Dharmlok

રાજા ઋષભદેવે જગતને સર્વપ્રથમ રાજનીતિ શીખવી!

By GS Team
28 Oct 20265 mins read
રાજા ઋષભદેવે જગતને સર્વપ્રથમ રાજનીતિ શીખવી!
  • આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

નૂતન ઈતિહાસના સર્જન માટે જેટલા વિદ્યાપુરુષાર્થની જરૂર હોય છે, એટલો જ સંશોધન-પુરુષાર્થ પ્રાચીન ઈતિહાસને જાણવા માટે કરવો પડે છે. એમાં પણ જ્યારે ઈતિહાસને પેલે પાર રહેલા યુગની ખોજ કરીએ, ત્યારે કેટલાય નવીન તથ્યો હાથ લાગતા હોય છે. આવો એક પ્રયાસ માનવસંસ્કૃતિના પુરોધા સમાન ભગવાન ઋષભદેવના વ્યક્તિત્વને સમજવા માટે 'ઋષભાયન'નાં આયોજનો દ્વારા પ્રભાવક રીતે ચાલી રહ્યો છે. એનો પ્રથમ પ્રારંભ થયો અમદાવાદમાં, એ પછી ગયા વર્ષે એનું વિસ્તૃત સ્વરૂપ પ્રગટયું મુંબઈમાં અને હવે વિરાટ સ્વરૂપ પ્રગટશે વડોદરાનાં નવલખી મેદાનમાં યોજાયેલા 'ઋષભાયન-૩' દ્વારા. આપણી સંસ્કૃતિનાં મૂળની શોધ કરીએ, ત્યારે આપણને ગ્રંથપરંપરા અને લોકપરંપરામાં પ્રથમ રાજા, પ્રથમ શિક્ષક, પ્રથમ સાધુ અને એથીય વધુ તો તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ભગવાન ઋષભદેવ.
એક એવું જીવન કે જેમાં માનવ ઉદ્વારની સાથોસાથ જગતકલ્યાણ જોડાયેલું છે. જેમાં જ્ઞાપરંપરાની સાથોસાથ લોકપરંપરાનું પ્રતિબિંબ ઝીલાયું છે. જેમાં માનવજીવનને સુદૃઢ અને વ્યવસ્થિત કરવાના પ્રયત્નની સાથોસાથ અધ્યાત્મજીવનની ઊંચાઈને સ્પર્શ કરવામાં આવ્યો છે અને પછી તમે ભારતીય સંસ્કૃતિનાં મૂળ ગ્રંથોમાં દૃષ્ટિપાત કરો, ત્યારે રાજા ઋષભદેવનું ચરિત્ર જોવા મળે છે.
સમયનાં પ્રવાહની સાથોસાથ એની જુદાં જુદાં પ્રકારે ઉપાસના થતી રહી અને ગંગાનાં મૂળમાં રહેલી ગંગોત્રીની ખોજ કરતા ખ્યાલ આવ્યો કે રાજા ઋષભદેવે જગતને કેટલી બધી અપૂર્વ ભેટ આપી છે. અસિ, મસિ, અને કૃષિ દ્વારા માનવસંસ્કૃતિનો પાયો નાખ્યો. એમણે માત્ર જીવન જીવતા જ શીખવ્યું નહીં, બલ્કે એ જીવનમાં કલાનાં સૌંદર્યનું ઉમેરણ કર્યું. સમાજની રચનાની સાથોસાથ એ સમાજ અહિંસાથી જીવે, વેરભાવનો ત્યાગ કરે, યોગ્ય રાજનીતિને પરિણામે જનજીવન વ્યવસ્થિત ચાલે- એ બધું એમણે શીખવ્યું. વળી એની સાથોસાથ વિદ્યા, વાણિજ્ય અને કલાનો રાજા ઋષભદેવે વારસો આપ્યો. દાંપત્યનો મહિમા, માતૃભક્તિનું ગુંજન અને પરિવારના પ્રેમનું મહાત્મ્ય આ જગતને એમણે પહેલવહેલું સમજાવ્યું. પોતાની પુત્રી બ્રાહ્મી અને સુંદરીને વિદ્યાવાન બનાવી અને અનેક ભાષાની જાણકાર બ્રાહ્મીએ આ જગતને લિપિ આપી તો એની સાથોસાથ સુંદરીએ અનેક કલાનો ખ્યાલ આપ્યો.
