ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ .

આજે વિશ્વ જે વાતાવરણમાંથી પસાર થઈ રહ્યું છે એમાં ભારતીય સંસ્કૃતિની મહત્તા તથા જરૂરિયાત ખૂબ વધી ગઈ છે. વૈશ્વિકરણના કારણે સમગ્ર વિશ્વ એક ગામ જેવું બની ગયું છે. વિચાર ક્રાંતિએ જીવન બનાવવા સાથે માનવજાત સામે અનેક રહસ્યો પેદા કરી દીધા છે. આ સમસ્યાઓના સમાધાનમાં ભારતીય સંસ્કૃતિ ખૂબ ઉપયોગી સાબીત થશે.
સામાન્ય રીતે કોઈ સમાજ કે દેશના માનવ સમુદાયના રીતરિવાજો, જીવન પદ્ધતિ, ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાનવિજ્ઞાન, કળા, સાહિત્ય, આદર્શ, સંસ્કારો વગેરેના સમુચ્ચયને સંસ્કૃતિ કહે છે. શ્રી કનૈયાલાલ મુનશીના શબ્દોમાં કહીએ તો "સંસ્કૃતિ માણસમાં વ્યવહાર, લગન અને વિવેક પેદા કરે છે." સંસ્કૃતિનો અર્થ મનુષ્યની માનસિક, નૈતિક, ભૌતિક, આર્થિક, સામાજિક, રાજનૈતિક અને કલાત્મક જીવનની સિદ્ધિઓ છે. શ્રીરામ શર્મા આચાર્યએ કહ્યું છે કે "મનુષ્યને સુસંસ્કારી અને વિવેકવાન બનાવનારું વિજ્ઞાન તથા વિધાન જ સંસ્કૃતિ છે.
ભારતીય સંસ્કૃતિમાં અનેક વિશેષતાઓ તે તેની બીજી બધી સંસ્કૃતિઓથી જુદી પાડે છે અને તેને શ્રેષ્ઠ સ્થાન અપાવે છે. આધ્યાત્મીક્તા ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી વિશેષતા છે તે આત્માને અજરઅમર અને અવિનાશી માને છે. ભારતીય સંસ્કૃતિ આત્મ સાક્ષાત્કાર, આત્મબોધ અને ઈશ્વર પ્રાપ્તિને માનવજીવનનું લક્ષ્ય માને છે વળી આ સંસ્કૃતિને એક સાર્વભૌમ, સનાતન અને વિશ્વ સંસ્કૃતિ પણ માનવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિ દુનિયાની પ્રાચીનતમ સંસ્કૃતિ ગણાય છે. આપણા ઋગ્વેદને દુનિયાની સૌથી પ્રાચીન રચના માનવામાં આવે છે. આ સંસ્કૃતિ તો હજારો વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી હતી, છતાં આજે પણ તે જીવંત છે. નિરંતરતા આ સંસ્કૃતિની બીજી એક વિશેષતા છે. હજારો વર્ષો પછી પણ જીવંત, જાગ્રત અને ગતિશીલ છે. ધર્મદર્શન, અધ્યાત્મ, કાવ્ય, સાહિત્ય, પરંપરાઓ અને સંસ્કારમાં તેની ગરીમા તથા ગૌરવ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ પહેલેથી જ ધર્મપ્રધાન રહી છે. તેણે સત્ય, જ્ઞાન, વિજ્ઞાન અને ધર્મના સૂત્રો શોધી કાઢયા છે.
ઈશ્વરને સદ્ગુણોનો સમુચ્ચય માનીને તેની વ્યાખ્યા કરવી તે આપણી સંસ્કૃતિની વિશેષતા છે. યજ્ઞા અર્થાત્ શ્રેષ્ઠ કર્મ અને ગાયત્રી અર્થાત્ સદ્જ્ઞાન અને સદ્બુદ્ધિની અધિષ્ઠાત્રી દેવીને ધર્મનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવી છે. આ બન્ને ભારતીય સંસ્કૃતિના- દેવસંસ્કૃતિના માતાપિતા છે. ગ્રહણશીલતા અને મુક્ત વિચારધારા એ પણ ભારતીય સંસ્કૃતિની મૌલિક વિશેષતા છે. આપણી સંસ્કૃતિ સર્જનમાં માને છે, વિનાશમાં નહિ. તેથી જ તો આ સંસ્કૃતિ વિશાળતા, ઉદારતા અને વ્યાપકતાને કારણે જ આપણી સંસ્કૃતિ શાશ્વત રહી છે. ઉદારતા તથા સહિષ્ણુતા જેવા ઉમદા ગુણો પણ તેમાં રહેલા છે. એટલું જ નહિ "આત્મવત્ સર્વભૂતેષુ"ની ઉમદા ભાવના સમગ્ર વિશ્વમાં માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ એક સનાતન સત્ય સમજાવ્યું છે કે "એકમ સદ્વિપ્રા બહુધા વદન્તિ" એટલે કે એક જ પરમેશ્વરને લોકો જુદા જુદા નામે પોકારે છે તથા ભજે છે.
ભારતીય સંસ્કૃતિના એ પણ એક વિશેષતા છે કે તે બધાના સર્વાંગી ઉત્કર્ષની વાત કરે છે. મર્મજ્ઞા ઋષિઓએ પુરુષાર્થ ચતુષ્ટય, વર્ણાશ્રમ વ્યવસ્થા વગેરેની પણ વ્યવસ્થા કરી છે. વળી સત્ય, શિવ તથા સુન્દરમ્ની ભાવના માનવ જીવનને સંપૂર્ણ રીતે સર્વાંગ સુંદર બનાવે છે. કર્મનો સિદ્ધાંત પણ ભારતીય સંસ્કૃતિની એક મહત્વની વિશેષતા છે. જે માણસને પુરુષાર્થી બનાવે છે. વિવિધતામાં એક્તા પણ એક વધારાની વિશેષતા છે. શાંતિ, અહિંસા, પ્રેમ, સદ્ભાવના તથા વિશ્વબંધુત્વની ભાવના ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી વિશેષતા છે. એમાં "વસુધૈવ કુટુંબકમ્" "સર્વે ભવન્તુ સુખીન: સર્વે સતુ નિરામયા"નો ભાવ રહેલો છે. ભારતીય સંસ્કૃતિમાં વિશ્વની સમસ્યાઓનું સમાધાન કરવાની પૂરેપૂરી ક્ષમતા છે અને ભારત જ તેમનું સમાધાન કરશે તેમજ દીવાદાંડીની ભૂમિકા નિભાવશે.
- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ

