For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દક્ષિણ ભારતના વિખ્યાત કવિ વિષ્ણુભક્ત વિપ્ર નારાયણ .

Updated: Jan 25th, 2023

દક્ષિણ ભારતના વિખ્યાત કવિ વિષ્ણુભક્ત વિપ્ર નારાયણ                     .

વિચાર-વીથિકા - દેવેશ મહેતા

દક્ષિણ ભારતમાં વિપ્ર નારાયણ નામના એક કવિ, સંત થઇ ગયા જે વિષ્ણુભક્ત હતા. એમને થોંડારાદિપ્પોદી આળવાર (અલવર) નામથી પણ ઓળખવામાં આવે છે. તે શ્રીરંગમ્ રંગનાથસ્વામી મંદિરના રંગનાથને સમર્પિત થઇ ગયા હતા. તેમણે રંગનાથના ભક્તોની ચરણરજની પણ પૂજા કરી હતી એટલે એમને થોંડારાદિપ્પોદી નામ પ્રાપ્ત થયું હતું. આળવાર શબ્દનો અર્થ થાય છે જે ઇશ્વરના અનંત ગુણોના સાગરમાં ડૂબકી લગાવે છે તે. આળવારના છંદોને નાળયિરા દિવ્ય પ્રબન્ધમ્ના રૂપમાં સંકલિત કરવામાં આવ્યા છે અને ૧૦૮ મંદિરોને દિવ્ય દેશમ્ના રૂપે વર્ગીકૃત કરાયા છે. થોંડારાદિપ્પોદીને બાર આળવારોની પંક્તિમાં દસમાં માનવામાં આવે છે.

થોંડારાદિપ્પોદી આળવારનો જન્મ આઠમી શતાબ્દીમાં થિરુમંદંગુડી ચોલ ક્ષેત્રના એક ગામમાં થયો હોવાનું મનાય છે. એમના પિતા વેદ વિસારધર કુદુમી સોલિયાપ બ્રાહ્મણર સમુદાયના હતા. એમને લોકો વિપ્ર પણ કહેતા હતા. એમના જન્મના બારમાં દિવસે એણનું નામ વિપ્ર નારાયણ રાખવામાં આવ્યું હતું. એકદમ નાની વયથી જ એમનામાં વિષ્ણુભક્તિના સંસ્કાર આરોપિત થયા હતા. તે સ્વભાવે નિર્દંભી અને નિરભિમાની હતા. બધાની સાથે તે પ્રેમથી ભરેલો સદ્વ્યવહાર કરતા અને બધાને સમાન ગણતા. તેમની રચનાઓ તિરુપલ્લીલુચીમાં દસ છંદ છે અને  તિરુમલાઈમાં ૪૫ છંદ છે. તિરુપલ્લીલુચીના છંદોને શ્રીરંગનાથને સવારે જગાડવા માટે ગાવામાં આવે છે જેની શરૂઆત 'ભગવાનના ચરણોની રજ (ધૂળ) ધારણ કરનારા ભક્ત'થી થાય છે.  તેમના બધા છંદ ભગવાન શ્રીરંગનાથની સ્તુતિ માટે રચાયેલા છે.

થોંડારાદિપ્પોદી એટલે કે વિપ્ર નારાયણ એમના સમયમાં ચાલતા નાત-જાતના ભેદભાવનો સખત વિરોધ કરતા હતા. તે કહેતા હતા કે વિષ્ણુ ભગવાન સુધી પહોંચવાનો અંતિમ ઉપાય એમની અને એમના ભક્તોની સેવા કરવાનો જ છે. તેમના એક છંદમાં તે કહે છે - હે શ્રીરંગમ્ના દેવ, તારું નામ એ મોટામાં મોટો મૃત્યુંજય મંત્ર છે. સાંસારિક આસક્તિઓને જીતવાની ગુરુચાવી છે. તારું નામ ઉચ્ચારે તેનો ઉદ્ધાર કરવા તું દોડી આવે છે. મને તારી દયાનું પાત્ર બનાવ અને મારો ઉદ્ધાર કર. મારું મન અશુદ્ધ છે, મારી વાણીમાં પ્રેમ નથી, ક્રોધમાં ભાન ભૂલી કઠોર શબ્દો બોલું છું, સ્ત્રીઓના પારામાં ફસાઈને હું નિર્લજ્જ બન્યો છું. હું તારી કૃપાની યાચના કરવા આવ્યો છું'

હિંદુ દંતકથા મુજબ તે એક વેશ્યાના પ્રભાવમાં આવી ગયા હતા. તે વેશ્યાની માતાએ વિપ્ર નારાયણનું બધું ધન હડપી લીધું હતું. જ્યારે વિપ્ર નારાયણને પૈસાની જરૂર પડી ત્યારે ભગવાન વિષ્ણુ તેની સહાય કરવા આવ્યા હતા અને તેના પર સોનાનો વરસાદ વરસાવી દીધો હતો. ત્યારથી તે ભગવાન શ્રી રંગનાથનો અનન્ય ભક્ત બની ગયો હતો.

