વિશ્વકર્મા અને વાસ્તુશાસ્ત્ર

વિશ્વકર્મા દેવોના સ્થપતિ અને શિલ્પી છે જેમણે શ્રીકુબેર માટે સોનાની લંકાનું વિધિવત્ નિર્માણ કર્યું.
''વાસ્તુ''- શબ્દનો અર્થ છે : ઘર, ઘર બાંધવાની જગા, વસવું, ઘરની પૂજા વગેરે. ચાર વેદોમાં પણ વાસ્તુ વિશેના મંત્રો છે, એમાં ય ચાર જે ઉપવેદો છે એમાં એક સ્થાપત્યવેદ પણ છે જેમાં ઘર, મંદિર વગેરે બાંધવાના અને શિલ્પકલાના સુંદર નિયમો છે. સમગ્ર વિશ્વના સૌ પ્રથમ શિલ્પસ્થાપત્યના અધિષ્ઠાતા દેવતા વિશ્વકર્મા છે જેમણે વાસ્તુ અંગેનો સૌ પ્રથમ ગ્રંથ '' વિશ્વકર્મા પ્રકાશ' ભેટ ધર્યો. વિશ્વકર્મા જંયતીના અવસરે આવો વિશ્વકર્મા અને વાસ્તુ વિશે એક વિહંગાવલોકન કરીએ.
વિશ્વકર્મા દેવોના સ્થપતિ અને શિલ્પી છે જેમણે શ્રીકુબેર માટે સોનાની લંકાનું વિધિવત્ નિર્માણ કર્યું. આ ઉપરાંત દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાન માટે દ્વારકાનગરી અને મહેલો બનાવ્યા. શ્રી જગન્નાથજીના શ્રીવિગ્રહની રચના પણ તેમણે જ કરી. સીતા હરણ વખતે લંકાપ્રવેશ માટે રામસેતુની રચનામાં જે નલ સક્રિય રહ્યા તે વિશ્વકર્માના અંશ હતા. શિલ્પ, સ્થાપત્ય, મકાન, મંદિર-નું બાંધકામ કરનાર માટે વિશ્વકર્મા સૌના આરાધ્ય દેવતા છે- જેમની પૂજા કરવામાં આવે છે.
વિશ્વકર્માના પિતાનું નામ વિશ્વાવસુ પ્રભાસ છે, માતાનું નામ યોગસિદ્ધિ છે. સૂર્યદેવતાનાં પત્ની સંજ્ઞાાએ વિશ્વકર્માનાં પુત્રી છે. વિશ્વકર્માના બે પુત્રોનાં નામ અનુક્રમે વૃત્ર અને વિશ્વરૃપ છે. દેવો માટે વાહનો, વિમાનો, આવાસો, અનેક પ્રકારનાં શસ્ત્રોનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું. સૌ પ્રથમ શ્રીકુબેર માટે જે પુષ્પક વિમાન બનાવ્યું તે પણ સ્વયં વિશ્વકર્માની જ રચના છે.
વિશ્વકર્માએ તમામ દિશાઓ, ખૂણાનો વિશદ્ અભ્યાસ કર્યો અને ઘરમાં સુખ, સંપત્તિ, આરોગ્ય, પ્રગતિની વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તે માટે વાસ્તુશાસ્ત્રનો વિશદ્ ગ્રંથ આપ્યો જેનું નામ છે : વિશ્વકર્મા પ્રકાશ. એક શ્લોક પ્રસ્તુત છે.
વાસ્તુ પૂજાં પ્રકુર્વિત, ગૃહારંભે પ્રવેશને ચ ;
વાસ્તુ પૂજાં અકુર્વાણ, તવાહારો ભવિષ્યતિ.
અર્થાત જે વાસ્તુુપૂજન કરી ગૃહપ્રવેશ કરે છે ત્યાં સુખ છે, જ્યાં વાસ્તુ પૂજન નથી થતું ત્યાં દુ: ખ છે, વાસ્તુમાં દિશાનું મહત્ત્વ શું છે તે માટે એક ઉદાહરણ છે.
