Get The App

'પ્રયત્નમાં ભાગ્યવાન, પરિણામમાં ભગવાન' 'પુરૂષાર્થના માંચડે, પુણ્યમાં ચડે

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
'પ્રયત્નમાં ભાગ્યવાન, પરિણામમાં ભગવાન' 'પુરૂષાર્થના માંચડે, પુણ્યમાં ચડે 1 - image

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

હિંમત હારે = હાર્યે કામ ના થાય, હિંમત હરિ=સાથે કામ થાય

'શું, ના આવી ?'

'હાં. ચિઠ્ઠીમાં પણ ના આવી.'

'હવે ? શું થશે ? આમ ને આમ ક્યાં સુધી ચાલશે ? દરેક વખતે ના જ આવે છે.'

'હિંમત ના હારો, મારા ભાઈ ! - જિંદગી આખી ના આવે તો પણ આપણે પ્રયત્ન તો કરતાં જ રહેવું પડશે. આખિરકાર ક્યારેક તો કોઈક તો ક્યાંક તો આપણું સાંભળશે જ !'

'અરે, પણ હજારથી વધુ પુણ્યાત્માઓને દીક્ષા આપીને સાચા અર્થમાં દીક્ષાયુગપ્રવર્તક, દીક્ષા દાનેશ્વરી, દીક્ષાના જાદૂગર બનનારા આચાર્ય શ્રી સિદ્ધિસૂરિશ્વરજી મહારાજા (બાપજી મહારાજ) પણ જ્યારે ના કહી બેઠા છે, ત્યારે આપણી વાતમાં હાં નો સૂર પૂરાવશે કોણ ?'

'એય તો લાખોને દીક્ષાનું દાન કરનારા ત્રણ લોકના નાથની આગળ મૂકાયેલી ચિઠ્ઠીમાં પણ ના આવી છે. એટલે એમ કહી શકાય કે લાખોને દીક્ષા આપનાર તારક તીર્થંકર પરમાત્મા પણ ના કહે છે, પછી આ જગતમાં હા કહેનારા બચે કોણ ?'

'તો પછી, શું થશે ?'

'એમ હિંમત હારે=હાર્યે કામ ના થાય, પણ હિંમત હારે=સાથે જ કામ થાય. કદાચ એવું ય બને કે ભગવાન, મહાત્મા આપણી પરીક્ષા પણ લેતા હોય. આપણા હિંમતની કીંમત ઇમ્તીહાન દ્વારા જાણવા માંગતા હોય !'

'તો શું કરવું છે ?'

'કંઈ નહીં. આપણે પ્રયત્ન કર્યે જ રાખવાનો. કાલે આચાર્ય નંદન સૂરિશ્વરજી મહારાજા આવે છે. તેમને પણ પૂછી જોઈએ.'

'બરાબર છે.'

***

આ વાત ચાલી રહી છે, અમદાવાદ શહેર વિસ્તારમાં રીલીફ રોડથી અંદર ભાભા પાર્શ્વનાથના ખાંચામાં આવેલ શ્રી ભાભા પાર્શ્વનાથ જિનાલયમાં બે મહાનુભાવો વચ્ચે.

વાત આમ છે. ભાભા પાર્શ્વનાથનું જિનમંદીર ભૂતકાળમાં બે માળનું હતું. સંપૂર્ણ જિનમંદિર કાષ્ઠનું હતું. કાષ્ઠ (લાકડા) કળાથી અલંકૃત આ જિનાલયમાં ભોંયતળિયે=ગ્રાઉન્ડ ફ્લોર પરથી શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવાન મૂળનાયક તરીકે બિરાજમાન હતા. અને પહેલા માળે શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન મૂળનાયક તરીકે બિરાજમાન હતા. ભાભા પાર્શ્વનાથ ભગવાન મૂળત: સાબરમતી નદીના કિનારે રેતીમાંથી પ્રગટ થયા હતા તથા રેતીમાંથી જ નિર્મિત થયા હતા.

હવે એક વખત આ જિનાલયમાં ભયંકર આગ લાગી. આગ એવી ભીષણ હતી કે સંપૂર્ણ જિનાલય ભસ્મ-નષ્ટ થઈ ગયું. પણ એકેય પ્રતિમાજીને કોઈ જ નુકશાન ન થયું. રેતીમાં પ્રગટ થનારા ભાભા પાર્શ્વનાથને પણ કંઈ ના થયું.

