For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગલત આકર્ષણો- વ્યસનો અને સ્વભાવના ક્રોધાદિ દોષો દૂર કરવા માટે ધગધગતું સત્ત્વ જોઈએ જ !

Updated: Jan 18th, 2023

Article Content Image

- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

ગ તલેખથી આપણે જે ચાર પ્રકારનાં પરિવર્તન અંગે વિચારણા શરૂ કરી છે. એમાં આજે વિચારીશું ત્રીજા અને ચોથા પ્રકારનું પરિવર્તન. આ બન્ને પ્રકારનાં પરિવર્તનો એવાં છે કે જે બાહ્ય અને અભ્યંતર, બન્ને સ્તરે ખૂબ વિરાટ સમ્યગ્ અસરો સર્જી શકે. આવો, આપણે એની વિચારયાત્રામાં આગળ વધીએ :

૩) સમજકૃત પરિવર્તન : એકદમ નિખાલસતાથી કહીએ તો અમને આ 'સમજ' શબ્દ ખૂબ પ્રિય છે. માત્ર પરિવર્તન અંગે જ નહિ, હર કોઈ બાબત અંગે નિયમ એ લાગુ પડે છે કે એ જ્યારે પૂરેપૂરી સમજ સાથે આત્મસાત્ કરાય છે ત્યારે તે તે બાબત ચાર ચાંદ લાગે તેવી સવાયી બની રહે છે. બે ત્રણ ઉદાહરણો આપણે આ સંદર્ભમાં નિહાળીએ.

ધારો કે એક વ્યક્તિ લાખો રૂ.નું દાન માત્ર નામના માટે કરે કે કોઈ શુભ હેતુ વિના યથાકથંચિત્ કરે તો દાનની શુભ કરણી દ્વારા પણ એને જોઈએ તેવો લાભ ન થાય. એના બદલે જો એની સમજ સમ્યગ્ બની જાય કે હું આ દાન (૧) મને પરિગ્રહનો મૂર્છાત્યાગ થાય એ માટે ૨) સામી વ્યક્તિને સહાયક થવાય એ માટે કે ૩) મને પુણ્યની પ્રાપ્તિ થાય એ માટે કરું છું તો એ જ દાનથી એને ગજબનાક લાભ થાય. શાસ્ત્રો આવી સમજ કેળવવા માટે 'અનુગ્રહાર્થ સ્વસ્યાતિસર્ગો' દાનમ્ જેવાં સૂત્રો આપીને જણાવે છે કે દાન વાસ્તવમાં તે (ધનમૂર્ચ્છાત્યાગ આદિ) આત્મિક લાભના લક્ષ્યથી થવું જોઈએ.

ધારો કે એક વ્યક્તિ મોટી તપશ્ચર્યા માત્ર નામના માટે કરે યા કોઈ વિશિષ્ટ હેતુ વિના યથાકંથચિત્ કરે તો એને એ તપની શુભ કરણી દ્વારા પણ જોઈએ તેવો લાભ ન થાય. એના બદલે જો એની સમજ સમ્યગ્ બની જાય કે હું આ તપ (૧) રસનેન્દ્રિયની લાલસા તોડવા માટે (૨) મનના નિગ્રહ માટે કે (૩) કર્મોની નિર્જરા માટે કરું છું તો એ જ તપથી એ આરાધકને કલ્પનાતીત લાભ થાય. શાસ્ત્રો આવી સમજ કેળવવા માટે જ 'નન્નત્થ નિજ્જરણટ્વાએ તવમહિટ્વિજ્જા' જેવાં સૂત્ર આપીને જણાવે છે કે તપ તો કર્મનિર્જરા જેવા ઉચ્ચતમ લક્ષ્યોથી કરવો જોઈએ.

