યુવતીની બિભત્સ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી
- ખંભાળિયાના વાડીનાર ગામની
- બોગસ એકાઉન્ટ બનાવવા મામલે મોરબી જિલ્લાના ઝીંઝુડાના શખ્સ સામે નોંધાતો ગુનો

ખંભાળિયા, તા. 9 જુલાઈ, 2020, ગુરૂવાર
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામની એક યુવતીના ધ્યાન બહાર તેના નામથી ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવીને તેમાં બિભત્સ મનાતા ફોટા અપલોડ કરવા બદલ મોરબી તાબેના ઝીંઝુડા ગામના બાઉદ્દીન સદરૂમિયાં પીરજાદા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વાડીનાર ગામે રહેતા પરિવારની પરિણીત યુવતીના ફોટા ઇન્સ્ટાગ્રામ પર ગત એપ્રિલ માસમાં અપલોડ થયાનું તેના ધ્યાને આવ્યું હતું. પરિવારજનો તપાસ કરતાં યુવતીના નામથી તેને બદનામ કરવાના ઇરાદાથી ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. ઇન્સ્ટા પર તેની ઓળખની ચોરી કરી યુવતી તથા તેના પરિવારજનોના ફોટા પણ અપલોડ કર્યા હોવાનું ખુલવા પામ્યું છે. આ યુવતીને બદનામ કરવાના ઈરાદે કેટલાક બિભત્સ મનાતા ફોટા અપલોડ કરવા સબબ યુવતીએ ઝીંઝુડા ગામના રહીશ બાઉદ્દીન પીરજાદા નામના શખ્સ સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