ત્યારબાદ નવેમ્બરથી તે સમયે જિનાલયનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો. પણ કોઈ અગમ્ય કારણોસર શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવાનની સ્થિર પ્રતિષ્ઠા ન થઈ.

પ્રતિમાજીના રોજ અભિષેક આદિ પૂજન વિધિ થાય. પોતાના સ્થાનેથી ખસેડી નીચે લાવવા, ફરી ઉપર પધરાવવા આદિ ક્રિયાવિધિ થાય. શ્રાવકોને ડર રહેતો કે આમાં ક્યાંક ક્યારેક કોઈક જોખમ થવાની સંભાવના છે માટે આની પ્રતિષ્ઠા વિધિ કરી લેવી જોઈએ.

આચાર્ય સિદ્ધિસૂરિ દાદાએ કહ્યું - 'પૂર્વકાળના વડેરાઓએ આની પ્રતિષ્ઠા નથી કરી માટે આની પ્રતિષ્ઠા ન થવી જોઈએ.' આમ તેઓએ ના કહી. તેથી સંઘે 'હા' અને 'ના' ની ચિઠ્ઠી ભગવાનના ખોળામાં મૂકી. શુદ્ધ તત્વના માધ્યમે ચિઠ્ઠી ખેંચાવી. તો એમાં પણ 'ના' જ આવી. બે-ચાર વખત આવા પ્રયોગ કરી જોયા, પણ પરિણામ - ના... 

પ્રયત્ન જારી રહ્યો. અને એક દિવસ આચાર્ય નંદસૂરિદાદા ત્યાં પધાર્યા. સંઘે તેમને પ્રતિષ્ઠા વિશે પૂછયું. તેમણે 'હા' કરી. હવે સંઘનો ઉત્સાહ જાગી ઉઠયો. દાદા આગળ  ચિઠ્ઠી મૂકાઈ. તેમાં પણ 'હા' આવી. હવે ઉત્સાહમાં ઝૂમી ઉઠયો સંઘ... ધામધૂમથી પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થઈ.

'મેં કહ્યું હતું ને... પરમાત્મા પરીક્ષા લેતા હોય છે. આપણે હાર્યા નહીં. પ્રયત્ન સતત જારી રહ્યો. પ્રયત્નનું જોર વધ્યું. 'ના' કમજોર બની અને 'હા' જોરદાર ફળી.'

'સાચી વાત છે. 'હિંમતે મર્દા તો મદદે ખુદા' તે આનું નામ...'

'પ્રયત્નમાં ભાગ્યવાન તો પરિણામમાં ભગવાન...' 'પુરૂષાર્થને માંચડે પુણ્યમાં ચડે' જેવી કહેવતોનો કોઈ જવાબ નથી.'

એ બંને શ્રાવકો ફરીવાર ભાભા પાર્શ્વનાથ દાદાનો આ પ્રત્યક્ષ ચમત્કાર જોઈ દાદા આગળ પ્રત્યક્ષ થઈ ગયા.

પ્રભાવના

ભાભા પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં ડાબી બાજુ એક પટ્ટ છે. ચોવીસ તીર્થંકરોની બાલઅવસ્થા સાથે તેમની માતાજીઓની મૂર્તિઓ છે. અહીં લખેલ છે - 'વીંછીનો ગોખલો.'

માન્યતા એમ કહે છે કે આ ગોખલા આગળ બાર મહિને એક વખત સવા પાંચ આના એટલે કે ૩૩ (તેત્રીસ) પૈસા મૂકવામાં આવે તો એ વ્યક્તિને વીંછી કે તેવા કોઈ ઝેરી જંતુઓ કરડતા નથી અને કરડે તો એ ઝેરની કોઈ અસર તેને થતી નથી. અત્યારે પણ ત્યાં એક રૂપિયો મૂકાય છે. આજે આ જિનાલયને એટલે કે ભાભા પાર્શ્વનાથના જિનાલયને 'વીંછીના ગોખલાવાળું જિનાલય' પણ કહે છે. 'રાજનગર તીર્થમાળા' (વિ.સં. ૧૯૧૨માં પૂ. રત્નત્રયવિજયજી વિરચિત) માં, વિ. સં. ૧૬૬૨માં રચિત 'ચૈત્યપરિહારિ'માં, 'જૈનતીર્થ સર્વસંગ્રહ'માં, 'પ્રભાવક ચરિત' આદિ ગ્રંથોમાં આ જિનાલયનો ઉલ્લેખ મળે છે. (આવા અનેકાનેક પ્રભાવવાળા જિનાલયો અમદાવાદના પોળ વિસ્તારમાં છે)