આર્જેન્ટીનામાં જોવા મળતું હોક-ઈગલ નામનું પક્ષી દ્વારકામાંથી મળી આવ્યું
- જગત મંદિરનાં પરિવારમાં ઈજાગ્રસ્ત હાલતમાં હતું
- શરીરે પાતળુ પણ શક્તિશાળી શિકારી: પોતાનાં વજન કરતાં પાંચ ગણાં વધુ વજન સુધીનાનો કરી શકે છે શિકાર

દ્વારકા,તા.9 ઓક્ટોબર 2018, મંગળવાર
સામાન્ય રીતે આર્જેન્ટીના-પેરૂ તથા દક્ષિણ મેક્સિકોમાં ઉષ્ણકટિબંધિય જંગલોમાં જોવા મળતું હોક-ઈગલ નામનું પક્ષી ઘાયલ અવસ્થામાં દ્વારકાનાં જગત મંદિરનાં પરિસરમાંથી મળી આવ્યું છે. હાલ આ પક્ષીને ફોરેસ્ટ કોલોનીમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચૂડાસમાનાં જણાવ્યા મુજબ આ પક્ષી હોક ઈગલ છે. જે માત્ર ૧૦થી ૧૨ દિવસનું જણાય છે. પુખ્તવયે તેની લંબાઈ ૨૨થી ૨૭ ઈંચ, પાંખો ૪૫ થી ૫૬ ઈંચ અને વજન ૯૬૦ થી ૧૬૫૦ ગ્રામ હોય છે. લાંબી ગોળાકાર પૂંછડી ધરાવે છે. છાતીનો ભાગ તેજસ્વી, બાજુઓ - ગરદન શ્વેત અને બાકીનો ભાગ તથા પીંછાવાળા પણ કાળા રંગનાં હોય છે.
પાતળુ શરીર ધરાવતું હોક ઈગલ શક્તિશાળી શિકારી છે. પોતાના કરતા પાંચ ગણાં વધુ વજન સુધીનાનો શિકાર કરી શકે છે. આ પક્ષીનાં મુખ્ય શિકારમાં કબૂતર, પોપટ, પરધી, વૈયા, ખિસકોલી, ઉંદર, સાપ, વિગેરે છે. આ પક્ષી ઓગષ્ટ સપ્ટે. માસમાં ઉંચા વૃક્ષ પર લાંબી સળીઓ વડે આવા બનાવે છે. ઓકટોબર માસમાં સામાન્ય રીતે ઈંડામાંથી બચ્ચા બહાર આવતા હોય છે.
દ્વારકા પંથકમાં કેટલાક ભાગોમાં આ પક્ષીની ઉપસ્થિતી નોંધાઈ છે. જો કે, કેવી રીતે અને કયા સંજોગોમાં આ પણ અહીં સુધી આવી પહોંચ્યા તે જાણવા મળતું નથી. મોટા મોટા ભાગે આ પક્ષી દક્ષિણ મેક્સિકોનાં ભેજવાળા ઉષ્ણકટીબંધીય જંગલોમાં અને ત્રિનિદાદ - ટોબેગો તથા દક્ષિણથી પેરૂ અને આર્જનેટીનામાં જોવા મળે છે.
ગઈકાલે સોમવારે સાંજે આ પક્ષી ઘાયલ સ્થિતીમાં હોમગાર્ડ જવાનોને મળી આવ્યા બાદ ફોરેસ્ટ ડિપા.ને જાણ કરાતા ફોરેસ્ટ કોલોનીમાં સારવારમાં રાખવામાં આવેલ છે.

