શ્રી શંકરાચાર્ય રચિત "કનકધારા સ્તોત્ર"નું માહાત્મ્ય .

- આદિ શંકરાચાર્યને માત્ર ભારતદેશની જ નહિ, સમગ્ર વિશ્વની એક વિરલ વિભૂતિ ગણાવી શકાય
કો ઈ પણ રાષ્ટ્રની આધ્યાત્મિક ઉન્નતિ માટે ભૌતિક સુખ-સંપત્તિ પણ આવશ્યક છે. વૈદિક કાળથી મધુચ્છન્દા, ગૃત્સમદ વગેરે ઋષિઓ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતા ધનની, રત્નોરૂપી સંપત્તિની, જ્ઞાન તથા અતિશય કીર્તિની અગ્નિદેવ, ઇન્દ્રદેવ તથા અન્ય દેવો સમક્ષ યાચના કરતા હોય છે. સમાજનો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ધાન્યલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિજયલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી તથા ધનલક્ષ્મીની કામના કરતો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિના પર્વ વખતે શક્તિ ઉપાસના પ્રસંગે વેદોક્ત "શ્રી સૂક્ત"નો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવામાં આવે છે.
આદિ શંકરાચાર્યને માત્ર ભારતદેશની જ નહિ, સમગ્ર વિશ્વની એક વિરલ વિભૂતિ ગણાવી શકાય. તેમણે રચેલા દક્ષિણામૂર્તિસ્તોત્ર, મનીષાપંચક વગેરે સ્તોત્રોનો આજે પણ લાખો ભક્તો નિયમિત પાઠ કે ગાન કરી ધન્યતા અનુભવે છે. આવું જ એક સ્તોત્ર "કનકધારા સ્તોત્ર" સ્તોત્ર સાહિત્યમાં સિદ્ધિ, સફળતા અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે ખૂબ જાણીતું છે. આ દિવ્ય સ્તોત્રનો શ્રદ્ધા તથા ભક્તિભાવપૂર્વક પાઠ કરવામાં આવે તો મહાલક્ષ્મીની અપાર કૃપા તથા પ્રસન્નતા તે વ્યક્તિ ઉપર ચિરકાળ સુધી ઉતરી રેહ છે.
"શંકર દિગ્વિજય" ગ્રન્થમાં પ્રાપ્ત થતી કથા અનુસાર આચાર્ય શંકર બાલ્યાવસ્થામાં હતા ત્યારે ગુરુકુળમાં રહી શાસ્ત્રગ્રન્થોનો અભ્યાસ કરી રહ્યા હતા એમના ગુરુદેવ ગોવિંદપાદાચાર્યની આજ્ઞાથી તેઓ પૈસે ટકે ગરીબ પરંતુ ગુણોમાં સમૃદ્ધ એવી ગૃહિણીના ઘરે ભિક્ષા માટે ગયા. બાળકના મુખ ઉપર રહેલી તેજની આભા જોઇને તે ઘણી પ્રભાવિત થઈ. તેને બાળક ઉપર વરસી જવાની વૃત્તિ થઇ આવી. પરંતુ ગરીબાઈને કારણે લાચાર તેણે આચાર્ય શંકરને ભિક્ષા આપવામાં પોતાની જાતને અસમર્થ બતાવી. પોતાની આવી અસહાય પરિસ્થિતિના કારણે તેની આંખોમાં આંસુ આવી ગયા. પોતાના દરિદ્ર નિવાસસ્થાનમાં તપાસ કરતાં તેને એક સૂકાયેલા આમળાનું ફળ મળી આવ્યું અને તે આમળું બ્રહ્મચારી શંકરના ભિક્ષાપાત્રમાં આપી દીધું. પોતે અકિંચન છે એન આંગણે આવેલા બાળકને ભિક્ષામાં કાંઈ ખાસ આપી શક્તી નથી તેનો વસવસો તે ગૃહિણીના હૃદયમાં હતો. આથી ભિક્ષા પીરસતાં તેની આંખમાં આંસુ આવી ગયા. સર્વાન્તર્યામી આચાર્ય શંકરને કરુણા ઉપજી. તેઓએ તરત જ "કનકધારાસોત્ર"થી ભગવતી મહાલક્ષ્મીની ૧૮ પદ્યોમાં સ્તુતિ કરી અને એ ગૃહિણીના ઘરમાં સોનાનાં આમળાંની વર્ષા થઈ. આમ શંકરે એ નિર્ધન ગૃહિણી પ્રત્યે કૃતજ્ઞાતા પ્રગટ કરી તેનું કલ્યાણ કર્યું. આજે પણ કેરલ પ્રાન્તના કાલટી નજીક સુવર્ણગૃહ તરીકે એ ગૃહિણીનું ઘર જળવાઈ રહેલું બતાવવામાં આવે છે. આવી હતી બાળક શંકરની "પીડ પરાઈ" જાણવાની શક્તિ અને તે પીડા દૂર કરવાની ભક્તિ.
શેષશાયી ભગવાન વિષ્ણુના અર્ધાંગિની શ્રી લક્ષ્મીજીની અપાર કૃપા ભક્તજનો ઉપર વરસી રહે તેવી શુભકામના.
- ડો. યોગિની એચ. વ્યાસ