આજ સુધી રાજા ઋષભદેવનાં કાર્યોની ઓછી ચર્ચા થઈ હતી, બલ્કે એમના સાધુજીવન પર વધારે નજર ઠેરવવામાં આવી હતી, પરંતુ રાજા ઋષભદેવનાં કાર્યો, એમની નીતિ, ઉપદેશ અને સંદેશ એ એ જમાનાને જેટલાં આવશ્યક હતા એટલાં જ જરૂરી આજનાં યુગને છે. એનો ખ્યાલ ઋષભાયન દ્વારા મળી રહ્યો. રાજા ઋષભદેવ એ આદિપુરુષ યુગપ્રવર્તક બન્યા અને એમણે માનવસમૂહને અહિંસાનો વિવેક સમજાવ્યો. બાહ્યસમૃદ્ધિ કે પરિગ્રહોને બદલે અપરિગ્રહ અને આંતરસમૃદ્ધિની ઓળખ આપી. એથીય વિશેષ જુદાં જુદાં વ્યવસાયો કરતી પ્રજાને અનેકાંત દૃષ્ટિથી એવી રીતે ગૂંથી કે જેથી એક સંસ્કૃતિનું સર્જન થાય.
એ સમયની અંધાધૂંધી પરિસ્થિતિમાં રાજા ઋષભે વ્યવસ્થિત શાસનવ્યવસ્થા આપી. સુરક્ષા, વ્યાપાર અને ઉત્પાદનની વ્યવસ્થા કરી. લોકોએ કુમાર ઋષભધ્વજને રાજા બનાવ્યા અને તેઓ આદિ પૃથ્વીનાથ કહેવાયા. આ આદિ પૃથ્વીનાથે માનવીને રહેવા માટે ઘર, જમવા માટે ભોજન અને જીવવા માટે અભય એમ ત્રણ અપ્યાં. રઝળતાં, વિખરાયેલાં માનવીય ટોળાંઓને એમણે માનવીય સમાજમાં પરિવર્તિત કર્યા. રાજવ્યવસ્થા અને રાજનીતિ ઘડી. આજે આપણે જાણીએ છીએ કે રાજવ્યવસ્થાનું કેટલું મહત્વ છે અને દેશનું સુપેરે સંચાલન એના દ્વારા થતું હોય છે.
વ્યવસ્થા જાળવવા માટે અનીતિ કે અવ્યવસ્થા કરનારને દંડ કરવાની જરૂર હોય છે. એમ કહેવાયું કે અનીતિરૂપી તમામ સર્પોને વશ કરવા વિષવિદ્યા સમાન દંડનીતિની જરૂર હતી અને એમાંથી બે દંડનીતિ રાજા ઋષભના સમયમાં થઈ. પહેલી દંડનીતિ એટલે 'પરિભાષા' આનો અર્થ એ કે અપરાધી વ્યક્તિને આક્રોશપૂર્ણ શબ્દોમાં નજરબંધ રાખવાનો દંડ કરવો. કઠોર શબ્દોથી એને પ્રતાડિત કરવો એટલે કે સખત ઠપકો આપવો. વિચાર કરીએ કે એ જમાનામાં માનવજાત કેવી નિર્દોષ હશે, કે કોઈને ઠપકો આપવો એ એક સજા ગણાતી હતી. રાજા ઋષભની બીજી દંડનીતિ એ હતી કે મંડલબંધ એટલે કે સીમિત ક્ષેત્રમાં રહેવાનો દંડ કરવો.
રાજા ઋષભદેવના સમયમાં આજીવિકા માટે છ સાધનો પ્રચલિત હતા. અસિ એટલે સૈનિકવૃત્તિ મસિ એટલે લિપિ વિદ્યા. કૃષિ એટલે ખેતીનું કામ. ચોથું વિદ્યા એટલે અધ્યાપન કે શાસ્ત્રોપદેશનું કામ. પાંચમું વાણિજ્ય એટલે વેપાર અથવા તો વ્યવસાય અને છઠ્ઠું શિલ્પ એટલે કલા અને કૌશલ. આ છ પ્રકારનાં આજીવિકાનાં સાધનો રાજા ઋષભધ્વજે પ્રજાને આપ્યાં અને એથી જ એ સમયના માનવીઓને 'ષટ્કર્મજીવિનામ' કહેવામાં આવ્યાં.
રાજા ઋષભે કહ્યું કે કલા કામધેનું અને ચિંતામણિ રત્ન છે. કલા જ આત્મકલ્યાણ કરનારી છે. એ જ ધર્મ, અર્થ અને કામરૂપ ફળ સહિત સંપત્તિઓને ઉત્પન્ન કરનારી છે.
