Dharmlok

વિનમ્રતા જીવનવિકાસની આધારશિલા છે...અહંકાર જીવનવિનાશની આધારશિલા છે...

By GS Team
29 Oct 20267 mins read
વિનમ્રતા જીવનવિકાસની આધારશિલા છે...અહંકાર જીવનવિનાશની આધારશિલા છે...
  • અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
  • 'વિનયશીલ બનવા માટે બે વાત લક્ષ્યમાં રાખીએ : એક એ કે 'હું કાંઈ નથી' આવો અહંશૂન્ય ભાવ રાખવો. અમે એક સ્થળે આ ભાવ કેળવવા એવો અનુરોધ કર્યો હતો કે 'કાળના અનંત પ્રવાહમાં મારું અસ્તિત્વ તણખલાથી વિશેષ કાંઈ જ નથી.' આવું દરેક વ્યક્તિએ પ્રમાણિકતાથી માનવું. બીજી વાત એ કે જે જે ઉપકારી વ્યક્તિત્વો છે એના પ્રત્યે સદૈવ વિનયભાવ રાખવો. આનાથી કૃતજ્ઞાતા અને વિનયશીલતા બન્ને ગુણો સચવાશે. આ રીતે પ્રાપ્ત થતી વિનયશીલતા ક્રમશ : સમ્યગ્દર્શનાદિ ગુણોની અને અંતે મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે જ.'

શુદ્ધ ધર્મની પ્રાપ્તિની ભૂમિકારૂપ જે એકવીશ ગુણો ધર્મરત્નપ્રકરણગ્રન્થમાં દર્શાવાયા છે તેની ચિંતનયાત્રામાં આજે આપણે વિચારીશું અઢારમો ગુણ. એનું નામ છે વિનયશીલતા.
શાસ્ત્રો અને સુભાષિતકારો એમ જણાવે છે કે ગુણોની સૃષ્ટિમાં એકેકથી ચડિયાતા ગુણો ભલે અનેક હોય. પરંતુ સર્વ ગુણોના જન્મદાતા બની રહે તેવા ગુણો બે જ છે. તેમાં એક છે વિનયશીલતા અને બીજો છે ગુણાનુરાગિતા. ' જે જે વ્યક્તિ યા વસ્તુનો અનુરાગ હોય તે તે વ્યક્તિ યા વસ્તુની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે' આ સામાન્ય દૃષ્ટિની વિચારણા ય એ સ્પષ્ટ સમજાવી જાય છે કે જે જે ગુણો પ્રત્યે જીવનમાં અનુરાગ જામે તે તો ગુણોનો પુરુષાર્થ અને પ્રાપ્તિ આસાનીથી શક્ય બને. આ સંદર્ભમાં જરૂર કહી શકાય કે ગુણાનુરાગ અન્ય ગુણોનો જન્મદાતા ગુણ છે.
આની જેમ વિનયશીલતા પણ અન્ય તમામ ગુણોનો જન્મદાતા છે. માટે આ ગુણનાં વિવરણમાં ગ્રન્થકારે આ શબ્દો લખ્યા છે કે 'વિણઓ સવ્વનુણાણં મૂલં.' આ કથનને પણ આપણે ઉપરોક્ત જેવી જ સામાન્ય દૃષ્ટિની વિચારણાથી સમજીએ તો, ધારો કે એક મહાત્મા ઉત્તમ સંયમી-ચારિત્રવંત છે. વિનયી વ્યક્તિ એમની સાથે અત્યંત વિનયપૂર્વક વર્તે એટલે એ ચારિત્રવંતની કૃપા એના પર વરસે કલસ્વરૂપે એ સ્વયં ચારિત્રથી સંયમભાવથી અલંકૃત થાય. ધારો કે એક વ્યક્તિ વિદ્વાન છે. વિનયી વ્યક્તિ ખૂબ વિનમ્રતાથી એની સેવા ભક્તિ કરે એટલી એમની હાર્દિક કૃપા એના પર વરસે. પરિણામસ્વરૂપે એ સ્વયં જ્ઞાનશક્તિ પ્રાપ્ત કરે. તે તે વિશિષ્ટ ગુણોને ઉત્તમ સ્તરે આત્મસાત્ કરનાર મહાનુભાવોનો વિનય તે તે ગુણોની પ્રાપ્તિ કરાવતો હોવાથી વિનયને પણ કહેવાય છે સર્વ ગુણોનો જન્મદાતા.
