બેટ દ્વારકાના લોકોમાં 108 બોટ એમ્બ્યુલન્સની સેવા સામે અસંતોષ
- ઈમરજન્સી કેસમાં મદદ ન મળતી હોવાનો આક્ષેપ
- બોટને કાયમી ટાપુની જેટી ઉપર જ રાખવા માંગ
ઓખા, તા. 23 મે, 2020, શનિવાર
બેટ દ્વારકા ઓખાની ૧૦૮ બોટ એમ્બ્યુલન્સની સેવા સામે લોકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. સીરીયસ કેસમાં ૧૦૮ બોટ સેવા દ્વારા મદદ ન મળતી હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે ઓખા - બેટ દ્વારકા ફેરી બોટ એસો. દ્વારા કલકેટરને આવેદનપત્ર પાઠવાયું છે.
બેટ દ્વારકા આઠ હજારથી વધુ વસ્તી ધરાવતો ટાપુ વિસ્તાર હોય અહીના ઈમરજન્સી દર્દીઓ માટે રાજય સરકાર દ્વારા ૧૦૮ ઈમરજન્સી બોટ સર્વિસ ફાળવવામાં આવેલ છે. આ ૧૦૮ બોટ સેવા અણઘડ રીતે ચાલતી હોવા અંગેની ફરીયાદ જિલ્લા કલેકટર કરવામાં આવી છે જે મુજબ ઓખા બેટ વચ્ચેની ઈમરજન્સી બોટ સવાર નવાર બેટના ઈમરજન્સી કેસ લેવાની ના પાડે છે. જેથી હાલમાં લોકડાઉન તેમજ કન્ટેનમેન્ટએરીયા બેટમાં આવેલ હોય ઈમરજન્સી સમયેં દર્દીઓની હાલત કફોડી થાય છે. વધુમા ં૧૦૮ બોટ સેવા દ્વારા ખોટા બહાના બતાવી બે - ત્રણ સીરીયસ કેસોલઈ જવાની ના પાડેલ હોવાની પણ ફરીયાદ કરાઈ છે.
રજૂઆતમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ૧૦૮ ઈમરજન્સી બોટ સેવા બેટ દ્વારકાના ઈમરજન્સી પેશન્ટને અનુલક્ષીને ચાલુ કરાઈ છે ત્યારે તેનો સાચો હેતુ ઠરે તે માટે તેને બેટ દ્વારકાની જેટી પર જ ઉપલબ્ધ રાખવી જોઈએ ત્યારે તેને બદલે ઓખા જેટી પર રાખવામાં આવે છે. જેથી આ બોટને કાયમી ધોરણે બેટ દ્વારકા ખાતે રખાય તેવી પણ માંગ કરી છે.