ખંભાળિયામાં વેપારીઓને કનડગતનાં વિરોધમાં કાળા કપડાં પહેરી માળા-જાપ
- અઠંગ ગુનેગાર હોય એવી પોલીસે વર્તણૂંક કર્યાનો આક્ષેપ
- ૧૦ દિવસ પહેલા કેટલાક પ્રશ્ને એકત્ર થયેલા વેપારીઓ સામે પાંચ દિવસ પછી ગુનો દાખલ કરીને હવે ધરપકડ કરતા રોષ
ખંભાળિયા, તા. 8 મે, 2020, શુક્રવાર
ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને વેપારીઓ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ તથા પોલીસ ફરિયાદ અને રજૂઆતોના વિવિધ બનાવો ભારે ચર્ચાસ્પદ બન્યા છે. આ સાથે બે દિવસ પૂર્વે વેપારીઓ સામે પોલીસ દ્વારા જાહેરનામા ભંગ સબબની ફરિયાદ બાદ ધરપકડ કરતા આજે અનોખી રીતેવિરોધ પ્રદર્સન કરાયું હતું.
ખંભાળિયામાં આશરે દસેક દિવસ પહેલા અહીંના જોધપુર ગેઈટ ચોકમાં કેટલાક પ્રશ્ને વેપારીઓ એકત્ર થતાં પોલીસે આ બનાવ અંગે પાંચ દિવસ પછી ૧૧ વેપારીઓ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં અહીંના વિવિધ વેપારી મંડળના પ્રમુખ તથા આગેવાનો અને જાણીતા વેપારીઓ પર સંભવિત રીતે આ પ્રકારની પ્રથમ મનાતી સી. સી. ટી. વી. કેમેરાના ફૂટેજ પરથી થયેલી જાહેરનામા ભંગની ફરિયાદે વેપારીઓમાં ભારે ચર્ચા જગાવી હતી.
આના અનુસંધાને ખંભાળિયા પોલીસે ગઈકાલે ગુરૃવારે સાંજે અહીંના રીટેઈલ ગ્રેઈન એન્ડ કિરણા મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ તથા નગરપાલિકાના સદસ્ય જગુભાઈ રાયપુરા, હોલસેલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દત્તાણી તથા તેમના પુત્ર કપિલ દત્તાણીની અટકાયત કરી હતી. આટલું જ નહીં, આ વેપારીઓ જાણે અઠંગ ગુનેગાર હોય તેમ જગુભાઈ રાયચુરા તથા કપિલ દત્તાણીને લાંબો સમય લોક અપમાં પણ બેસાડી દઈ, લાંબી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં મોડી રાત્રે તેઓનો જામીન પર છુટકારો થયો હતો. જ્યારે અન્ય આઠ વેપારીઓની આજરોજ શુક્રવારે અટકાયત કરવામાં આવી હતી.
બીજી તરફ ખંભાળિયામાં વેપારીઓની કથિત કનડગત તથા અગાઉના કેટલાક ચર્ચાસ્પદ પ્રકરણમાં પોલીસની ભૂમિકા બાદ ઉચ્ચકક્ષાએ રજૂઆતો તથા બદલીઓના અનુસંધાને સર્જાયેલા મનાતા આ ફરિયાદ પ્રકરણ અંગે અહીંના પીઢ રઘુવંશી અગ્રણી નટુભાઈ ગણાત્રાએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વેપારીઓ સામે થયેલી ફરિયાદ તથા આ અંગેની કાર્યવાહી બાદ પીઢ આગેવાન નટુભાઈ ગણાત્રાએ આજે સવારે અહીંના જોધપુર ગેઈટ ચોકમાં, ગાંધીજીના પૂતળા પાસે કાળા કપડાં પહેરી, માળા જાપ ચાલુ કર્યા હતા. આ સ્થળે એક બોર્ડ મુકી, અમારું લોહી મીઠું છે, પીવો.. પીવો..ના લખાણ સાથે કેટલાક ચોટદાર આક્ષેપો પણ આ લખાણમાં કરવામાં આવ્યા હતા. બાદમાં અહીંના પોલીસ અધિકારી દ્વારા તેમને અહીંના પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સમજાવટ બાદ તેઓએ આ માળા જાપનો કાર્યક્રમ મુલત્વી રાખ્યો હતો.આ સમગ્ર પ્રકરણ વેપારીઓ સાથે શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યું છે.