બસ, જે વાત દાન-તપ વગેરેન લાગુ પડે છે એ જ વાત પરિવર્તનને પણ લાગુ પડે છે કે એમાં જ્યારે સમ્યક્ સમજનું પરિબળ ઉમેરાય છે ત્યારેય પરિવર્તનનું મૂલ્ય-મહત્ત્વ બદલાઈ જાય છે અને એ ઉત્તમ બની જાય છે. જેમ કે દેખાદેખીથી થતાં પરિવર્તનમાં કોઈ લાભ નથી. પરંતુ એ જ દેખાદેખીનાં પરિવર્તનમાં જ્યારે સમ્યક્ સમજ ઉમેરાઈ જાય તો એ ચોક્કસ ઉત્તમ લાભનું કારણ બની જાય. જેમ કે એક વ્યક્તિને જીન્સનું ફાટેલ પેન્ટ પરિધાન કરતી જોઈને બીજી વ્યક્તિ એવું જ જીન્સ પેન્ટ પરિધાન કરે તો એ માત્ર દેખાદેતી હોવાથી એનાથી એને કોઇ વિશેષ લાભ થતો નથી. પરંતુ એક વ્યક્તિને માતા-પિતાની સેવા કરતી જોઈને બીજી વ્યક્તિ એ સમજથી વાસિત થાય કે માતા-પિતાની  સેવાથી એમની આંતર આશિષની મૂલ્યવાન ઉપલબ્ધિ થશે અને એ સમજપૂર્વક જો તે માતાપિતાની સેવારૂપ પરિવર્તન જીવનમાં લાવે તો એનાથી એને ઉત્તમ લાભ થાય જ.

આ સમજકૃત પરિવર્તન વ્યક્તિને કેવી ઉત્તુંગતા બક્ષે એ જાણવું છે ? તો વાંચો જૈન સાહિત્યમાં ઝળહળતી રાજા પ્રદેશીની જીવનઘટના :

શ્વેતાંબીપ્રદેશનો આ રાજા પ્રદેશી પ્રખર નાસ્તિક હતો. આત્માના અસ્તિત્ત્વને જ એ ઇન્કારતો હતો. એથી પુણ્ય-પાપ ધર્મ-કર્મ સ્વર્ગ-નર્ક જેવી બાબતોને તો એ 'હમ્બગ' ગણીને હસી કાઢતો હતો. લગભગ પૂરી જિંદગી એ ધર્મને પ્રખર વિરોધી રહ્યો. એકવાર એનો વિચક્ષણ મન્ત્રી યુક્તિપૂર્વક પ્રદેશીરાજાને કેશીગણધર ભગવંતની પ્રવચનસભા સુધી લઈ આવ્યો. પરમ નાસ્તિક રાજા ધર્મશ્રવણ માટે નહિ, બલ્કે ગણધરપ્રભુને પડકારવા માટે એ સભામાં પ્રવેશ્યો. રાજાએ એ ધર્મસભામાં એક પછી એક એવા ઘાણીફૂટ પ્રશ્નો પૂછવા માંડયા કે જેના ઉત્તરો આપવામાં ભલભલાની બુદ્ધિ બહેર મારી જાય. કેમ કે એ નાસ્તિક હોવાથી એના પ્રશ્નોમાં માત્ર તર્કોનો ટંકાર હતો, શ્રધ્ધાનો તો ત્યાં સાવ શૂન્યાવકાશ હતો.