'પ્રશમરતિ' ગ્રન્થકાર તો ત્યાં સુધી લખે છે કે 'તસ્માત્ કલ્યાણાનાં, સર્વેષાં ભાજનં વિનય : ' ભાવાર્થ કે તમામ કલ્યાણોનું - કલ્યાણકારી ઉત્તમ ગુણોનું પાત્ર વિનય છે !
માત્ર ધર્મક્ષેત્રે જ શા માટે ? બાહ્યક્ષેત્રે પણ વિનયશીલતા પ્રગતિ કરાવી શકે છે. ઉદાહરણરૂપે વિચારીએ તો, ધારો કે એક વ્યક્તિ રાજાની પાસે રહી નાનામાં નાની બાબતોમાં એની સાથે ખૂબ વિનમ્રતાથી વર્તે તો રાજાની કૃપા એના પર વિશેષ વરસે અને એની બાહ્ય પ્રગતિ થાય જ. ધારો કે એક બાળક સ્વભાવથી જ માતા-પિતાનો ખૂબ વિનય-ખૂબ ભક્તિ કરે તો માતા-પિતાની કૃપા એના પર વરસે અને એ ઘરની બાબતોમાં મુખ્યતા-પ્રગતિ પામે જ. આ રીતે ક્ષેત્ર બાહ્ય કે અભ્યંતર કોઈ પણ હો, વિનમ્રતાગુણ વ્યક્તિને અમાં લાભ કરાવે જ.
વિનમ્રતાનો-વિનયશીલતાનો ગુણ વ્યક્તિને ક્યાંથી ક્યાં પ્રગતિ કરાવે એ નિહાળવું છે ? તો વાંચો જૈન શાસ્ત્રોનું આ સરલ-સરસ દૃષ્ટાંત:
પરમાત્મા મહાવીરદેવના સમયની વાત. ત્યારે મગધદેશના કોઈ ગ્રામ્યવિસ્તારમાં પુષ્પશાલ નામે એક ગોપબાળક વસે. ગ્રામ્યજીવન એટલે ભણવાની ખાસ કોઈ અનુકૂળતા નહિ… પરંતુ એની માતાએ બાળપણથી એ શીખવેલ કે મોટાઓનો ખૂબ વિનય કરવો. બાળકે એ વાત બરાબર હૃદયસ્થ કરી દીધી. બાળકમાં સ્વાભાવિક જ વિનમ્રતા હતી. એમાં વળી માતાની હિતશિક્ષા ભળી. એથી એ સહુ વડિલોનો વિનય કરવા લાગ્યો. એ પિતાની સાથે જંગલમાં ગાયો ચરાવવા જાય, એમના દરેક કાર્યોમાં વગર કહ્યે એ સહાયક થાય.
એક વાર એ પિતા સાથે ગામના મુખી પાસે ગયો. પિતાએ મુખીને ઝૂકી ઝૂકીને નમન કર્યા એ બાળકે મનોમન નોંધ્યું. એને થયું કે મુખી મારા પિતા કરતા મોટી વ્યક્તિ છે. તો મારે એમનો વિનય પણ કરવો જોઈએ. એ બે કલકની મુલાકાત દરમ્યાન બાળકે મુખીની વગર કહ્યે એવી સેવા કરી કે મુખી બાળક પ્રત્યે આકર્ષાઈ ગયો. મુખીએ એના પિતાને કહ્યું : 'આ બાળકને મારે ત્યાં રાખો. એનું જીવન ઉપર આવી જશે.' પિતાએ હા કહી. હવે પુષ્પશાલ મુખીના ઘરનો સદસ્ય બની ગયો.
