દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંતે તમામ ધાર્મિક સ્થળોનાં સોમવારથી ખુલશે દ્વાર
- ભગવાન શ્રીકૃષ્ણનાં જગત મંદિર સહિત
- કોરોના લોકડાઉન બાદ અનલોક-૧ સંદર્ભે કલેકટર દ્વારા તમામ મંદિરમાં નિયમોની અમલવારી સાથે વિવિધ છૂટછાટ
ખંભાળિયા, તા. ૫ જૂન, ૨૦૨૦, શુક્રવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણેક માસ પછી વિવિધ મંદિરો અને ધર્મસ્થાનો આગામી સોમવારથી દર્શનાર્થીઓ માટે ખોલવા માટેની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. જોકે વિવિધ પ્રકારના નિયમોને આધીન આપવામાં આવેલી આ પરવાનગી છતાં પણ ભક્તજનોમાં રાહતની લાગણી પ્રસરી છે. આ સાથે વિવિધ ધર્મસ્થળોમાં નાના- મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો, દુકાનદારોમાં પણ હાંશકારો વ્યાપ્યો છે.
કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉનના કારણે ગત માર્ચ માસથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાના- મોટા મંદિરો, ધર્મસ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. આ વચ્ચે ગત તારીખ ૧ જૂનથી અમલમાં આવેલ લોક ડાઉન-૫ અંતર્ગત અનલોક -૧ હેઠળ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ વિવિધ ધર્મસ્થળો ખોલવાની પરવાનગી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ તમામ મંદિરો શ્રદ્ધાળુઓ માટે આગામી સોમવાર તા. ૮ મી થી દર્શન માટે ખોલવામાં આવશે તે પ્રકારની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રકારની તકેદારી રાખીને જિલ્લાના મંદિરો, ધામક સ્થળો દર્શન તથા પ્રાર્થના માટે ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો કે હાલ તારીખ ૩૧ જૂન દરમિયાન રાત્રિના નવ થી સવારે પાંચ વાગ્યા સુધી જાહેર થયેલા કરફ્યુના કારણે તમામ ધર્મસ્થળો બંધ રહેશે.
સોમનાથ જિલ્લામાં મંદિર તથા ધર્મ સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે આરતીમાં પૂજારી સિવાય કોઈ પણ શ્રદ્ધાળુઓને અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. આટલું જ નહીં, આ સ્થળોએ ઉપસ્થિત રહેનાર તમામ વ્યક્તિ, પુજારીઓ કે શ્રદ્ધાળુઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. ઉપરાંત પોતાનું થર્મલ સ્ક્રિનિંગ કરાવી, ટેમ્પરેચર પણ ચેક કરવાનું અનિવાર્ય જણાવાયું છે. આ સાથે ધર્મસ્થળોમાં હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ કરવા, દર્શનાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે દર્શનની લાઈનમાંથી સતત ચાલતા રહેવા અને વધુ લોકોને દર્શનનો લાભ મળે તે માટે દર્શન થઈ ગયા બાદ ક્યાંય ઊભા રહેવાને બદલે સીધા જ બહાર નીકળવાનું રહેશે.
વળી, દર્શન સમય મર્યાદિત હોવાના કારણે લોકોએ ભીડ ન થાય તે જોવાનું રહેશે. ધર્મસ્થળોએ બહારથી જે પણ ફૂલ, પ્રસાદી કે સામગ્રી સાથે લઈને આવ્યા હોય કે મંદિરમાં નક્કી કરેલી જગ્યાએ જ પધરાવવાના રહેશે તેમજ ધર્મ સ્થળોએ કોઈપણ પ્રકારના ધામક સંમેલન કે મેળાવડાઓ યોજવાનો રહેશે નહીં.