Dharmlok

ઇશ્વર : 'સાકાર' કે 'નિરાકાર'?

By GS Team
28 Oct 20263 mins read
ઇશ્વર : 'સાકાર' કે 'નિરાકાર'?

આધ્યાત્મિક ક્ષેત્રમાં જીજ્ઞાસુ સાધકને એક પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે ભગવાન સાકાર કે નિરાકાર ? આમાં 'સાકાર' અને 'નિરાકાર' બે શબ્દો વચ્ચે 'કે' ને કોઈ સ્થાન નથી. ભગવાનનું સ્વરૂપ સાકાર પણ છે અને નિરાકાર પણ છે. બન્નેનું મહત્વ એક સરખું જ છે. સાધકની શ્રદ્ધા મુજબ ઇશ્વર સાકારમાંથી નિરાકાર અને નિરાકારમાંથી સાકાર સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે તો તે શક્તિની ઓળખ મોરલ પાવર- ઇશ્વર કે ભગવાન તરીકે સ્થાપિત થયેલી છે. ઇશ્વરની સરખામણી દુનિયાની કોઈ પણ વસ્તુ સાથે થઈ શકે નહિ. છતાંય કરવી હોય તો અનન્ય અલંકાર ને આધારે ભગવાનની સરખામણી માત્ર ભગવાન સાથે જ કરી શકાય જેમ પ્રેમના ક્ષેત્રમાં 'માં' ની સરખામણી માટે કહેવાય છે, 'માં તે માં' તેમ 'ઇશ્વર તે ઇશ્વર', 'ભગવાન એટલે ભગવાન', 'સ્વામી વિવેકાનંદ એટલે સ્વામી વિવેકાનંદ'…
પાણી નિરાકાર છે પરંતુ તેમાંથી જ સાકાર બરફનું સર્જન થાય છે. વળી બરફ પણ નિરાકાર રૂપે પાણીમાં પરિવર્તન પામે છે. આ તો પેલા પ્રશ્ન જેવી વાત થઈ કે રાષ્ટ્રને 'ખેડૂત'ની જરૂર છે કે 'સૈનિક' ની ? વાસ્તવમાં બન્નેની સરખી જરૂર હોય છે. પાયાની જરૂરિયાત અનાજ ઉત્પન્ન કરનાર ખેડૂતનું રક્ષણ સૈનિક કરે છે અને સૈનિકના ખોરાકની જરૂરિયાત ખેડૂત પુરી પાડે છે બન્ને અન્યોન્યના પૂરક છે. એ જ રીતે સાધક માટે ભગવાન સાકાર કે નિરાકાર એક બીજાના પૂરક છે.
હા, એ ખરું કે નિરાકારને સમજવા માટે આધાર તો કોઈ સાકારનો લેવો પડે છે. સંગીતના સૂર નિરાકાર છે પણ તે પ્રગટ થાય છે સાકાર સાધનો - પેટી, તબલા, મંજીરા વગેરેમાંથી. આમ સાકારના ચિંતનને સહારે નિરાકારનો પરિચય કેળવી શકાય છે.
કોઈ વસ્તુની બાબતમાં વિચાર કરવા માટે તેની મૂર્તિ આપણા ચિત્તમાં હોય એ જરૂરી છે. એવી મૂર્તિની કલ્પના કર્યા વિના કોઈ પણ વિષયની બાબતમાં કંઈ પણ વિચાર કરવો અસંભવ છે. મૂર્તિ વસ્તુનો આકાર નિશ્ચિત કરે છે અને પછી જ તે વિશેની કલ્પનાશક્તિ કામ કરવા લાગે છે. 'સમુદ્ર' ભલે કોઈએ ન જોયો હોય પણ જ્યારે પણ 'સમુદ્ર' વિશે વિચાર કરવાનો હોય છે ત્યારે 'એક વિશાળ જળાશય'ની એક કલ્પિત મૂર્તિ મનમાં અંકાઈ જાય છે. ભાષા વિજ્ઞાનનો આ જ આધાર છે.
દરેક શબ્દની પાછળ એક આકૃતિ હોય છે. ગાય એ શબ્દને યાદ કરતા જ આપણા ચિત્તમાં ગાયની એક આકૃતિ હાજર થઈ જાય છે, ત્યારે જ 'ગાય' શબ્દ જાણ્યો સાર્થક થયો ગણાય. અજાણી એવી કોઈ પરદેશી ભાષા આપણાં આગળ બોલે ત્યારે એના શબ્દો તો કાને પડે છે પણ આપણું તે સાંભળવું સાર્થક થાય નહિ. એ દ્વારા કોઈ ભાવ પ્રગટ થતો નથી. આનું કારણ એ છે કે શબ્દોની પાછળ રહેલી આકૃતિઓ આપણે જાણતા નથી. જ્યાં સુધી એ આકૃતિઓ સામે દેખાય નહિ ત્યાં સુધી આપણું મન એના વિશે કંઈ વિચાર કરી શકે નહિ. ઇશ્વરની શક્તિઓ વિશે પણ આમ જ હોય છે. ભલે એમને આપણે સ્થૂળ માનીએ કે સૂક્ષ્મ, નિરાકાર માનીએ કે સાકાર એ તાત્વિક અને વૈજ્ઞાનિક પ્રપંચોમાં મનને દોરવાનું કોઈ કારણ નથી. મન એ તરફ દોરવાશે જન હિ. જો મન પાસે આપણે એ અંગે કંઈ વિચાર કરાવવા માગીએ તો આપણે ગમે તે પ્રકારની એક આકૃતિ બનાવીને તેની સામે મૂકવી જોઈએ, નહિ તો તે ઇશ્વર અથવા તેની શક્તિ વિશે કંઈ જ વિચાર કરી શકશે નહિ.
જે લોકો ઇશ્વરને નિરાકાર માને છે તે લોકો પણ નિરાકારનો કોઈને કોઈ આકાર તો બનાવે જ છે. જેમકે પ્રકાશ જેવો, તેજોમય, આકાશ જેવો નિરાકાર, અગ્નિ જેવો વ્યાપક, પરમાણુ જેવો અદ્રશ્ય વગેરે છેવટે એ નિરાકારનો પણ કોઈ આકાર આપણે સ્થાપિત કરવો પડશે જ. જ્યાં સુધી એવા આકારની સ્થાપના કરવામાં ન આવે ત્યાં સુધી મન, બુદ્ધિ અને ચિત્ત સાથે એનો કોઈ પણ સંબંધ સ્થાપિત કરી શકાશે નહિ.
આ મહાસત્યને ધ્યાનમાં રાખી ને નિરાકાર અચિંત્ય, બુદ્ધિ દ્વારા અગમ્ય, વાણીથી પર એવા પરમાત્માઓ મન સાથે સંબંધ બાંધવા માટે ભારતીય આચાર્યોએ ઇશ્વરની આકૃતિઓ સ્થાપિત કરી છે. ઇષ્ટ દેવના ધ્યાનની સુંદર દૈવી આકૃતિઓ વાળી પ્રતિમાઓ ઘડી છે તેની સાથે દિવ્ય આયુધો, દિવ્ય વાહનો, દિવ્ય ગુણ, દિવ્ય સ્વભાવ અને દિવ્ય શક્તિઓનો સંબંધ નક્કી કરી આપ્યો છે.

  • હરસુખલાલ ચુનીલાલ વ્યાસ