પરંતુ કેશીગણઘર વિશિષ્ટ જ્ઞાાની હતા. એમણે એ તર્કો સામે એવા સચોટ પ્રતિતર્કોભર્યા ઉત્તરો આપ્યા કે રાજાપ્રદેશી નિ:શબ્દ જ નહિ, નિ:સંક બની ગયો. એ સમગ્ર પ્રશ્નોત્તરો શાસ્ત્રના પાને સચવાયેલાં છે. આપણે એમાંનો એક જ પ્રશ્નોત્તર ઝલકરૂપે જોઈએ. રાજા પ્રદેશીએ પ્રશ્ન કર્યો કે 'મૃત્યુસમયે આત્મા શરીરમાંથી નીકળી અન્યત્ર(નવા ભવમાં) ચાલ્યો જાય છે. આવાં ધર્માચાર્યોનાં કથનને ચકાસવા મેં અમારા કારાગૃહના એક ચોરને ચોતરફથી અખંડ મજબૂત લોહકુંભમાં ઉતારી એ કુંભ સીલબંધ પેક કરી દીધો. થોડા દિવસ પછી કુંભ ખોલ્યો તો ચોર મૃત્યુ પામ્યો હતો ને એના દેહમાં કીડા પડયા હતા . જો એનો આત્મા હોત અને એ બહાર નીકળ્યો હોત તો કુંભમાં એકાદ તો છિદ્ર નથી પડયું એટલે એમ જ માનવાનું ને કે આત્મા જેવી ચીજ જ નથી ? કેશીગણધરપ્રભુએ સ્મિત વેરતા પ્રતિતર્કભર્યો ઉત્તર આપ્યો કે 'ચોતરફથી અખંડ લોહકુંભમાં જો દેહાધારી કીડાઓ ઉત્પન્ન થઇ શકયા તો અરૂપી આત્માને નીકળવામાં વાંધો ક્યાં આવી શકે ? અરૂપી આત્માને ગમનાગમનમાં આવો કોઈ પ્રતિબંધ નડતો નથી.'

દરેક પ્રશ્નોના આવા તર્કબદ્ધ અને વાસ્તવિક ઉત્તરો મળતાં નાસ્તિક રાજાની સમજ બદલાઈ ગઈ. એનામાં એવું સામ્યક્ પરિવર્તન આવ્યું કે એ પરમ નાસ્તિકમાંથી પરમ આસ્તિક બની ગયો. જિનધર્મનો એણે ત્યાં સ્વીકાર કર્યો. જૈન આગમો કહે છે કે આ ઘટના પછી રાજાપ્રદેશી માત્ર ઓગણચાલીશ દિવસ જીવ્યો હતો. પરંતુ એ ઓગણચાલીશ દિવસમાં તેર છટ્વતપ (સળંગ બે ઉપવાસતપ) વગેરે દ્વારા એવી ધર્મસાધના કરી કે એ મૃત્યુ પછી મહાઋદ્વિવંત સૂર્યાભદેવ થયો ! નાસ્તિક તરીકેનાં જીવનમાં જેની નિશ્ચિત દુર્ગતિ થઈ હોત એ રાજા માત્ર જૂજ દિવસોની આરાધના દ્વારા સદ્ગતિગામી બન્યો એમાં મુખ્ય પરિબળ કર્યું? માનવું જ જોઈશે કે સમ્યક્ સમજથી મંડિત પરિવર્તન. અમે એટલે જ કહીએ છીએ કે સમ્યક્ સમજપૂર્વકનું પરિવર્તન જીવનમાં ખૂબ મોટી સકારાત્મક અસરો સર્જી શકે છે.

