દરેક ધર્મોમાં 'પ્રાર્થના' એ દુ:ખોની શાંતિ માટે શ્રેષ્ઠ ઉપાય કહ્યો છે

- પ્રાર્થના આત્મશ્રદ્ધા અને આત્મબળ વધારવાનું ઉત્તમ માધ્યમ બને છે. પ્રાર્થના અંદરની ચેતનાને જાગૃત કરે છે. શરીરની ચેતના શક્તિ તથા મનનું સાત્વિક બળ વધારે છે. પ્રાત: અને સાયંકાળ તે માટે ઉત્તમ છે. દરેક ધર્મોમાં, દરેક દેશોમાં આનો ચમત્કાર દેખાય છે. આની અદ્વિતિય તથા અનુપમ શક્તિ શરીરનાં કોષો ઉપર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને રોગ મુક્ત થવામાં તથા શારીરિક અને માનસિક શક્તિ વધારવા માટે ચમત્કારિક પ્રભાવ પાડે છે.
દરેક દુ:ખોનાં મૂળમાં શરીર અને મનની અસ્વસ્થતા રહેલ છે. ચાઈનીઝ ભાષામાં 'ચીન' અને 'યાંગ'નું અનિયમીતપણું રોગોનું કારણ ગણવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્રમાં વાયુ, પિત્ત, કફ તથા સત્વ, રજ અને તમસ્ નું અસંતુલન રોગ થવામાં કારણરૂપ મનાયું છે. દરેક શારીરિક રોગો કાલાન્તરે 'મન' ઉપર અસર કરે છે અને દરેક માનસિક રોગો કાલાંતરે શારીરિક ક્રિયાઓ ઉપર અસર કરે છે. જેને આપણે મનો દૈહિક વિકાર કહીએ છીએ.
આયુર્વેદ શાસ્ત્રમાં અનેક પ્રકારની ચિકિત્સાઓ રોગોની અવસ્થા પણે આપી છે. તેમાં એક 'દૈવવ્યપાશ્રય' પ્રકારની સારવાર પણ આવેલી છે. જે કાલ બલ પ્રવૃત્ત તથા દૈવબલ પ્રવૃત્ત રોગો કાળ અને દૈવવશ ગણેલા છે. જે ફેલાઈને વિશ્વમાં અનેક રીતે તિવ્ર રોગોનું સ્વરૂપ ધારણ કરે છે. જેને 'જનપદો….' જન્ય રોગો ચરકમાં કહ્યા છે. જે અધર્મ, પાપો, કુકર્મો, કુનિષ્ટા વિગેરે દ્વારા જનોનાં સમૂહમાં ફેલાય છે. જેને 'એપેડેમીક' રોગો કહે છે. આમાં કોઈ સારવાર પણ પુરેપુરી થતી નથી.
આયુર્વેદ એ જીવન શાસ્ત્ર છે. ચરક સંહિતાનાં વિમાન સ્થાનમાં આવા રોગોનું વર્ણન છે. જેની સારવાર માટે 'દૈવવ્યપાશ્રય ચિકિત્સા' આપેલી છે. આવા રોગો કાળ અને દૈવને આધિન હોય છે. આના માટે એક ઇશ્વર આશ્રિત ચિકિત્સા બતાવી છે. જે આ પ્રકારની સારવારોમાં આવે છે. આનું ઔષધ તે જ છે જેને આ પ્રકારની સારવાર ગણાય છે. दैवव्यपाश्रायं भैषजम् જેનાથી કોપાયમાન દેવ-કાળ-ઋતુ વગેરે પરિબળો શાંત થઈ તેના પ્રભાવથી રોગોને શાંત કરે છે. હમણાં જ વિશ્વવ્યાપી કોરોના માં વિશ્વ હાંફી ગયું હતું. આવા રોગોને આયુર્વેદ દૈવબલપ્રવૃત્ત રોગો કહ્યા છે.
આ પ્રકારની સારવારમાં આયુર્વેદમાં નીચેના ઉપાયો બતાવ્યા છે. જેને દૈવવ્યપાશ્રિયચિકિત્સા કહેવાય છે.