વ્યવહાર સાધન માટે માન એટલે કે માપ, ઉન્માન એટલે તુલા આદિ વજન, અવમાન એટલે જગ, ફૂટ, ઈંચ, આદિ અને પ્રતિમાન એટલે પાશેર, શેર, મણ વગેરે શીખવ્યું. મણિ વગેરે પરોવવાની કળાથી પણ અવગત કરાવ્યા. આદિ પુરાણકાર તો કહે છે, 'આદિ તીર્થકરે સ્વયં પોતાની પુત્રીઓને લિપિસંસ્કાર આપતી વખતે અ, આ,ઇ,ઈ,ઉ,ઊ, વગેરે વર્ણમાળા એટલે કે બારાક્ષરી લખીને અક્ષરજ્ઞાન આપ્યું હતું
એમણે પોતાના રાજ્યની સુરક્ષા, વ્યાપાર અને ઉત્પાદનની વ્યવસ્થા કરી. અશ્વ, ગાય વગેરે પશુઓનો ઉપયોગ કરતા શીખવ્યું. રશિયામાં એક પ્રસિદ્ધ કહેવત છે કે, 'પૈસાદારોને બિચારાઓને પૈસા ખાવા પડે, જો ખેડૂતો અન્ન ઉગાડતા ન હોત.' તો રાજા ઋષભદેવે ખેતીની તાલીમ, હળ ચલાવવાની રીત, વાવણી કરવાની કલા - એ સઘળું શીખવ્યું. એની સાથોસાથ ગોવાળો પ્રાણીઓ પ્રત્યે સદ્ભાવ રાખે એની વાત કરી અને આ રીતે માનવજીવનની ઉપયોગી પ્રવૃત્તિઓનો વિકાસ કરીને એમણે માનવીનાં જીવનને શિષ્ટ, રસપ્રદ અને વ્યવહારું બનાવ્યું. એના ભીતરમાં રહેલી માણસાઈ જગાવી અને ભાવનાનું શિલારોપણ કર્યું. આ રીતે જગતનું કરુણાવત્સલ રાજા ઋષભદેવે ત્રેસઠ લાખ વર્ષ સુધી રાજા તરીકે પ્રજાનું સુંદર પાલન કર્યું.
ધર્મગ્રંથો કહે છે કે રાજકુમાર ઋષભધ્વજ તરીકે વીસ લાખ વર્ષ યુવરાજ પદમાં પસાર થયા અને પછી ત્રેસઠ લાખ વર્ષ એમણે રાજ્યની ધૂરા સંભાળી, પણ હવે ધર્મતીર્થ પ્રવર્તાવવા માટે રાજત્યાગનો સમય આવી પહોંચ્યો હતો.
હવે આગામી 'ઋષભાયન-૩'માં રાજા ઋષભે માનવસંસ્કૃતિને આપેલાં વારસાની ૨૭-૨૮ અને ૨૯ નવેમ્બરે યોજાયેલા વિચારમંચમાં થશે અને એમાં એ સમયની દંડનીતિ, વિશ્વશાંતિ વ્યવસ્થા, આદિ શિલ્પ વિજ્ઞાન, ગૃહસ્થનીતિ તેમજ અહિંસા, સંયમ અને અપરિગ્રહથી શોભતી હજારો વર્ષો સુધી સુવાસિત રહેનારી જીવનશૈલીનાં પાઠ શીખવ્યા. આ રીતે 'ઋષભાયન-૩'માં વિદ્વાનોનાં સંશોધનો, વક્તવ્યો ઉપરાંત પાકકલા, સ્વાધ્યાયપીઠ, અનુભૂતિ ઝોન અને એકેડેમિક સ્ટોલ દ્વારા ભારતના પરંપરાગત આહારની વાત થશે, જ્યારે સ્વાધ્યાયપીઠમાં સ્વાધ્યાયો પ્રસ્તુત થશે, અનુભૂતિ ઝોનમાં કલાપ્રદર્શન અને એકેડેમિક સ્ટોલમાં હસ્તપ્રત ગ્રંથો વગેરે દર્શાવવામાં આવશે. વળી જુદી જુદી વિદ્યાસંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સાથે એક સંબંધ (MOU) પણ સર્જવામાં આવશે. વારસાગત મંદિરો અને પ્રતિભાવોનું સર્વેક્ષણ, જિર્ણોદ્વાર અને સંરક્ષણનંુ કાર્ય પણ ચાલશે. આ રીતે ઋષભાયન દ્વારા પ્રાચીન રાજવ્યવસ્થા, માનવસંસ્કૃતિ અને જીવનદૃષ્ટિનો સહુને ખ્યાલ મળી રહેશે.