Updated: Mar 15th, 2023
યાત્રાધામ હર્ષદ બાદ આગળ ધપેલું સરકારી બુલડોઝર : 125 દબાણકારોને નોટિસ અપાયા બાદ 2 ધર્મસ્થાન, 73 મકાનો, 24 દૂકાનો પર બુલડોઝર ફેરવીને સરકારી જમીન ખુલ્લી કરાવાઈ : 120 કરોડનાં ડ્રગ્સનાં આરોપી અને મૂળ નવાદ્રાનો રહેવાસી એવા અનવર મુસા પટેલિયાનાં પરિવારના આલીશાન બંગલા પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું
દ્વારકા, ખંભાળિયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનઅધિકૃત દબાણ હટાવ ઝુંબેશના પાંચ દિવસ પૂર્વે શરૂ થયેલા બીજા રાઉન્ડમાં હર્ષદ મંદિર નજીકના દરિયા કાંઠા વિસ્તારમાં ચાર દિવસ બુલડોઝર ફર્યા બાદ હવે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા દરિયાઈ વિસ્તારમાંથી આજરોજ ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડ્રગ્સકાંડનાં આરોપીનાં આલીશાન બંગલા ઉપર પણ આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
કલ્યાણપુર પંથકના દરિયાકાંઠાના ગામોમાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર દબાણ ખડકી દેવામાં આવ્યા હોવાથી તંત્ર દ્વારા આ સામે લાલ આંખ કરી અને આવા આસામીઓને ધોરણસર નોટિસ અપાયા બાદ ગત શનિવારથી આ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેના પ્રથમ ચરણમાં હર્ષદ (ગાંધવી) ખાતેથી રેવન્યુ તથા પોલીસ તંત્રએ સંયુક્ત રીતે ઓપરેશન કરી, રૂ. 4.86 કરોડના 11 લાખ ફૂટ સરકારી જમીનો પર ખડકી દેવામાં આવેલા પોણા ત્રણસો જેટલા દબાણો ધ્વસ્ત કર્યા છે. ગઈકાલે મંગળવાર સુધી ચાર દિવસની કામગીરી આ સ્થળે પૂર્ણ થયા બાદ આજરોજ કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તેમજ તેમની ટીમએ જેસીબી, હીટાચી, વિગેરે જેવા વાહનો સાથે ઘસી જઈ અને અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. તેમની સાથે એલસીબી અને એસઓજી સહિતના પોલીસ કાફલાએ જરૂરી વ્યવસ્થા સંભાળી છે. નાવદ્રા ખાતે આજરોજ કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી પૂર્વે તંત્ર દ્વારા 125 જેટલા આસામીઓને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ આજે અહીંના 73 રહેણાંક, 24 વ્યાપારિક એકમો તેમજ 2 ધાર્મિક ળો મળી કુલ 98 જગ્યા પર કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ ૨.૨૫ લાખ ચોરસ ફૂટ બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. જેની બજાર કિંમત આશરે 90.23 લાખ જેટલી ગણવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક ઝુંબેશથી દબાણકર્તા તત્વોમાં ભય સાથે દોડધામ મચી જવા પામી છે. નાવદ્રા ખાતે દબાણ હટાવ ઝુંબેશ આવતીકાલે પણ ચાલુ રહેનાર છે.
આજે સવારથી શરૂ થયેલ મેગા ડીમોલીશનમાં નાવદ્રાના બંદર વિસ્તાર અને કારગીલ તરીકે ઓળખાતા એરિયામાં દબાણ હટાવવાની કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્તો સાથે કરાઈ હતી. નાવદ્રા બંદરે વર્ષ 2021માં અહીંથી ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં 120 કરોડનાં ડ્રગ્સનાં આરોપી અને મૂળ નવાદ્રાનો રહેવાસી એવા અનવર મુસા પટેલિયાનાં પરિવારના આલીશાન બંગલા પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. વહેલી સવારથી શરૂ થયેલ આજના આ ડિમોલિશનમાં મોટાભાગની પેશકદમી દૂર કરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ વડા પણ સ્થળ પર હાજર રહ્યા હતા.