mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સંગ-કુસંગ .

Updated: May 19th, 2021

સંગ-કુસંગ                                                       . 1 - image


મ નુષ્ય પોતાની સ્વભાવ પ્રકૃતિને આધારે, જગતમાં પોતાના જેવી જ પ્રકૃતિવાળી વ્યક્તિનો સંગ કરવા ઇચ્છે છે. તેની સાતે મિત્રતા બાંધે છે, તેનું સંગઠન કરી સંઘ બનાવે છે. એટલે જ સંસ્કૃતિનું પ્રવેશદ્વાર રામાયણ કહે છે, ''જેહી કો જેહી પર સત્ય સનેહું''- જેને જેનાપર જેવો સ્નેહ હોય તેવા પાત્રને તે શોધી લે છે. આમ છતાં મનુષ્યની એ વિટંબણા રહી છે કે સમાજમાં એક નઠારી દુર્જન વ્યક્તિ ટૂંકા ગાળામાં પોતાના જેવા દશ નઠારા દુર્જનોનું સંગઠન બનાવી લે છે જ્યારે એક ગુણીયલ સજ્જન લાંબા સમયે પણ પાંચ સજ્જનોનું સંગઠન સાધી શક્તો નથી.

''સંગ'' શબ્દ ઉપરથી ''સંગઠન'' બનેલો શબ્દ, સંઘનો બોધ કરાવે છે. સંગતી સાથ સોબત મિત્રતા આ બધા પર્યાયવાચી શબ્દોનો એક અર્થ છે, ''સંગ''. સંગનો બહુ મોટો, ઊંડો અને ચિરસ્થાયી પ્રભાવ વ્યક્તિનાં જીવન પર પડે છે. આને એમ પણ કહી શકાય કે માનવીનું વ્યક્તિત્વ, તેણે કરેલા સંગની ઉપર નિર્ભય હોય છે. આથી યોગ્ય કહેવાયું ''સોબત તેવી અસર, સંગ તેવો રંગ''.

મનુષ્યની પ્રકૃતિ પ્રાણપર્યંત બદલાતી નથી. ''પ્રકૃતિ પ્રાણાંતે જાય તે'' સર્પને ગમે તેટલું દૂધ પીવડાવવામાં આવે તો પણ તે ઝેર જ ઓકવાનો. આ સમજાવવા સંસ્કૃતના એક સુભાષિતમાં દુર્યોધનનું એક વાક્ય આવે છે - જાનામિ ધર્મમ, ન ચ મેં પ્રવૃત્તિં:, જાનામિ અધર્મમ્ ન ચ મેં નિવૃત્તિં: । દુર્યોધન કહે છે, ''ધર્મને હું જાણું છું પરંતુ એ મુજબની પ્રવૃત્તિ કરી શક્તો નથી, અધર્મને પણ જાણું છું છતાં તેનો ત્યાગ કરી શક્તો નથી.'' આથી વ્યક્તિએ સમજી, વિચારી, સંસ્કારીતાને આધારે સાવધાનીથી અન્યનો સંગ કરવો જોઇએ. મનુષ્યની સ્વભાવ પ્રકૃતિ બે પ્રકારની હોય છે

(૧) સંસ્કારજન્ય પ્રકૃતિ : આ પોઝીટીવ પ્રકૃતિ છે. હકારાત્મક કે રચનાત્મક આ પ્રકૃતિવાળી વ્યક્તિના સંગમાં ફાયદોને ફાયદો જ થાય છે. આમાં બન્ને પક્ષે લાભ રહેલો હોવાથી મેળવવાનું જ આવે, ગુમાવવાનું કશું આવતું નથી. આ માટે અનેક દાખલા આપણી સામે મોજુદ છે, જેમ કે સુદામા અને અર્જુને કરેલી મિત્રતા વિભીષણ, હનુમાન તથા ગૃહરાજાએ કરેલી શ્રીરામની સોબત વગેરે. આથી જ ભક્ત કવચિત્રી ગંગાસતી ભલામણ કરે, ''સંગતુ કરો તો તમે એવા નરની કરજો...''

