For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મામેકં શરણં વ્રજ .

Updated: Jan 19th, 2023

Article Content Image

પૂ ર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ એટલે નારાયણનો અવતાર. ભગવાન વિષ્ણુ શાંત આકારના શેષશાયી, પદૃમનાભ, મેઘ તથા વિશાળ ગગન સમાન કમળ નયન લક્ષ્મીપતિ છે. જ્યારે શ્રીકૃષ્ણ શ્યામરંગના મુકુટધારી, ગળામાં વૈજ્યંતિમાળા ધારણ કરનાર, હાથમાં ગદા, સુદર્શન ચક્ર ધારણ કરનારા છે અર્જુનને તેમણે તેમનાં વિરાટ રૂપનાં દર્શન માટે દિવ્ય દૃષ્ટિ આપેલી.

ભગવાન શ્રી કૃષ્ણે જ અર્જુનનો મોહ નષ્ટ કરાવ્યો હતો. અઢારમા અધ્યાયમાં આવે છે. નષ્ટો મોહ સ્મૃતિલબ્ધા, અર્જુનને સ્મૃતિઓ પણ શ્રીકૃષ્ણે જ પાછી અપાવી હતી. શ્રીમદ્ ભગવદ્ગીતાના અઢારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે કે, 'સઘળા ધર્મોને મારામાં ત્યજીને તુ સર્વ શક્તિમાન સર્વાધાર પરમેશ્વરના શરણે આવી જા. હું તને બધાય પાપોમાંથી મુક્ત કરી દઈશ. તું શોક કરીશ નહીં. આગળ કહે છે, ' જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્ય યુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે તે મને જ પામશે તેમાં જરા પણ સંદેહ રાખીશ નહીં.'

જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને ગાંડીવ ધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય, વિભૂતિ અને અચળ નીતિ છે.

શ્રીકૃષ્ણમાં ચિત્ત ધરાવનારનાં બધાં જ સંક્ટોથી શ્રી કૃષ્ણ દુર કરે છે. ભક્તોનું યોગક્ષેમ શ્રીકૃષ્ણ જ વહન કરે છે. જ્યારે જ્યારે દેશમાં સંકટો, ભય, અધર્મ, અનીતિ કે ગ્લાનિ વ્યાપ્ત થાય છે ત્યારે ધર્મનાં અભ્યુત્થાન અર્થે નારાયણ અવતાર ધારણ કરે છે. સાધુઓનું પરિત્રાણ તથા દુષ્ટોનો વિનાશ કરવો તે શ્રીકૃષ્ણ થકી જ સંભવ છે. નિંદા, સ્તુતિને સમાન સમજનાર મમતા તથા આસક્તિ વિનાનો સ્થિર બુદ્ધિનો માણસ પ્રભુને પ્રિય છે.

ગીતાના ૧૨મા અધ્યાયમાં કહે છે જે કદી હર્ષ-શોક પામતો નથી. કશાંયની કામના કે એષણા કરતો નથી અને શુભાશુભ બધાં કર્મોનો ત્યાગ કરે છે તે ભક્ત બંસીધર શ્રીકૃષ્ણને પરમ પ્રિય છે.

શ્રી કૃષ્ણ અનેક રૂપ રૂપાય છે. તેમને હજાર હાથ છે. હજાર નામ પણ છે. ભાવનાના ભુખ્યા છે. તેને અર્પણ કરેલ પત્ર, પુષ્પ, ફળ કે તોય (જળ) પ્રેમથી આરોગે છે. અનન્યાશ્વિન્તયન્તો માં યે જના : પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમ વહામ્યહમ ।।

નિષ્ઠાથી ભાવનાથી, પ્રેમથી નિરંતર પ્રભુનું સ્મરણ તથા ચિંતન કરતા ભક્તની રક્ષા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ કરે છે. તેનાં યોગક્ષેમનું તે ધ્યાન રાખે છે. ભક્તનું કલ્યાણ કરે છે. ભગવાન ભક્તની બધી ચિંતાઓ હરી લે છે.

ગીતાના અભ્યાસ કરનારનો કદી પુનર્જન્મ થતો નથી. ભગવાનના ગુણ, પ્રભાવ અને મર્મનું વર્ણન ગીતામાં જોવા મળે છે. ગીતારૂપી જળમાં સ્નાન કરનારની સંસાર રૂપી મલિનતા દુર થાય છે. ગીતા એ ભગવાનનો શ્વાસ છે. હૃદય છે, ગીતા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણની વાડમયી મૂર્તિ છે. ગીતા સ્વયં પદૃમનાભનાં મુખેથી નીકળેલી જ્ઞાાનની ગંગોત્રી છે જે ભક્તોનું સદા કલ્યાણ કરે છે.

શ્રીકૃષ્ણની શરણે જનારનો હંમેશાં ઉદ્વાર થાય છે. ભગવાન શ્રીકૃષ્ણને પોતાના ભક્તો અધિકપ્રિય છે. માગસર માસએ ભગવાન શ્રીકૃષ્ણનું બીજું સ્વરૂપ છે. ભગવાન કહે છે કે મહિનાઓમાં માગસર માસ હું છું.

- ભરત અંજારિયા

Gujarat