ખંભાળિયાના સલાયા બંદરે વિદેશમાંથી આવેલા બસ્સોથી વધુ ખલાસીઓ બોટ કવોરોન્ટાઈન કરાયા
જામ ખંભાળિયા, તા. ૨
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના આગેવાન દ્વારા જણાવાયા મુજબ વિદેશથી આવતા જહાજના ખલાસીઓને કોરોના હોવાની સંભાવનાઓ વચ્ચે ગામના આગેવાનો, જમાતના આગેવાનો, તથા બીજા સંસ્થાના આગેવાનો વિગેરે દ્વારા સાથે મળીને એવું નકકી કરાયું હતું કે આપણા ગામમાં હજુ સુધી કોરોના પ્રવેશ્યો નથી.
વિદેશથી આવનારા ખલાસીઓને પણ ખબર ન હોય કે તેમને કોરોના છે કે નહિ. તેવો વિચાર કરતા દરિયામાં જ બોટ કવોરોન્ટાઈનકરવાનો વિચાર આવ્યો હતો.
બધાની સહમતીથી તેમજ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ વિદેશથી આવતા વહાણના આશરે બસ્સોથી વધારે ખલાસીઓને હાલ કાળુમ્બેર ટાપુની નજીક સોંગો વિસ્તારમાં બોટ કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
લોકલ વહાણ જે હાઇ સીમાંથી આવેલ છે, તેમાં 73 ખલાસીઓને બોટ કવોરોન્ટાઈન કરાયા છે. કોરોના વોરિયર્સ અને આરોગ્યમની ટીમ દ્વારા નિયત સમયે ચૌદ દિવસમાં ત્રણ –ચાર વખત તેઓની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારના લક્ષણ ન જણાય તો તેને હોમ કવોરોન્ટાઈનમાં મોકલી આપવામાં આવે છે.