દ્વારકામાં 65 કરોડના ખર્ચે વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર બદલ કોઈ પગલાં તો ન લેવાયા
દ્વારકા, તા.20 નવેમ્બર 2019, બુધવાર
- પુરાવારૂપ કાટમાળ નડતરઃ ગોમતીઘાટમાં રામમંદર પાસે જોખમી પિલ્લોર
- પરઘોલા તોડવાની નગરપાલિકાની કામગીરી પોલીસે અટકાવી હતી
દ્વારકામાં રૂ. 65 કરોડના ખર્ચે થયેલા વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર બદલ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. પરંતુ ભ્રષ્ટાચારનાં પૂરાવારૂપ વિકાસ કામોનો કાટમાળ અંતિમ યાત્રાને નડતરરૂપ બની રહ્યો છે. આથી કાટમાળને ખસેડવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.
વિકાસકામો અંતર્ગત ગોમતીઘાટ રામમંદિર પાસે રૂ. 16 કરોડના ખર્ચે બનાવેલા પિલ્લોર, પરઘોલા ટુંકા સમયમાં જ જર્જરિત થઈ જતા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે નવ માસ પૂર્વે નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. લગભગ 70ટકા જેટલા કામો તોડી પડાયા હતાં.
આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પિલ્લોર, પરઘોલાને તોડી પાડવાની કામગીરી પંચનામુ કરી અટકાવી દીધી હતી. નોંધનીય છે કે વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આ પ્રકરણમાં અંબાણી માર્ગ પર કેટલાય પિલ્લોર કોઈ અજાણ્યા શખ્સો તોડી ગયાની ફરિયાદ પણ ખૂદ પાલિકાએ નોંધાવી હતી. જેની તપાસ પણ ઠેરની ઠેર છે.
આ ફરિયાદ અનુસંધાને પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતા પિલ્લોર મૂળમાંથી ફીટ કરાયા જ ન હોવાનું પણ બહાર આવ્યું હતું. કરોડોની ગેરરીતિના આ પ્રકરણમાં રૂ. 65 કરોડ પૈકી માત્ર રૂ. 20થી 25 કરોડનાં જ કામો થયા હોવાનું અને બાકીની રકમની ખાયકી થયાની પણ ચર્ચા હતી.
આ પ્રકરણ તપાસમાં બહાર આવે તો અનેકનાં પગ નીચેથી ધરતી ખસી જાય તેમ હોવાથી સ્થાનિકથી લઈ રાજ્ય કક્ષા સુધી એટલે કે સરકાર સુધી આ પ્રકરણની ઉંડાણપૂર્વક તપાસ કરવાની પણ તસ્દી લેવામાં આવી નથી.
ભ્રષ્ટાચારયુક્ત કામો જર્જરિત અને જોખમી હોવાના નામે નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી પોલીસે તો અટકાવી દીધી. પરંતુ રામમંદિર પાસેથી થઈ ગોમતીઘાટે સ્મશાન યાત્રા લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તોડી પડાયેલા પરઘોલા - પિલ્લોરના ઢગ વચ્ચે આવતા હોવાથી તે ત્યાંથી ખસેડવા માગણી ઉઠી છે.