ગૃહપ્રવેશ દ્વાર પૂર્વાભિમુખ ઉત્તમ ગણાય છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે આથી સવારથી બપોર સુધી ઘરમાં પ્રકાશ રહે છે જેથી ઘરમાં પ્રર્યાપ્ત ઉજાસ રહે છે. આરોગ્યની દૃષ્ટિએ પણ સૂર્યપ્રકાશ શ્રેષ્ઠ છે. એવું તો આજના વિજ્ઞાાનીઓ પણ કબૂલે છે. તમે આડેધડ મકાન બાંધો અને વ્યવસ્થિત આયોજન બદ્ધ રીતે અભ્યાસ કરી બાંધો તેનો ફૂર્ક તો નરી આંખે દેખાય છે. કેટલાક વાસ્તુનિયમો જોઈએ :-
પૃથ્વી, પાણી, પવન, પ્રકાશ અને આકાશ એ પંચમહાભૂત છે. નેઋત્યમાં પૃથ્વીતત્ત્વ છે જેથી ખાલી જગા ન રાખવી. મકાનનો સૌથી ઊંચો ભાગ અને વજન અહીં સુખ કર્તા છે. ઘરની મુખ્ય વ્યકિતએ આ ખૂણામાં દક્ષિણમાં માથું રાકી સૂવું. ઇશાનમાં જળતત્ત્વ હોઈ અન્ડરગ્રાઉન્ડ ટાંકી, બગીચો, સારાં ઇશાન ખૂણો સ્વચ્છ રાખવો. જાજરૃ- બાથરૃમ આ ખૂણામાં આરોગ્ય માટે હાનિકર્તા છે. ઇશાનમાં વાસ્તુપુરુષનું મુખ છે જેથી જગા વજનરહિત, ખાલી, સ્વચ્છ રાખવી. મકાનમાં સૌથી પવિત્ર જગા ઇશાન હોઈ મંદિર માટે આ સ્થળ સર્વશ્રેષ્ઠ છે.
વાયવ્ય ખૂણામાં વાયુતત્વ છે. વેપાર કરતા હોય તેમણે ઉત્પાદન અહીં રાખવું, ચપોચપ વેચાઈ જશે. અનાજનો સંગ્રહ હિતાવહ છે. વાયવ્યમાં પ્રવેશ દ્વાર કાયમ કોર્ટ- કચેરીના કેસો કરાવે. અગ્નિખૂણામાં પ્રકાશતત્ત્વ છે. રસોડા માટે આખા મકાનમાં અગ્નિખૂણો સર્વોત્તમ છે. ઇલેકિટ્રક મીટર, હીટર, મીકસર, વીજળીક ઉપકરણો આ ખૂણામાં રખાય.
મકાનનો મધ્યભાગ એ આકાશતત્ત્વ છે. માટે તે મુખ્ય બ્રહ્મસ્થાન ગણાય છે, જે વાસ્તુ પુરુષનું પેટ ગણાય છે. આ જગાએ કોઈ પણ વસ્તુ નિષેધ છે. અહીં જેટલું વજન રાખો તેટલું ટેન્શન વધે. બ્રહ્મસ્થાનમાં જગા તદ્દન ખાલી રાખવી જગા ખાલી ન રખાય તો પેટને લગતાં દર્દો આજીવન હેરાન પરેશાન રાખે છે.
ખૂણા પછી દિશાઓની વાત કરીએ તો પૂર્વના દેવતા ઇન્દ્ર છે. આ દિશામાં મુખ્ય પ્રવેશદ્વાર, અભ્યાસખંડ, બેઠકરૃમ ઉત્તમ ગણાય છે.
પશ્ચિમના દેવતા વરૃણ છે જ્યાં મુખ્ય સીડી, ઓવરહેડ ટાંકી , વાહનપાર્કિગ સગવડરૃપ બને છે. ઉત્તર દિશાના દેવતા કુબેર છે માટે તિજોરી આ દિશા તરફ ખૂલે તે રીતે દક્ષિણની દીવાલને અડે તેમ નૈઋત્ય ખૂણામાં મૂકવી જેથી ધનસંપત્તિમાં વધારો થાય છે. ઉત્તર તરફ માથું રાખી ક્યારેય સૂવું નહિ.
દક્ષિણ દિશાના દેવતા યમ છે. મુખ્ય પ્રવેશદ્વાર જો આ દિશામાં હોય તો આ ઘરમાં રહેનારને ક્યારેય સંપૂર્ણ સંતોષ કે સુખ મળતાં નથી. પેઢીની ગાદી માટે આ દિશા સારી ગણાય છે.
આ ઉપરાંત ઘરમાં કાયમ સ્વચ્છતા, ભજન અને ભોજન સમગ્ર કુટુંબ સાથે મળી કરે, તમામ કાટમાળ જૂની વસ્તુઓનો નિકાલ, સાવરણી, સાંબેલું, સૂપડું, ઝાડુ, લાકડી દેખાય નહિ તેમ રાખવાં એ શુભ ગણાય છે. સંસ્કાર, સેવા, સંપ, સ્નેહ, આતિથ્યસત્કાર : વડીલોનો આદર, મા-બાપની સેવા, સારા વિચારો, પ્રભુભક્તિને પણ વાસ્તુશાસ્ત્રમાં સુખ સંપત્તિમાં વધારો કરનારાં કહ્યાં છે, છેલ્લે પુરુષાર્થ એ જ પારસમણિ છે. અસ્તુ.
- પી.એમ.પરમાર
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar

