દ્વારકા, દિવ, સોમનાથ, સાળંગપુર અને સાસણમાં માનવ મહેરામણ
- શ્રધ્ધાળુ ભકતો અને સહેલાણીઓન ેલીધે ચારે બાજુ ચિક્કાર મેદની
- નવા વર્ષના આગમનને હરખભેર વધાવવા હજારો પ્રકૃતિ પ્રેમીઓના દિવના સમુદ્ર કાંઠે ઉમટયાઃ હોટલો, ધર્મશાળા અને ફાર્મ હાઉસ, હાઉસફુલઃ હાઇ-વે ઉપર ટ્રાફિકજામ
રાજકોટ, તા. 27 ઓક્ટોબર 2019, રવિવાર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દર વર્ષે દિવાળી અને બેસતા વર્ષના શુભ દિવસોમાં દ્વારકા સોમનાથ સહિતના તિર્થધામોમાં દર્સનાર્થીઓની ભારે ભીડ ઉમટતી હોય છે.આ વર્ષે છેલ્લા ચાર દિવસોથી આ તિર્થક્ષેત્રમાં માનવ મહેરામણ ઉમટયું હોય તેવી સ્થિતિ જોવા મળે છે તમામ હોટલો, ધર્મશાળા અને જ્ઞાાતિની વાડીઓ સહિતના રહેણાંક માટેના ફાર્મ હાઉસ હાઉસફૂલ જોવા મળે છે. તહેવારોના આ દિવસો દરમિયાન સાસણ - દીવ સહિતના ફરવાલાયક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડતા ભારે મેદની જોવા મળે છે.
દેશના પશ્ચિમ સિમાડા સાતે જોડાયેલા જામનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જગત મંદિર તરીકે જગવિખ્યાત સેવાદાર બગવાન દ્વારકાધીશના મંદિરે દિવાળી અને નુતન વર્ષના દિવસોમાં દર્શન કરવાનો લ્હાવો લેવા જેવો હોય છે. દર વર્ષે અહીં હજારોની મેદની ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ નમાવીને નવા વર્ષનો પ્રારંભ કરતી હોય છે. છેલ્લા બે દિવસથી અહીં મંદિરના ગર્ભગ્રહમાં હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટતા રહ્યા છે. આ જ પ્રકારની સ્થિતિ પ્રભાસ તિર્થક્ષેત્રમાં સોમનાથ મહાદેવના મંદિરે જોવા મળી છે.
ભગવાન ભોળાનાથના દર્શના અર્થે આવતા ભાવિકો વિવિધ રાજ્યોના હજારો શ્રધ્ધાળુ ભકતો જોવા મળે છે. વહેલી સવારથી મોડી રાત્રિ સુધી દર્શનાર્થીઓની લાંબી કતાર લાગે છે. એ જ રીતે બોટાદ નજીકના સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શનાર્થે પણ સંખ્યાબંધ ભાવિકોની ભીડ જોવા મળી હતી. જેતપુર નજીક આવેલા ખોડલધામ - કાગવડ ખાતે અને રાજકોટમાં સદ્ગુરૃ આશ્રમ ખાતે પણ દિવાળીના દિવસો દરમિયાન સંખ્યાબંધ લોકો ઉમટયા હતા.
તિર્થધામોની માફક દિવાળીનાં દિવસોમાં હરવા - ફરવાના સ્થળો ઉપર પણ માનવ મહેરામણ ઉમટયું હોવાની વિગતોના સંદર્ભમાં સુત્રોએ જણાવ્યું હતું કે, દિવના દરિયાકાંઠા પર સમુદ્ર સ્નાનની મોજ માણવા માટે અનેક લોકો તહેવારોની રજા માણવા માટે અનેક લોકો તહેવારોની રજા માણવા માટે સપરિવાર ઉમટયા હતા.
દિવની મોટા ભાગની હોટલો હાઉસફુલ થઇ જતાં હોટલના ધંધાર્થીઓે મનફાવે તેમ ભાડા સહેલાણીઓ પાસેથી વસુલ્યા હતા. સાસણમાં પણ દિવાળીએ સિંહ દર્શન માટે અનેક લોકો ઉમટી પડતા આજુબાજુના ફાર્મ હાઉસમાં લોકોને પગ મુકવાની જગ્યા મળવી મુશ્કેલ બની હતી.
તહેવારો દરમિયાન તમામ એસટી બસો, ટ્રેઇનો અને ખાનગી વાહનોમાં ચિક્કાર મેદની જોવા મળી હતી. જેના કારણે હાઇવે ઉપર અનેક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટ થી જૂનાગઢ જવાના રસ્તે ગોંડલ સુધી ભારે વાહનોના ધસારાને લીધે અનેક સ્થળે ટ્રાફિકજામ થઇ ગયો હતો. રાજકોટથી મોરબી જવાના માર્ગે માધાપર નજીક એ જ રીતે અમદાવાદ જવાના માર્ગે ગ્રીનલેન્ડ ચોકડીથી માંડીને નવાગામ આણંદપર, સાત હનુમાન, કુવાડવા સુધી ભારે ટ્રાફિકનો ધસારો રહ્યો હતો.