પાત્રતાયુક્ત સંસ્કારજન્ય પ્રકૃતિની સોબત કેવા કેવા લાભ અપાવે તે સંક્ષેપમાં સમજવા પ્રયાસ કરીએ. નગરમાં રહેતી કુવારી સ્ત્રીને ખાસ કોઈ ઓળખતું હોતું નથી, પરંતુ તે જ્યારે કોઈ કલેકટર, મામલતદાર, ડોક્ટર જેવી વ્યક્તિનો સંગ કરવા તેની સાથે લગ્ન કરે છે, ત્યારે સમાજમાં માન, મોભો, યશ, પ્રતિષ્ઠા અને સન્માનની અધિકારીણી આપોઆપ બની જાય છે અને આ કારણે તે પ્રથમપંક્તિનું સ્થાન પ્રાપ્ત કરી લે છે.

ચપટી કંકુ અને ચારદાણા ચોખાની કિંમત અલ્પ છે પરંતુ બન્ને જ્યારે એકબીજાનો સંગ કરે છે ત્યારે પરમાત્મા કે સંતમહાત્માના કપાળ પર સ્થાન પ્રાપ્ત કરી લે છે. આ સંસ્કારજન્ય સંગનું પરિણામ !

પૃથ્વીના પેટાળમાં ઊંડાઈએ રહેલું અદ્રશ્ય જળ જ્યારે યંત્ર (મશિન)નો સંગ કરે છે ત્યારે પૃથ્વી પરના પ્રાણીઓની તરસ છીપાવી, ખેતરોમાં પાક અને લીલોતરી ઘાંસનું સર્જન કરવા સક્ષમ બને છે, તેમજ પ્રત્યેક જીવાત્મા માટે ''જળ એ જ જીવન''નું સ્થાન મેળવે છે. સંસારનો સામાન્ય નર, નારાયણનો સંગ કરવા ભક્તિ કરે છે ત્યારે તે નરમાંથી નારાયણ બનવા ''ભક્ત''ની ઓળખ પ્રાપ્ત કરે છે. જીવનમાં એવા મિત્રનો સંગ થઇ જાય કે જે દુ:ખમાં આગળ રહે અને સુખમાં પાછળ પડી રહે તો તેવો સંગાથી, જીવન સંગ્રામમાં સુરક્ષાની ઢાલનું કાર્ય કરે છે.

(૨) કુસંસ્કારજન્ય પ્રકૃતિ : આ નેગેટીવ નકારાત્મક પ્રકૃતિમાં લાભને બદલે નુકશાન જ ભાગે આવે છે. બન્ને પક્ષે નુકસાન સાથે ગેરલાભ થવાનો ભય આ પ્રકૃતિમાં રહેલો હોવાથી ગુમાવવાનું આવે, મેળવવાની વાતને આમા સ્થાન ન હોય. એક જ થાળીમાં સાથે જમતો મિત્ર, પોતાના સાથીને પીઠ પાછળ ઘા કરી હત્યા નીપજાવે આવી ઘટનાઓ - બનાવો છાશવારે ટી.વી.ના પડદા પર કે અખબારોના પાનામાં મનુષ્યને સંગ વિશે સાવધાન કરતી રહે છે. આ વિરોધાભાસી પ્રકૃતિના સંગમાં મહાભારતના મહારથી કર્ણે દુર્યોધન અને શકુનીના સંગમાં મેળવ્યું શું ?

પોતાના સ્વભાવથી વિપરીત કુસંસ્કારજન્ય પ્રકૃતિનો સંગ જીવનમાં કેવો જોખમી સાબિત થાય છે ? તે એક દ્રષ્ટાંતથી સમજીએ. નગરથી દૂર એક તળાવ હતું. તળાવમાં એક દેડકો રહેતો હતો. તળાવના કિનારા પર નજીકમાં એક ગોડાઉન હતું જેમાં એક ઊંદર રહેતો  હતો. દેડકો હવાની મોજ માણવા પાણી બહાર ફરવા આવે અને ઊંદર પાણીપીવા તળાવ પર પહોંચે. આ ક્રમમાં બન્ને વચ્ચે પરિચય થયો.

