જગપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને પુષ્પોના શૃંગાર
- અષાઢ સુદ એકમ સુધી ભગવાનને દિવ્ય પુષ્પોના વાઘા
- બદામના પાંદડા ઉપર ચમેલી, જૂઈ, મોગરા, ગુલાબ સહિતનાં પુષ્પોની કળીઓથી વિવિધરંગી વસ્ત્ર સજાવટ
દ્વારકા, તા. 27 એપ્રિલ, 2020 સોમવાર
દ્વારકામાં આવેલા દ્વારકાધીશજી મંદિરે શ્રીજીને ગરમી ન લાગે તે માટે અવનવા પુષ્પોના વસ્ત્રોના દિવ્ય શૃંગાર કરાઈ રહ્યા છે. અક્ષય તૃતીયાથી અષાઢ સુદ એકમ સુધી બે માસ દરમિયાન કાળિયાઠાકોરને સોના-ચાંદીના બદલે પુષ્પોના વસ્ત્રોનો શૃંગાર કરાવવામાં આવે છે.
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે અક્ષય તૃતીયાથી લઈ અષાઢસુદ એકમ સુધી સળંગ બે માસ શ્રીજીને સોના-ચાંદીના નહીં પરંતુ પુષ્પોના વસ્ત્રોના શૃંગાર થાય છે. કાળિયાઠાકોરને ગરમી ન લાગે તે માટે દિવ્ય પુષ્પોના વાઘા પહેરાવાય છે. રોજ સાંજે ભગવાનને શ્રીઅંગે પુષ્પવસ્ત્રોનાં શૃંગાર કરાવવામાં આવે છે.
મંદિરના વારાદાર પૂજારી વૈભવભાઈએ જણાવ્યું હતું કે રોજ બપોરે ૧ થી ૫ વાગ્યા સુધી મંદિરના ભોગ ભંડારની જગ્યામાં પૂજારી પરિવારની મહિલાઓ તથા વૈષ્ણવો દ્વારા ભગવાન માટે પુષ્પોના વસ્ત્રો બનાવવાની સેવા કરવામાં આવી રહી છે. બદામના પાંદડા ઉપર ચમેલી, જુઈ, મોગરા, ગુલાબ સહિતના પુષ્પોની કળીઓથી ભગવાનના વસ્ત્રો સજાવવામાં આવે છે. આ પુષ્પો રોજ જામનગર, ખંભાળિયા સહિતનાં શહેરોમાંથી મંગાવવામાં આવે છે. ભગવાનના પુષ્પ વસ્ત્રના શૃંગારના દર્શનનો અનેરો લાભ ભાવિકો સોશ્યલ મીડિયાના માધ્યમથી લઈ રહ્યા છે.