મુખી એકદા મગધના રાજવી સમ્રાટ શ્રેણિકના દરબારમાં ગયો. ત્યાં મુખી જેવા ઘણા લોકો સમ્રાટની કુર્નિશ બજાવતા હતા. બાળક સમજી ગયો કે આ મુખીથી ય મોટા મહાનુભાવ છે. ત્યાં પણ ઉપરોક્ત ઘટનાનું પુનરાવર્તન થયું અને બાળક એના વિનયથી શ્રેણિકની નજરમાં વસી જતાં સમ્રાટે એને પોતાના મહેલમાં કાયમી રાખી લીધો. હવે એક વાર સમ્રાટ શ્રેણિકની નજરમાં વસી જતાં સમ્રાટે એને પોતાના મહેલમાં કાયમી રાખી લીધો. હવે એક વાર સમ્રાટ શ્રેણિક પ્રભુ મહાવીરદેવની ધર્મદેશના શ્રવણ કરવા ગયા ત્યારે એમણે પ્રભુને વિધિવત્ વંદન કર્યા. પુષ્પશાલને થયું આ સમ્રાટ કરતાં ય મોટા છે. એ પ્રભુની ભક્તિમાં એવો લીન થઈ ગયો કે પ્રભુના શ્રમણોની નજરમાં વસી ગયો. આખરી પરિણામ એ આવ્યું કે એની અભિલાષા નિહાળી શ્રેણિક મહારાજાએ એને દીક્ષાની સંમતિ આપી. પ્રભુનિશ્રામાં સંયમી બની એણે ઉત્તમ સંયમપાલન સાથે પ્રભુસેવા કરી. અંતે એ સદ્ગતિગામી બન્યો…
એક સામાન્ય ગ્રામ્ય બાળક આવી પ્રગતિ પામ્યો એ નિ:શંક એની વિનયશીલતાનું જ પરિણામ હતું. વિનયશીલતા-વિનમ્રતાનો વિરોધી દુર્ગુણ છે અહંકાર. અહંકાર વ્યક્તિને ઝૂકવા-નમવા ન દે, તો અન્યોની સાચી-સારી વાત સાંભળવા ન દે. એનો અહંકાર આવા સમયે તરત ફુંફાડો મારતો ટટાર થઈ જશે કે હું શા માટે કોઈને નમું કોઈની સામે ઝુકું ? એ અહંકાર કહેશે કે 'મને બધી ખબર છે મને કોઈએ સલાહ આપવાની જરૂર નથી. ઉપકારીને ય ન ઝૂકવાની-વડિલોનું ય ન સાંભળવાની કોઈને માન સન્માન ન આપવાની આ વૃત્તિ વ્યક્તિને ધર્મક્ષેત્રે તો અવરોધરૂપ બને જ. ઉપરાંત દુન્યવી ક્ષેત્રે પણ એ વ્યક્તિ માટે અવરોધરૂપ બને. 'પ્રશમરતિ' ગ્રન્થમાં આ અહંકારની વિનાશક તાકાતની ઓળખ આપતું એક વિશેષણ આમ દર્શાવાયું છે કે 'ધર્માર્થકામવિઘ્નસ્ય.' એટલે કે અહંકાર ધર્મ-અર્થ અને કામ : આ ત્રણેય પુરુષાર્થમાં વિઘ્નરૂપ છે. ધર્મપુરુષાર્થમાં ય જો એ બાધારૂપ છે તો મોક્ષપુરુષાર્થ માટે કોઈ વાત જ ક્યાંથી વિચારાય ? હવે રહી વાત અર્થ અને કામપુરુષાર્થની અર્થાત્ દુન્યવી સ્તરની ઉપલબ્ધિની. એમાં પણ અહંકાર બાધક બનતો હોવાનું ઉપરોક્ત ગ્રન્થપંક્તિ જણાવે છે. કરવી છે એ પંક્તિની સચ્ચાઈની પ્રતીતિ ? તો વાંચો આ રમૂજ કથા :
નગરની બહાર જીવંત પાત્રો સાથે ભજવાતી રામલીલાએ રંગ જમાવ્યો હતો. રોજ એ નિહાળવા ઊમટી પડતા હજારો માનવોથી મંડપ ચિક્કાર થઈ જતો. એમાં ય આજે અંતિમ દિવસ અને રામ-રાવણનું સામસામે યુદ્ધ હોવાથી મંડપની બહાર પણ દર્શકોની મેદની છવાઈ હતી. યથાસમય રામલીલા શરૂ થઈ. આજનો મુખ્ય એપિસોડ એટલે કે રામ-રાવણનું યુદ્ધ પણ શરૂ થયું. મેદની અદ્વરશ્વાસે યુદ્ધ જોઇ રહી હતી. પરંતુ યુદ્ધ ધાર્યા કરતા વધુ ખેંચાતું ગયું. એમાં બન્યું હતું એવું કે જેમ આજની દગાબાજ લૌકિક દુનિયામાં રામતત્ત્વ કરતા રાવણતત્ત્વનું પલ્લું ભારે હોય છે તે ત્યાં શારીરિક તાકાતની દૃષ્ટિએ રામ કરતા રાવણનંિ પલ્લું ભારે હતું. રાવણ બનનાર એવો તાકાતવર હતો કે રામ બનનાર એને પછાડી શકે એ વાતમાં માલ ન હતો. ફક્ત નાટકની સમજૂતીનાં કારણે રાવણે હારવાનું-પડી જવાનું હતું.
