ખંભાળિયા, તા. 25 જુન 2020, ગુરુવાર
ગત તા. 20 મેના રોજ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન દ્વારા PM કેર ફંડમાં કપાસ, એરંડા, ડુંગળી દાન કરવા જતાં પોલીસ દ્વારા ઢોર માર મારવાની ઘટના બની હતી. તેના વિરોધમાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પરંતુ કોરોનાના કેર વચ્ચે વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ હોવાથી ખેડૂતોએ આંદોલનનો નવો રસ્તો શોધી, સોશ્યલ મીડિયાથી આંદોલનના મંડાણ કર્યા હતા. આગામી શનિવાર તા. 27મીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હજારો ખેડૂતો એક દિવસના ઉપવાસ કરી આંદોલનમાં જોડાશે.
આ "જગતતાત ડિઝિટલ આંદોલન"ની મુખ્ય ત્રણ માંગ છે. જેમાં ખેડૂતોને ચાલુ વર્ષનો 100% પાકવીમો મળે, સરકારની નીતિઓના કારણે ખેડૂત દેવાદાર બન્યો હોવા જેવી પરિસ્થિતિમાં ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે, તથા રાજકોટ ખાતે ખેડૂત આગેવાન પર થયેલા પોલીસ દમનમાં તેમને ન્યાય આપવામાં આવે. દ્વારકા જિલ્લાના દરેક ખેડૂતને આ આંદોલનમાં જોડાવા સમર્થન આપવા પોતાના ઘરેથી ખેતરેથી કામ કરતા કરતા એક દિવસના ઉપવાસ કરતા હોય, તેનો વીડિયો બનાવી, સોસીયલ મીડિયામાં મુકવા અને લડતને સમર્થન આપવા ખેડૂત આગેવાને હાકલ કરી છે.
ગુજરાતભરના ખેડૂત આગેવાનોએ પહેલા એક- એક દિવસના ઉપવાસ કરી, સોશ્યલ મીડિયામાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ 31 મેના રોજ ખેડૂતો દ્વારા ફેસબૂક લાઈવ કરી, ખેડૂતોને સંબોધી આખો દિવસ ડિઝિટલ સભા યોજી હતી. જેમાં લાખોની સંખ્યામાં ખેડૂતો - નાગરિકો સુધી ખેડૂતોની વેદના પહોંચાડી હતી.


