વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાના પુરોગામી ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત શ્રી વિષ્ણુસ્વામી


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

- ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યુ- કલિકાળમાં સાક્ષાત્ રૂપથી અહીં નિરંતર નિવાસ તો શક્ય નથી પણ મારું એક ચિદ્રૂપ, સાનુભાવ કરાવનારું સાક્ષાત્. શ્રી વિગ્રહ હું પ્રસ્થાપિત કરી દઉં છું. ભગવાન સ્વયં એ સ્વરૂપ તરીકે બિરાજિત થઈ ગયા. શ્રી વિષ્ણુ સ્વામીએ એમની રાજોપચાર પૂજા કરી.'

દ ક્ષિણ ભારતના પ્રાચીન તીર્થ મદુરા નગરીમાં પાણ્ડય વિજય નામના રાજા રાજય કરતા હતા. તેમના કુલગુરુ હતા. બ્રાહ્મણ શ્રેષ્ઠ દેવસ્વામી અને તેમની પત્ની હતી. યશોમતી દેવી. તેમના પુત્ર રત્નનું નામ શ્રી વિષ્ણુસ્વામી હતું. તે બાલ્યાવસ્થાથી જ ધાર્મિક અભિરુચિવાળા હતા. માતા સાથે તુલસીપૂજન, ગોપૂજન અને પિતા સાથે સંધ્યા, દેવોનું પૂજન, અર્ચન કરતા.

તે બાલ્યભાવથી ભગવાન શ્રી બાલગોપાલની ઉપાસના કરવા લાગ્યા હતા. યદુનાથ દિગ્વિજયમાં લખ્યુ છે- 'સવેશ્વરં ભગવન્તં બાલગોપાલ સ્વરૂપ બાલો બાલવૃત્યા સિષેવે ।' તે એવી શ્રધ્ધા ધરાવતા હતા કે ભગવાનની પ્રતિમા જડ મૂર્તિ નથી, તે આરાધ્યનું સાક્ષાત પ્રગટ સ્વરૂપ જ છે. તે ભગવાનને કાલાવાલા કરી નૈવેદ્ય ધરાવતા અને તે આરોગવા હૃદયપૂર્વક પ્રાર્થના કરતા. ધીમેધીમે તેમની ભક્તિની ઉત્કટતા વધતી ગઈ. એક દિવસ તેમના મનમાં એવો વિચાર આવ્યો. ભગવાન મારા પર કેમ પ્રસન્ન થતા નથી ? મને એમના પ્રત્યક્ષ દર્શન ક્યારે થશે ? તેમણે પ્રતિજ્ઞાા કરી લીધી- જયાં સુધી મને બાલગોપાલ દર્શન નહી આપે ત્યાં સુધી હું અન્ન કે જળ ગ્રહણ નહીં કરું. તેમણે અનશન શરૂ કરી દીધા. સતત છ દિવસ સુધી ઉપવાસ કરવાને કારણે શરીરમાં અશક્તિ આવી ગઈ એમ છતાં તેમણે એ ચાલુ જ રાખ્યા.

તેમની અનન્ય પ્રીતિપૂર્વકની સેવાથી પ્રસન્ન થઈ સાતમા દિવસે ભગવાન પ્રગટ થયા. ભગવાનના અલૌકિક દર્શનથી શ્રી વિષ્ણુ સ્વામી ધન્યતા અનુભવવા લાગ્યા. તે બન્ને હાથ જોડી કહેવા લાગ્યા-  'હે પ્રભુ ! આપ શરણાગત વત્સલ છો. અજાણતા બાળકબૃધ્ધિથી મારાથી જે અપરાધ થયો હોય. તે કૃપા કરીને ક્ષમા કરો. તેમની પ્રાર્થનાથી ભગવાન પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા 'વત્સ, તારી શું ઇચ્છા છે ? તું કોઈ વરદાન માંગ. તેમણે  કહ્યું - 'મારે બીજું કંઈ જોઈતું નથી.' તમારા શ્રીચરણોની નિત્ય સેવા પ્રદાન કરો.'

ભગવાન શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા- ' હે સૌમ્ય ! તારો જન્મ જગતમાં ભાગવત ધર્મનો પ્રચાર કરવા માટે થયો છે. એટલે તું હજુ થોડો સમય જગતમાં રહી મારું પ્રિય કાર્ય કર.' આ પ્રમાણે કહી ભગવાન શ્રીકૃષ્ણે વિષ્ણુસ્વામીને શરણાગતિ પંચાક્ષર મંત્ર-'કૃષ્ણ, તવાસ્મિ, આપ્યો અને જણાવ્યું આ મંત્ર મારા શરણે આવેલા લોકોને આપજે. પછી તેમણે પોતાના શ્રીકંઠમાં પહેરેલી તુલસીદલની માલા શ્રીવિષ્ણુસ્વામીને પહેરાવી દીધી. તેમને આજ્ઞાા કરી. તમે વ્યાસદેવ પાસેથી બ્રહ્મસૂત્રનું તાત્પર્ય અને આચાર્ય ત્રિપુરારિ પાસેથી સાંપ્રદાયિક શિક્ષા ગ્રહણ કરી મારા દ્વારા પ્રવર્તિત રુદ્ર સંપ્રદાયની જગતમાં પ્રતિષ્ઠા કરો. વ્યાસદેવ અત્યારે કલાપગ્રામમાં તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે.' તમારી બીજી કોઈ ઇચ્છા હોય તો કહો.'

શ્રી વિષ્ણુ સ્વામીએ જણાવ્યું- હે ભગવાન ! તમે મારા પર પ્રસન્ન હો તો આ જ સ્વરૂપથી અહીં સદા નિવાસ કરો.' ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યુ- કલિકાળમાં સાક્ષાત્ રૂપથી અહીં નિરંતર નિવાસ તો શક્ય નથી પણ મારું એક ચિદ્રૂપ, સાનુભાવ કરાવનારું સાક્ષાત્. શ્રી વિગ્રહ હું પ્રસ્થાપિત કરી દઉં છું. ભગવાન સ્વયં એ સ્વરૂપ તરીકે બિરાજિત થઈ ગયા. શ્રી વિષ્ણુ સ્વામીએ એમની રાજોપચાર પૂજા કરી.'

એ પછી ભગવાન શ્રીકૃષ્ણે તેમને જણાવ્યું - વત્સ ! ભગવદ્ગીતા અને ભાગવત મારા બે શાસ્ત્ર છે. એક માત્ર હું જ ઉપાસ્ય છું. 'કૃષ્ણ, તવાસ્મિ' આ પંચાક્ષર મંત્રથી આત્મનિવેદન કરાય છે. મારું નામ જ મંત્ર છે. તમારા સંપ્રદાયમાં દીક્ષિત થઈ યશોદા, ગોપીજન, ઉદ્વવ વગેરેની જેમ મારા અર્ચા-વિગ્રહને પણ મારું સાક્ષાત્ રૂપ માની  મારી સેવા કરશે એની સેવાને હું એમના જેવી જ માનીને તે સ્વીકારીશ.'

તે પછી વિષ્ણુસ્વામી વૈષ્ણવાચાર્ય બન્યા. વૈષ્ણવાચાર્યોમાં મુખ્ય મનાવા લાગ્યા. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ આ વિષ્ણુસ્વામીના મતને આધાર બનાવીને એમના પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના કરી હતી.

City News

Sports

RECENT NEWS