સમય વીતતા પરિચય વધ્યો અને એક સમયે બન્ને પાકા મિત્રો બની ગયા. મિત્રતા ગાઢ બનતા એકબીજા વગર ચેન ન પડે ત્યાં સુધીનો સ્નેહ સંબંધ વિસ્તર્યો. એક દિવસ બન્ને એક દોરડી લઇ આવ્યા. દોરડીનો એક છેડો ઊંદરે પોતાની પૂંછડી સાથે બાંધી દીધો અને બીજો છેડો દેડકાએ પોતાના પગ સાથે બાંધ્યો. આમ કરવાનું કારણ એ હતું કે તેઓ બન્ને કદાપિ એક બીજાથી બહુ દૂર ન જતા રહે, અને ઘનિષ્ઠ મિત્રની જેમ હંમેશા એકબીજાની સાથે રહે.

ઊંદર અને દેડકાએ એકબીજાને દોરડી બાંધ્યાને થોડોક જ સમય વીત્યો ત્યાં દેડકાને પાણીમાં એક જંતુ દેખાયું, તેને ખાવા માટે તે વિચાર કર્યા વગર પાણીમાં કુદી  પડયો. એની સાથે જ પોતાની જોડે બંધાયેલો પેલો ઊંદર પણ પાણીમાં પડયો. ઊંદરને તરતા આવડતું ન હતું આથી તે પણ કંઇ બોલેચાલે કે વિચારે તે પહેલા તે પાણીમાં ડૂબીને મરી ગયો. થોડીવારમાં તેનું મૃતશરીર પાણી પર તરવા લાગ્યું.

એટલામાં આકાશમાં ઉડતી એક સમડીની નજર તે ઊંદર પર પડી અને તે એકદમ નીચે આવીને ઉદરની લાશ લઇને ઉડી ગઈ. સાથે સાથે દેડકો પણ લટકાઈને ગયો. પછી તો સમડી વારાફરતી તે બન્નેને ખાઈ ગઈ. આ દ્રશ્ય જોઈ રહેલા એક સજ્જને પોતાના સાથીને કહ્યું, ''મિત્ર, સંબંધનો આધાર આત્મીયતા હોવી જોઇએ, માત્ર શરીર સાથે રહેવાથી કોઈ લાભ થતો નથી. આ સાચો પ્રેમ નથી. ખોટા મોહ કે સંગને કારણે માણસની પોતાની દુર્દશા થાય છે, આ જ જીવનનું સત્ય છે. તેથી ખોટા મોહથી દુર્બુદ્ધિના દુર્જનના સંગથી દૂર રહીને માણસે હંમેશા આત્મકલ્યાણ કરવામાં ધ્યાન પરોવી રાખવું. પાત્રતા પારખીને યોગ્ય વ્યક્તિનો સંગ કરવો. કોઈ સંતે પોતાની વાણીમાં આ સનાતન સત્ય પ્રગટ કરતાં કહ્યું છે, ''પાત્ર પારખ્યા વિના સંગતુ ન કરીએ...''

આથી વર્તમાન સમયના કળયુગનાં કાળમાં સંસ્કારના મનુષ્યે અન્યનો સંગ કરતા પહેલા સો વખત નહિ પણ હજારવાર વિચારીને સંગ કરવો જરૂરી બની રહે છે. કારણ કે સામી વ્યક્તિના સંસ્કાર, સમજણ, તેનામાં રહેલા ગુણ-અવગુણ, તેના વિચાર, વાણી, વર્તન, વ્યવહાર વ્યક્તિત્વ એમ દરેક પાસાનું ઝીણવટથી મૂલ્યાંકન કર્યા વગર ઉતાવળે તેનો સંગ કરી બેસીએ છીએ અને પછી આજીવન પસ્તાવાનો વારો આવે છે. ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. ''અબ પસ્તાવે ક્યાં કરે, જબ ચીડીયા ચુગ ગઈ ખેત ?''

- હરસુખલાલ સી. વ્યાસ

Gujarat