કલ્યાણપુર: ભરચોમાસે પાંચ ગામમાં ટેન્કરથી પાણી વિતરણ!
ભાટિયા, તા. 20 જુલાઈ 2020, સોમવાર
કલ્યાણપુર તાલુકાના છેવાડાનાં ગામો સુધી પાણી પહોંચે એ માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન નાંખીને સ્થાનિક જળાશય કે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જૂથ યોજના પાઇપ લાઇનનું કામ વર્ષોથી ચાલુ છે. જે હજી સુધી પૂર્ણ ન થતાં ભરચોમાસે પણ કલ્યાણપુરનાં પાંચ ગામોમાં ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે.
પાઇપ લાઇનની કામગીરી પર કોઈ ઉચ્ચ અધિકારીઓનું મોનિટરિંગ ન હોય એ રીતે કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાથી છતે પાણીએ ટેન્કર દોડાવવા પડી રહ્યા છે. તાલુકાના સણોસરી, ચૂર, મેઘપર ટીટોડી તેમ જ વીરપુર સહિતના પાંચ ગામમાં હાલ ટેન્કર દ્વારા જળવિતરણ થઈ રહ્યું છે. પાણીપુરવઠા વિભાગ દ્વારા સત્વરે પાઇપ લાઇનની કામગીરી પૂરી કરવામાં આવે એવી માગણી ઉઠાવવામાં આવી છે.