આગળના નસીબજોગે જે મેળવ્યું,હવે આગળના નસીબ યોગમાં તે ભેળવ્યું

- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
મા અને દીકરો બંને જોતાં જ રહી ગયા.
મા દીકરીની સામું જોવે અને દીકરો મા ની સામું જોવા અને પછી બંને ખાટલા-પલંગ સામું જોવે. આશ્ચર્ય સભર નયને જોતાં.
''આ શું ?' બંનેના મોં એ થી એક જ ઉદ્દગાર !! ન ભૂતો, ન ભવિષ્યતિ, આવું કોઈ દિવસ નથી જોયું કે નથી સાંભળ્યું.
'શું આ બધામાં હશે ?' આ પ્રશ્નના ભાવ સાથે માએ દીકરા સામું જોયું. અને દીકરાએ મા ના પ્રશ્નનો જવાબ આપવાનો હોય તેમ બીજો પાયો પણ છૂટો કર્યો.
અને બંનેના આશ્ચર્ય વચ્ચે ત્યાંથી પણ એ જ વરસાદ વરસ્યો.
હવે તો આશ્ચર્ય ને જ જાણે વધારવા અને વધાવવા માંગતા હોય તેમ પલંગનો ત્રીજો અને ચોથો પાયો પણ ખોલી દીધો. વરસાદ ત્યાંથી પણ વરસી રહ્યો.
સોના મહોરનો આ વરસાદ પલંગના ચારે પાયામાંથી વરસતો જોઈ રહ્યા મા અને દીકરો.
ઉજ્જૈની નગરીમાં રહેતાં આ મા-દીકરો બંને પૂર્ણપણે ધાર્મિક હતા તો સંપૂર્ણપણે દાદા આદિનાથ પ્રત્યે શ્રદ્ધાભાવ ધરાવતાં હતા. બંને એકબીજાના પૂરક હતા. દીકરો મા ને પૂછીને જ દરેક કાર્ય કરતો તો મા દીકરાની બધી જ ઈચ્છાઓની સંભાળ લેતી. મા ને દીકરા પ્રત્યે અપાર વાત્સલ્ય ઊભરાતું તો દીકરાને મા પ્રત્યે અપરંપાર પ્રેમ ઊભરાતો. બંનેના હૈયા એકમેકના સ્નેહથી ઊભરાતા હતા.
દીકરો મા ની ખુશી માટે સતત ને સખત મહેનત કરતો તો મા દીકરાના આનંદ માટે સતત કાર્યશીલ રહેતી.
દીકરો બધું જ લાવીને મા ના કદમોમાં મૂકતો અને એના ચરણોને ચૂમતો. તો મા દીકરાના લલાટને ચૂમી ભરીને એના કપાળ ને નસીબને ચમકાવવાના આશિષ વરસાવતી.
એક વખત આ બાલાશા નામે દીકરો ક્યાંક ગયો હશે. ત્યાંથી એક જુગજૂનો સીસમનો પલંગ લેતો આવ્યો. મા રોજ નીચે ઊંઘે છે તો હવે તેને થોડેક ઊંચે ઊંઘાડું એવા પરમપવિત્ર આશયથી એણે એ પલંગ ખરીદી લીધો. દૂરદેશથી આવેલો વેપારી એકબાજુ રવાના થયો અને બાલાશા પોતાના ઘરે આવ્યો.
ઘરનું બારણું નાનું હતું. એમાંથી પલંગ અંદર જાય તેમ ન હતો. તેથી બંને મા-દીકરો પલંગના પાયા ખોલવા બેઠા. અને પલંગના પાયા ખુલતાં જ તેમના નસીબ ખુલી ગયા. પલંગના ચારે પાયામાંથી સોનામહોરોનો વરસાદ વરસ્યો. માને સુખ આપવા માટે કરેલી દીકરાની મહેનત કામ કરી ગઈ તો દીકરાના કપાળને ચમકાવવા મા એ આપેલા આશીર્વાદ આજે ફળી ગયા.
અન્યના સુખ માટે જે મહેનત કરે છે, તેને અવશ્ય સુખ મળે છે.