૪) સત્ત્વકૃત પરિવર્તન : સમજ જો સમ્યક્-સરસ હોય તો પરિવર્તન સુંદર આવે એ મંજૂર. પરંતુ એમાં એક અપવાદ એ છે કે એ સમ્યક્ પરિવર્તન પણ જો બહુ કઠિન-અતિમુશ્કેલ-એવરેસ્ટ' સર કરવા જેવું પડકારજનક હોય તો માત્ર સમજથી કાર્ય ન થાય. ત્યારે સમજ ઉપરાંત જોઈએ સત્ત્વ-પરાક્રમ. સત્ત્વનો અર્થ છે કઠિનમાં કઠિન પડકારોને ય પહોંચી વળવાનો ઉછળતા ઉલ્લાસભર્યો પુરુષાર્થ. ધારો કે એક વ્યક્તિને એવી સમજ પાકી પ્રગટી ગઈ છે કે તમાકુ-સિગારેટ અને શરાબ આદિનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તો શું આવી સમજમાત્રથી એ વ્યસનની ખરાબ આદત છોડી શક્શે ? ના. એ માટે એનામાં જોઈશે ધગધગતું સત્ત્વ. વ્યસનનાં કારણે રૃંવે રૃંવે એની તલપ ઉઠે તોય વ્યસન સેવન ન કરવાની દૃઢતા આ સત્ત્વનાં કારણે જ આવી શકે, અન્યથી નહિ. ધારો કે એક વ્યક્તિને પોતાના ક્રોધી-આવેશમય સ્વભાવનાં નુકસાનોની સમજ યથાર્થ મળી ગઈ છે. તો શું એટલા માત્રથી એ એનો ક્રોધી સ્વભાવ બદલી શક્શે ? ના. એ માટે સતત પુરુષાર્થી રહીને કોઈ પણ ભોગે સ્વભાવ શાંત બનાવવાના સંકલ્પભર્યું સત્ત્વ જોઈએ જ. તે વિના સ્વભાવપરિવર્તન શક્ય ન બને. વ્યસનોનો ત્યાગ હો કે ગલતનાં આકર્ષણનો ત્યાગ, સ્વભાવદોષનો ત્યાગ હો કે સંસારનો ત્યાગ : આ બધામાં સમજણથી પણ ઉપર ધગધગતું સત્ત્વ જોઈએ. તો જ આવા 'મેજર' પરિવર્તનો શક્ય બને. એ સત્ત્વના શિખર સમું એક અદ્ભુત વ્યક્તિત્વ નિહાળવું છે ? તો વાંચો આ પ્રેરક ઘટના :

પ્રભુ મહાવીરદેવના સમયમાં થઈ ગયેલા ધન્ના- શાલિભદ્રની જોડી સગપણ સંબંધે સાળા બનેવી હતા. બન્નેનું ઐશ્વર્ય એવું અનુપમ હતું કે આજે ય જૈનો બેસતા વર્ષે ચોપડામાં મંગલરૂપે 'ધન્ના-શાલિભદ્રની ઋષિ હોજો' લખે છે. એમાં ય શાલિભદ્ર તો માનવદેહે દેવતાઈ સુખો માણનાર મહાનુભાવ હતા. આ શાલિભદ્રજીનાં બહેન સુભદ્રા એકવાર પતિ ધન્નાજીને સ્નાન કરાવતા હતા ત્યારે એમની આંખમાંથી આંસુ સર્યા. ધન્નાજીએ આશ્ચર્યથી કારણ પૂછયું તો કહે : 'મારો ભાઈ શાલિભદ્ર અમાપસમૃદ્ધિ અને બત્રીશ પત્નીઓનો મોહ ત્યાગીને સંયમપંથે સંચરી રહ્યો છે. એ માટે એ રોજ એકેક પત્નીનો ત્યાગ કરી રહ્યો છે.' ધન્નાજી હસીને બોલ્યા : 'મને તો તારો ભાઈ થોડો કાયર લાગે છે. બાકી જો ત્યાગ જ કરવો હોય તો રોજ રોજ એક પત્નીનો ત્યાગ શું કરવો ? એક સાથે તમામનો ત્યાગ કરવો જોઈએ. શુભદ્રાએ કહ્યું : 'નાથ ! એમ બોલવું સહેલું છે. પણ કરવું અતિ કઠિન છે. એમ ? તો હું હમણાં-અહીંથી જ મારી તમામ આઠ પત્નીઓ ત્યાગીને સંયમી બનવા જઉં છું.' અને એ ખરેખર સ્નાનાગારમાંથી જ સંયમી બનવા ચાલી નીકળ્યા.

આ છે સત્ત્વકૃત ઉત્તમ પરિવર્તન. આપણે એ સત્ત્વ આત્મસાત્ કરવા કહીએ જાતને કે :

જોશ તેરા કમ હોના ન પાએ, કદમ કદમ મીલા કે ચલ :

મંઝિલ તેરા પાંવ છુએગી, આજ નહિ તો નિશ્ચે કલ..

Gujarat