઉદાર હૃદયે માફી આપી. હવે શિવો તેઓની સેવામાં દિન-રાત તેમની સાથે જ રહે છે. ભજન ને ભોજન બધું તેમની સાથે જ કરે છે. મહિના સુધી સાથે રહ્યા છતાં પારસમણિ ના દેખાયો, એટલે તુકારામ બહાર ગયા હતા, ત્યારે આખું ઘર ફેંદી નાંખ્યું. અચાનક તુકારામ આવ્યા, ઘરને ફેંદેલું જોઈ તેમને ખ્યાલ આવી ગયો. નિર્લજ્જતાથી શિવાએ તુકારામને પૂછયું : 'મેં સાંભળ્યું છે કે તમારી પાસે પારસમણિ છે. જો હોય તો હજી સુધી મળ્યો કેમ નહીં ?' તુકારામે કહ્યું : 'મારી પાસે 'પા' રસમણિ નહીં પણ 'આખો' રસમણિ છે. પારસમણિ તો માત્ર લોખંડને જ સોનું બનાવે, જ્યારે પ્રભુભક્તિ રૂપી આખો રસમણિ તો બીજા પારસમણિનું સર્જન કરે. અર્થાત્ હું તો પ્રભુભક્ત હતો જ, પણ તનેય પ્રભુભક્ત બનાવી દે.' શિવાભાઈને હવે તુકારામનું રહસ્ય સમજાયું. ત્યારથી તેઓ પ્રભુના અને તુકારામના પરમભક્ત બની ગયા.




