Get The App

ગુરુ પૂર્ણિમા .

- ગુરુ મહિમા અને ગુરુ વંદના

- ગુરુશ્ચર્યા જ્ઞાાનં શાન્તિં યોગેન વિન્દતિ - એવું મહાભારતમાં લખ્યું છે. ગુરુ અને શિષ્યનું મિલન એ તો અરણીમંથન યજ્ઞાકર્મ છે એવું ઋગ્વેદ કહે છે

Updated: Jul 2nd, 2020

GS TEAM

Google News
Google News
ગુરુ પૂર્ણિમા                              . 1 - image


પં ચાંગ જોયાં પછી કૌતુક સાથે સુખદ આશ્ચર્ય એ વાતનું થયું કે, એક પણ પૂનમ એવી નથી કે એ દિવસે કોઈ તહેવાર ન હોય. દેવ દિવાળી, હોળી, હનુમાન જયંતી, બુધ્ધપુર્ણિમા, રક્ષાબંધન, કબીર જયંતી, પોષી પુનમ વગેરે, આ અષાઢી પૂનમે પ્રસિદ્ધ ગુરુ પૂર્ણિમાનો વિખ્યાત તહેવાર છે.

ગુરુ મહિમા અપરંપાર છે. પ્રસ્થાપિત પરંપરા છે, વેદ કાળથી છે શ્રી રામચંદ્ર ભગવાનના ગુરુ વશિષ્ઠ વિશ્વામિત્ર હતા, શ્રી કૃષ્ણ-સુદામાના ગુરુ સાંદિપની હતા, શંકરાચાર્યના ગુરુ ગોવિંદાચાર્ય, કબીર સાહેબના રામાનંદ, પાંડવોના દ્રોણાચાર્ય, વિવેકાનંદના રામકૃષ્ણ પરમહંસ, દત્તાત્રેયના ૨૪ ગુરુ હતા. શીખ ધર્મમાં તો ગુરુ નાનકજીથી અદ્યાપિ એક આખી ગુરુ પરંપરા પ્રસિદ્ધ છે, જૈન ધર્મના નવકારમંત્રમાં પ્રચ્છન્ન ગુરુવંદના છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુનના ગુરુ સ્વયં શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણ વિશે આ શ્લોક કોણ નથી જાણતું ?

વસુદેવ સુતં દેવં કંસ ચાણૂર મર્દનમ્ ।

દેવકી પરમાનંદમ્, કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્ ।।

ગુરુ શબ્દના મોટું, ભારે, દીર્ઘ, શિક્ષક, આચાર્ય, ગોર, ગુરુ ગ્રહ, 

બૃહસ્પતિ, ગુરુવાર, સક્ષમ આવડતવાળી વ્યક્તિ, શ્રેષ્ઠ એવા ઘણા શબ્દાર્થ, ભાવાર્થ, વાચ્યાર્થ, ગૂઢાર્થ અભિભૂત થાય છે. ગુરુ પૂર્ણિમાના સંદર્ભમાં આધ્યાત્મિક ક્ષેત્રે આત્મામાં પરમાત્માનાં દર્શન કરાવે એ ગુરુ એવો પરા- અપરા, વિદ્યા- અવિદ્યાના પરિપ્રેક્ષ્યમાં સમજવાનો છે, લેવાનો છે.

રમણ મહર્ષિ કહે છે : ઇશ્વર દર્શન માટે ગુરુકૃપા જોઈએ. ગુરુકૃપા માટે ઇશ્વરકૃપા જોઈએ. ચાણક્ય કહે છે : એક સાચો ગુરુબોધ, એક ઇશ્વર બરાબર છે. ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યાનમ્ ગુરુનું મૌન પણ વ્યાખ્યાન છે એ શંકરાચાર્યની વ્યાખ્યા છે. ગુરુ નાનકે કહ્યું : ગુરુ મુખે જ્ઞાાન પમાય, ગુરુની સેવાથી જ્ઞાાન અને યોગથી શાંતિ મળે છે. ગુરુશ્ચર્યા જ્ઞાાનં શાન્તિં યોગેન વિન્દતિ - એવું મહાભારતમાં લખ્યું છે. ગુરુ અને શિષ્યનું મિલન એ તો અરણીમંથન યજ્ઞાકર્મ છે એવું ઋગ્વેદ કહે છે. કબીરજી શું કહે છે ? :

ગુરુજી એસા ચાહિયે, જેસો પૂનમચંદ,

તેજ દિયે, તપે નહિ, ઉપજાવે આનંદ.

પવિત્રતા જળવાય, સદ્ગુણો કેળવાય, આત્મજ્ઞાાન થાય, વ્યસનોમાંથી મુક્તિ મળે, પાપ અટકે, કલ્યાણ થાય - એવા શુભ આશય માટે ગુરુ જરૂરી છે, પોતે પણ પોતાના ગુરુ બની શકાય છે. અપ્પ દીવો ભવ કહ્યું જ છે ને !

પણ સાવધાન ! દંભી, સ્વાર્થી, લુચ્ચા, અંધશ્રદ્ધાળુ, અજ્ઞાાની, ઢોંગી, કામી, લંપટ, ચમત્કારો દેખાડનારા, ગરજ મતલબી, દૂધ- દહીમાં પગ રાખનારા, આળસુ, પૈસાના લાલચુ, નશીલા બંધાણી, છાકટા, એકના ડબલ કરનારા, એક સેકંડમાં નિકાલ કરનાર ગુરુઓથી ચેતી જજો. સાચા ગુરુની વ્યાખ્યા અનેક શાસ્ત્રમાં કરી છે. ગુરુને તો પરબ્રહ્મ પણ કહ્યા છે

ગુરુ ર્બ્રહ્મા, ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર,

ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમ:

આજે સૌ પોતપોતાના ગુરુને વંદન- પ્રણામ કરી ગુરુ ઋણ અદા કરે. આવજો.

- પી.એમ. પરમાર

Tags :