(૧) મંત્ર : અર્થાત કોઈ સિદ્ધપુરુષ દ્વારા વિશેષ રૂપે દૈવના મંત્રોનો જાપ કરાવવો આનો પ્રભાવ રોગ ઉપર પડે છે અને સ્વસ્થતા મેળવાય છે.
(૨) મંત્રોથી સિદ્ધ કરેલ જવ કે ઔષધનું શરીરમાં ધારણ કરવાથી રોગોમાં રાહત થાય છે.
(૩) મણિ : વિવિધ રત્નો જ્યોતિષ દ્વારા સિદ્ધ કરીને તે મણી કે રત્નનો શરીરે ધારણ કરવા. આ પણ નડતા નક્ષત્રનો વગેરેથી દુર કરીને સ્વાસ્થ્યનું નિર્માણ કરે છે.
(૪) સિદ્ધ દેવો દ્વારા આપેલ ઉપહાર ગ્રહણ કરવા.
(૫) નિયમ : શાસ્ત્રોક્ત મૌન, તપ, અનુષ્ઠાન વગેરે વિધિઓનું અનુસરણ કરવું.
(૬) પ્રાયશ્ચિત : કરેલા કર્મોના ફળ માટે તેનું પ્રાયશ્ચિત કરવું જેથી મન શાંતિ અનુભવે છે. રોગ શાંત થાય છે.
(૭) તપ : શરીર તથા મનને થોડું કષ્ટ મળે તેવા ઉપવાસ અનુષ્ઠાન વગેરે કરવા.
(૮) સ્વસ્તિવાચન : પોતાના માટેનાં કલ્યાણકારી મંત્રો બોલી દેવને પ્રસન્ન કરે તેવી સ્તુતિ કરવી કે બ્રાહ્મણો દ્વારા 'સ્વસ્તિ' વાચનની ક્રિયાઓ કરવી.
(૯) શાંતિકર્મ : વૈદિક મંત્રો દ્વારા શાંતિપાઠ કરવા તથા યજ્ઞાો કરવા.
(૧૦) પ્રણિપાત કે નમસ્કાર : દેવ-ગુરૂ-પિતરોને વંદન કરી આશિર્વાદ મેળવવા. નમ્ર થઈને રહેવું.
(૧૧) ગમન : નિવાસસ્થાનથી દુર ધાર્મિક જગ્યાએ જઈ ગમન કરી મંત્રજાપ કરવા - જપ કરવા.
(૧૨) દયા : પ્રાણિમાત્ર ઉપર દયાનો સ્વભાવ કેળવવો. ગરીબો ઉપર કૃપા-દાન પોતાની શક્તિને અનુસાર કરવા.
'ચશ્ન િં્ષ્ઢ ગ્શ્નેંણ' (સુશ્રુત) આ પ્રમાણેની ચર્યાઓમાં તત્પર થઈને કરવાથી રોગોથી મુક્ત થવાય છે. અહીં દેવ વગેરે કે સિદ્ધપુરૂષોનાં આશિર્વાદનાં પ્રભાવથી રોગોમાંથી નિવૃત્તિ મળે છે. જે પ્રત્યક્ષરૂપે પણ જોવા મળે છે. આ ઉપચારાત્મક ક્રિયાઓથી શરીરમાં એક નવી ચૈતન્ય શક્તિ (નેચરલ ઇમ્યુનિટી) ઉત્પન્ન થાય છે. જે રોગને દુર કરવામાં ખાસ મદદરૂપ બને છે. દવા અને દૂઆ બન્ને શરીરના આરોગ્ય માટે જરૂરી છે. હવામાન, દેશ, સ્થાન, નિવાસ, ઘરની કે પ્રવૃત્તિનો પ્રકારો પણ આરોગ્ય અને અનારોગ્ય માટે કારણભૂત બને છે. (ચરકસૂત્ર ૨૧/૨૭)
- ડો.ઉમાકાંત જે.જોષી




