દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો આંકડો તેર સુધી પહોંચ્યો: 1888 લોકો કવોરોન્ટાઈન
જામ ખંભાળિયા, તા. 01 જુન 2020, સોમવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવાર સુધી કોરોનાના બાર કેસો નોંધાયા હતા. આ તમામ દર્દીઓ સાજા થઈ જતા તમને ડિસ્ચાર્જ કરાયા હોવાથી આ જિલ્લો કોરોના મુક્ત થયો હતો. પરંતુ શનિવારે અહીંના એક પ્રૌઢને કોરોનાનો પોઝીટીવ રિપોર્ટ આવતા હાલ દ્વારકા જિલ્લામાં નોંધાયેલા દર્દીઓની સંખ્યા તેર સુધી પહોંચી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આજ સુધી કોરોના અંગે કુલ 2028 વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 2012 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અન્ય જિલ્લાના એક મળી આજ સુધી કુલ તેરના રિપોર્ટ પોઝીટીવ હોવાનું જાહેર થયું છે.
દ્વારકા જિલ્લામાં અન્ય જિલ્લામાંથી વિદેશ પ્રવાસ મારફતે 570 તથા રાષ્ટ્રીય પ્રવાસ મારફતે 115 મળી 685 મુસાફરોનું રિપોર્ટિંગ કરાયું હતું. આ સાથે કવોરોન્ટાઈન કરાયેલા 8,446 વ્યક્તિઓનો ચૌદ દિવસનો ફોલો અપ પીરીયડ પૂર્ણ થઈ ચૂક્યો છે. જ્યારે હાલ 1739 વ્યક્તિઓને હોમ કવોરોન્ટાઈનમાં તથા સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં 149 વ્યક્તિઓ મળીએ 1888 વ્યક્તિઓને હાલ કવોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ વિસ્તાર એવા ખંભાળિયાના રામનાથ સોસાયટીમાં 45 વ્યક્તિઓ સાથેના દસ મકાનના વિસ્તારોમાં 125 વ્યક્તિને સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જ્યારે અગાઉના નાના આંબલા વિસ્તારમાંથી હાલ 26 વ્યક્તિઓ સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં છે.