પણ… એ દિવસે રાવણે એટલું ખેંચ્યુ કે હવે રામ થાકી ગયો. દિગ્દર્શકે જોયું કે જો હજુ ય લંબાતું જશે તો રાવણના બદલે રામ પડી જશે- હારી જશે. એણે પડદા પાછળથી બે-ત્રણવાર રાવણને સંદેશો આપ્યો કે 'બસ હવે તું પડી જા.' પરંતુ તો ય પેલો પડયો નહિ. આખરે દિગ્દર્શકે મંચ સુધી ઘસી આવીને બૂમ પાડી : 'અલ્યા, પડ. આ તો રામલીલાની મજા બગડી રહી છે.' પેલાએ માથું ધુણાવતા ઉત્તર આપ્યો : ' આજે જે થવું હોય તે થાય. હું નહિ જ પડું.' પણ કેમ ? દરેક રામલીલામાં તો તું પડે જ છે.' એ અલગ છે અને આજની વાત અલગ છે. આજે મારા સાસુ-સસરા આ મેદનીમાં છે. એમની સામે હું હરગિજ નહિ હારું-નહિ પડું !'
કહેવાની જરૂર નથી કે એના આ અહંકારે રામલીલાનો માહોલ બગાડી નાંખ્યો અને ગુસ્સે થયેલ નાટકના માલિકે પેલાને કાયમી ધોરણે રામલીલામાંથી છૂટો કરી દીધો. એના અહંકારે એને અર્થપુરુષાર્થનું કાયમી નુકસાન કર્યું.
અહંકારના નુકસાનો અને વિનયશીલતાના લાભો નિહાળ્યા પછી વિનયશીલ બનવા માટે બે વાત લક્ષ્યમાં રાખીએ : એક એ કે હું કાંઈ નથી આવો અહંશૂન્ય ભાવ રાખવો. અમે એક સ્થળે આ ભાવ કેળવવા એવો અનુરોધ કર્યો હતો કે 'કાળના અનંત પ્રવાહમાં મારું અસ્તિત્વ તણખલાથી વિશેષ કાંઈ જ નથી.' આવું દરેક વ્યક્તિએ પ્રામાણિકતાથી માનવું. બીજી વાત એ કે જે જે ઉપકારી વ્યક્તિત્વો છે એના પ્રત્યે સદૈવ વિનયભાવ રાખવો. આનાથી કૃતજ્ઞાતા અને વિનયશીલતા બન્ને ગુણો સચવાશે. આ રીતે પ્રાપ્ત થતી વિનયશીલતા ક્રમશ : સમ્યગ્દર્શનાદિ ગુણોની અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરાવે જ. સ્વયં ગ્રન્થકારે જ વિનયગુણની ગાથામાં આથી લખ્યું છે કે વિનય સમ્યગ્દર્શનાદિ ગુણોનું અને તે ગુણો મોક્ષનું મૂલ છે.
છેલ્લે વિનીતતા-વિનમ્રતા કેવી હોવી જોઈએ એ દર્શાવતી શાયરી સાથે સમાપન કરીએ કે :
ઝૂકના સીખના હૈ તો કલમસે સીખો, જબ ભી ચલતી હૈ સર ઝૂકા કે હી ચલતી હૈ…