વળી, આ મા-દીકરો ધનથી ગરીબ હતા, મનથી નહીં, ધનથી ગરીબ એ છે, જેની પાસે સંપત્તિનો અભાવ છે. પણ મનથી ગરીબ એ છે, જેના મનમાં બીજા માટેના સુખનો અભાવ છે. જે બીજાના સુખની ઈચ્છા કરે છે, એ છે મનનો અમીર. ધનના અમીર કરતાં ય મનનો અમીર ચડિયાતો છે. ધનનો અમીર મોટો માણસ કહેવાય છે, જ્યારે મનનો અમીર તો મહાન માણસ ચોક્કસપણે બને છે.
બાલાશાના મનની અમીરીએ ધનની ગરીબી દૂર કરી દીધી.
મા એ કહ્યું - 'બેટા, આ ધન સત્કાર્યનું છે. અને આપણને મળ્યું છે તે સત્કાર્યમાં વાપરવા માટે.'
'હા, મા.' કહી મા ના આશિષ લઈ બેટા બાલાશાએ એ બધી જ સોના મહોરો અલગથી મૂકી દીધી.
પાલીતાણા-શત્રુંજ્ય મહાતીર્થનો છરીપાલક સંઘ કાઢયો છે, સમરાશા નામના એક અતિ ઉદાર જિનભકતે. અનેકાનેક નાના. નાના સંઘો અને પરિવારોને પોતાના વિશાળ સંઘમાં ઊમેરીને વિરાટ સંઘ બનાવી દીધો છે.
દાદા આદિનાથના દર્શન-વંદન-પૂજન કર્યા. બધાં જ લોકોએ ઉલ્લાસ સભર પારણાં પણ કર્યા. પરંતુ સમરાશા અન્ન-જળનો ત્યાગ કરીને બેઠા છે.
આ સંઘમાં બાલાશા પણ પોતાની મા સાથે યાત્રાએ આવ્યો છે. પહેલે દિવસે મા ની ઈચ્છાનુસાર અઢાર રત્નોની બોલી બોલીને દાદા આદિનાથ થી પહેલી પૂજાનો લાભ લીધો. બીજે દિવસે પણ બાલાશાએ જ એ લાભ લીધો. ૧૮ રત્નોમાં.
ત્રીજા દિવસે એણે જાણ્યું કે સમરાશા શેઠની અભિગ્રહ છે, જ્યાં સુધી આદિનાથ દાદાની પહેલી પૂજાનો લાભ ન મળે, ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ. અને ત્રીજે દિવસે એ શત્રુંજય તીર્થાધિરાજ શ્રી આદિનાથ દાદાની પહેલી પૂજા કરી - સંઘની સેઠ સમરાશાએ.
મનની અમીરી બીજાને અમીર બનાવ્યા વગર રહેતી નથી. જ્યારે માત્ર ધનની અમીરી બીજાને ગરીબ બનાવ્યા વગર રહેતી નથી.
અન્યનો ચારો ય ચરી જાય એ છે ધનનો અમીર અને અન્યનો પહેલો વિચાર કરે એ છે મનનો અમીર.
પ્રભાવના
શત્રુંજય મહાતીર્થના મોટા પ્રસિદ્ધ સત્તર જીર્ણોદ્વારોની જે વાત આવે છે, તેમાંનો એક જીર્ણોદ્વાર જેણે કરાવ્યો, એ ધન્ય-પુણ્ય નામ છે - સમરાશા શેઠ. જેણે તીર્થોદ્વાર તો કરાવ્યો. છરી પાલક સંઘ પણ કઢાવ્યો અને દાદા આદિનાથની બોલી બોલીને પહેલી પૂજા પણ કરી.
શત્રુંજય મહાતીર્થ પર જે મોટી નવ ટુંકો છે. એમાંની એક ટુંક એટલે બાલાભાઈની ટુંક. પલંગના પાયામાંથી નસીબજોગે મેળવેલું ધન આ ટુંકમાં વાપરીને એ બધુ જ ધન પોતાના આગલા નસીબમાં ભેળવી દીધું. ધન્ય ધન ! ધન્ય મન ! ધન્ય શાસન !!

