અંતિમસંસ્કારના ખાટલા નીચેથી ધસમસતા પાણી વહેતા બળતા લાકડાં ઉપર કેરોસીન છાંટવું પડયું
- ખંભાળિયાના બનાવનો વિડિયો વાયરલ
- અગ્નિસંસ્કાર વખતે પુરના પાણી સ્મશાનમાં ઘુસ્યા
ખંભાળિયા, તા. ૧૩ જુલાઈ, ૨૦૨૦, સોમવાર
ખંભાળિયા પંથકમાં ગત સપ્તાહમાં વરસેલા અતિભારે વરસાદના દરમિયાન એક મૃતદેહના અંતિમ સંસ્કાર દરમિયાન એકાએક પાણીના પુર સ્મશાનમાં ઘુસતા પાણીના પુર વચ્ચે મૃતદેહના અંતિમ સંસ્કાર સંપન્ન કરવામાં આવ્યા હતાં. આ વિડીયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયો છે.
ખંભાળિયાના દ્વારકા ગેઈટ વિસ્તારમાં પોરબંદર રોડ પર આવેલા સ્મશાનમાં તાજેતરમાં વરસેલા વરસાદના કારણે આ સ્મશાનની ઈલેકટ્રીક ભઠ્ઠી બંધ થઈ ગઈ છે. જેથી મૃતદેહના અંતિમ સંસ્કાર અગ્નિદાહઆપીને કરવામાં આવે છે. ખંભાળિયામાં મૃત્યુ પામેલાના એક વૃદ્ધ મહિલાની અંતિમ વિધિ ભારે વરસાદ વચ્ચે સ્મશાનના ખાટલા ઉપર લાકડા ગોઠવીને થઈ રહી હતી. અગ્નિ સંસ્કાર દરમિયાન અતિભારે વરસાદના કારણે નજીકમાંથી પસાર થતી નદી બે કાંઠે વહેવા લાગતા આ નદીના પૂર સ્મશાનમાં ઘૂસી આવ્યા હતાં. બળતા મૃતદેહ નીચે વહેતા ભારે પાણીને કારણે વૃધ્ધાની અંતિમવિધિ ન અટકે તે માટે બળતાલાકડા ઉપર કેરોસીનનો સ્પ્રે વડે છંટકાવ કરીન અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર વિધિનો તતા વહેતા પુરનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.