ઓખા: 8 વર્ષીય બાળા સાથે પાલક પિતાએ આચરી હેવાનિયત
- લાકડી ફટકારી, બ્લેડથી ઇજા પહોંચાડીને દુષ્કર્મ ગુજારતાં પાટણના શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયા, તા. 01 ઓગસ્ટ 2020, શનિવાર
ઓખા પંથકમાં 8 વર્ષીય બાળકી પર તેના પાલક પિતાએ હેવાનિયતભર્યું કૃત્ય આચરતાં તેના પર ફિટકાર વરસી રહી છે. મૂળ પાટણ જિલ્લાના શખ્સ સામે બાળાના માતાએ ઓખા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભિક્ષાવૃતી જેવી પ્રવૃત્તિ કરીને પેટિયું રળતી પરપ્રાંતીય મહિલાની પુત્રીના પાલક પિતા બનેલા તથા ઓખાના રેલ્વે સ્ટેશન સામે રહેતા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વિનોદ પ્રેમજી તપોવન નામના શખ્સે બાળા ઘરે એકલી હતી, ત્યારે તેની એકલતાનો ગેરલાભ લઈ તેના કપડાં કાઢીને તેને લાકડી વડે બેફામ માર માર્યો હતો અને બ્લેડ વડે આ માસુમ બાળાને ઈજાઓ પહોંચાડીને તેની સાથે શરમજનક કૃત્યુ આચર્યું હતું.
આ ઉપરાંત આ શખ્સે માસુમ બાળાને કોઈને વાત ન કરવા અંગે ધાક ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે બાળાએ તેની માતાને વાત કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. પોલીસે દુષ્કર્મ, પોક્સોના કાયદા મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ક્રૂર બનાવે પંથકમાં અરેરાટી સાથે રોષની લાગણી પ્રસરાવી છે.