વિપ્ર નારાયણે શ્રીરંગમ્માં એક મોટા બગીચાનું નિર્માણ કર્યું હતું. તેનું નામ 'નંદવનમ્' રાખ્યું હતું. તે બગીચાની ખૂબ દેખભાળ રાખતા. જાતજાતના સુગંધિત પુષ્પોની માળા બનાવી તે શ્રીરંગનાથને દરરોજ ચડાવતા. એવું કહેવાય છે કે, વસંત ઉત્સવ વખતે ભગવાન શ્રી રંગનાથને આ નવ દિવસ સુધી આ નંદવનમ્ બગીચામાં પધરાવવામાં આવે છે અને ત્યાં તેમની પૂજા-અર્ચના કરી મોટા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

એવી પણ એક માન્યતા છે કે દેવદેવી નામની એક નર્તકીને વિપ્ર નારાયણનો બગીચો બહુ ગમી ગયો હતો. વિપ્ર નારાયણ કોઇ સ્ત્રી સામે નજર માંડીને જોતા નહોતા. રૂપરૂપના અંબાર સમી દેવદેવી વિપ્ર નારાયણમાં કામોત્તેજના જગાડવા માંગતી હતી. એ માટે એણે ધીરજથી કામ લેવાનું નક્કી કર્યું. તે દરરોજ બગીચામાં વિપ્ર નારાયણને મદદ કરવા આવવા લાગી. તે સુંદર માળા બનાવતી અને વિપ્ર નારાયણ તે શ્રીરંગને ચઢાવી દેતા. ભગવાનની સેવા-પૂજાના કામમાં પણ તે મદદ કરવા લાગી, આમ કરતાં બે-ચાર મહિના નીકળી ગયા.

એક દિવસ ચોમાસાની ઋતુમાં મૂશળાધાર વરસાદ વરસ્યો. બન્ને બગીચામાં હતા એટલે પૂરેપૂરા પલળી ગયા. વિપ્ર નારાયણે દેવદેવીને ઘરમાં બોલાવી. જેની સામે કદી આંખો ઉઠાવીને જોયું નહોતું તે દેવદેવીની રૂપાળી ભીંજાયેલી કાયાને જોઇ. તેમના મનમાં તેના તરફ આકર્ષણ ઉત્પન્ન થયું જે નિત્યપ્રતિ વધવા લાગ્યું. તે શ્રીરંગ પ્રભુનું સ્મરણ છોડી તે રૂપાંગનાનું જ સતત ચિંતન કરવા લાગ્યા. એ નર્તકીના મોજ શોખ પૂરા કરવામાં બધી સંપત્તિ જતી રહી અને ઘર પણ વેચાઈ ગયું.  પૈસા મળતાં બંધ થઇ જતાં દેવદેવીએ સંબંધ ઓછો કરી નાંખ્યો. આ સંજોગોમાં ભગવાન શ્રીરંગનાથે ભક્તને સહાય કરી. ભગવાને પોતાના મંદિરની ઝારી સેવક બની દેવદેવીની પહોંચાડી અને કહ્યું - 'આ વિપ્ર નારાયણે તમને ભેટરૂપ મોકલી છે ? તેણે ખુશીપૂર્વક તે લઇ લીધી. પછી તેની ચોરીનું આળ વિપ્ર નારાયણ અને દેવદેવી પર આવ્યું. કોટવાલે તેમને કોટડીમાં પૂરી દીધા. પછી ભગવાને એવી કૃપા કરી કે તે બન્ને છૂટી ગયા. આ ઘટના બાદ બન્નેનું હૃદય પરિવર્તન થઇ ગયું. ભગવાન પરત્વે અનન્ય ભક્તિભાવ જાગ્યો અને શેષ જીવન સંસારથી અલિપ્ત, અનાસક્ત રહી ભક્તિપૂર્વક વિતાવ્યું.


Gujarat