For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કલ્યાણપુરના રાણ ગામે વંડા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ

Updated: Jan 9th, 2023

Article Content Image

બનાવના પગલે ગામમાં  પોલીસ બંદોબસ્ત  ગોઠવાયો ઘાયલોને સારવાર માટે જમનગર ખસેડાયા : બન્ને જૂથના મળી 24થી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ 20 જેટલા આરોપીઓની અટકાયત

જામખંભાળિયા, : કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ગત મોડી સાંજે વંડાની દીવાલ બાબતે બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં પથ્થર તથા લાકડીઓનો ઉપયોગ થયો હતો. આ પ્રકરણમાં બંને પક્ષે સામ-સામે કુલ આશરે અઢી ડઝનથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવના પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ પ્રકરણમાં કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મેઘાભાઈ પુંજાભાઈ વાઘેલા નામના 50 વર્ષના આધેડ દ્વારા આ જ ગામના નાનજીભાઈ પ્રેમજીભાઈ, માવાભાઈ હડિયલ, જેરામભાઈ રત્નાભાઈ, રણમલભાઈ ડાયાભાઈ, ચંદુભાઈ ઉકાભાઈ, મનજીભાઈ હરજીભાઈ, માવાભાઈ જેસાભાઈ, રૃડાભાઈ રત્નાભાઈ, હરજીભાઈ કેશાભાઈ, મોહનભાઈ નાથાભાઈ, કુરજીભાઈ જેરામભાઈ, કિશોરભાઈ જેસાભાઈ, કાળુભાઈ માધાભાઈ, છગનભાઈ પ્રેમજીભાઈ તથા અન્ય 10 થી 15 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી મેઘાભાઈની જમીન પર આરોપીઓએ ગેરકાયદેસર રીતે વંડા જેવું બાંધકામ કર્યું હોય, આ પ્રકરણમાં લાકડી તથા પથ્થર જેવા પ્રાણઘાતક હથિયારો સાથે ધસી આવેલા આરોપી શખ્સોએ સમાન ઈરાદો પાર પાડવા હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી મેઘાભાઈ વાઘેલા તથા અન્ય સાહેદોને ઈજાઓ થવા પામી હતી. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા ફરિયાદી તથા અન્ય સાહેદોને જ્ઞાાતિ પ્રત્યે અપમાનિત કરી તેઓની ઓરડીમાં તોડફોડ કર્યાનું પણ વધુમાં જાહેર થયું છે. આ પ્રકરણમાં પોલીસે આશરે બે ડઝન જેટલા શખ્સો સામે મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા ચલાવી રહ્યા છે.

જ્યારે સામા પક્ષે રાણ ગામના રહીશ સતવારા લાલાભાઈ શામજીભાઈ રાઠોડ (ઉ.વ. 39) દ્વારા મેઘાભાઈ પુંજાભાઈ, દુલાભાઈ પુંજાભાઈ, ભોજાભાઈ પુંજાભાઈ, રાણાભાઈ પુંજાભાઈ, અશોકભાઈ મેઘાભાઈ તથા અન્ય આશરે સાત જેટલા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી લાલાભાઈના સમાજનો ગેટ હોય, આ ગેટ મેઘાભાઈ પુંજાભાઈના પ્લોટમાં હોવાનું કહી, આ ગેટ તેઓને પસંદ ન હોવાથી ફરિયાદી લાલાભાઈ તથા અન્ય લોકો વંડામાં એકત્ર થયા હતા, ત્યારે આરોપી શખ્સોએ પથ્થરોના ઘા કરી ઈજાઓ કરી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

આ પ્રકરણમાં પણ પોલીસે ગુનો નોંધ્યો છે. જેની તપાસ પી.એસ.આઈ. સવસેટા ચલાવી રહ્યા છે. આ બનાવના અનુસંધાને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડી.વાય.એસ.પી. હાદક પ્રજાપતિ, એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બંને પક્ષે થયેલા આ ધીંગાણામાં મહિલાઓ સહિતના ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ખંભાળિયા બાદ જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા વીસ જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. બઘડાટીના આ બનાવે નાના એવા રાણ ગામમાં દોડધામ સાથે ભારે ચકચાર મચાવી દીધી હતી.

Gujarat