દેવભૂમિ દ્વારકામાં રશિયન દંપતીનો મુકામ: લોકડાઉનમાં ફસાયેલા વિદેશી પરિવારના મહિલા સગર્ભા
- હાલ તેઓને રશિયા પરત ફરવા અનિચ્છા: જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે મુલાકાત લઈ પરીક્ષણ કર્યું
જામ ખંભાળિયા, તા. 20 એપ્રીલ 2020, સોમવાર
રશિયાથી ભારત ભ્રમણ કરવા માટે એક દંપતી તેમના પુત્રને લઈ, છએક માસ પૂર્વે નીકળ્યું હતું. તે દિલ્હી આવ્યા બાદ ગઈ તારીખ 2 માર્ચના રોજ દ્વારકા આવ્યા હતા. દ્વારકા દર્શન તથા આ વિસ્તારની મુલાકાત દરમિયાન દેશ-વિદેશમાં કોરોના વાયરસની મહામારીના સંદર્ભે લોક ડાઉન સર્જાયું હતું. જેમાં ગુજરાત અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સજ્જડ લોક ડાઉન અમલમાં આવ્યું છે.
ત્યારે આ પતિ પત્ની તથા નાના બાળક સાથેનો પરિવાર દ્વારકામાં અટકી પડયા હતા. તેઓ 27 માર્ચ ના રોજ પરત ફરવાના હતા પરંતુ લોક ડાઉનના કારણે તેઓની ફલાઇટ રદ થતાં તેઓ અહીં અટકી પડયા હતા. આ પરિસ્થિતિ દરમિયાન આ રશિયન પરિવારની મહિલા સગર્ભા બની હતી અને તેણે હાલ આશરે છ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આગ રશિયન પરિવાર ને દ્વારકામાં એક બ્રાહ્મણ પરિવાર સાથે લાગણીનો સંબંધ બંધાઈ જતા તેઓ આ પરિવાર સાથે રહી રહ્યા છે.
રશિયન દંપતી પરિવારની મુલાકાત દ્વારકાના મામલતદાર તથા આરોગ્ય વિભાગની ટીમે લીધી હતી અને તેમની પૂછપરછ કરતાં તેઓને હાલ નહીં કોઈ તકલીફ ન હોવાનું જણાવ્યું હતું આટલું જ નહીં આરોગ્ય અધિકારી દ્વારા મહિલાનું તબીબી પરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને આ સગર્ભા મહિલાને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને તેઓને રશિયા- મોસ્કો કે દિલ્હી જવાની ઇચ્છતા નથી. કારણકે કોરોના વાયરસની મહામારી આ વિસ્તારોમાં વધુ છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેથી સલામતી માટે તેઓ અહીં રહેવા માંગતા હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.