ખાણમાં ન્હાવા પડેલા પ્રૌઢ અને ત્રણ ભત્રીજાનાં ડૂબી જવાથી મોત
- ખંભાળિયામાં સર્જાઈ કરૂણાંતિકા
- તરતાં આવડતું ન્હોતું, આસપાસના લોકો બચાવે એ પહેલાં ગરક થઈ ગયા
ખંભાળિયા, તા. 25 જુલાઈ, 2020, શનિવાર
ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં બંધ ખાણમાં ભરેલા પાણીમાં નાહવા ગયેલા આ વિસ્તારના ભાણજીભાઈ મનજીભાઈ નકુમ નામના ૫૫ વર્ષના પ્રૌઢ અને તેમના ત્રણ ભત્રીજાઓ જયદીપ મુકેશભાઈ નકુમ (ઉ. વ. ૧૯), ગિરીશ મુકેશભાઈ નકુમ (ઉ. વ. ૧૬) તથા રાજ કિશોરભાઈ નકુમ (ઉ. વ. ૧૫)ના ડૂબી જવાના કારણે મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ખંભાળિયા શહેરથી આશરે છ કિલોમીટર દૂર ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ભાંભુડાની ધાર પાસે વર્ષો જૂની બંધ ખાણ આવેલી છે. આ વિશાળ ખાડામાં તાજેતરના વરસાદને કારણે આશરે ૧૫થી ૨૦ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. આ પાણીમાં આજે સાથે સવારે સાતેક વાગ્યાના સુમારે આ વિસ્તારના રહીશ અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ભાણજીભાઈ નકુમ તેમના ત્રણ ભત્રીજાઓ જયદીપ, ગિરીશ તથા રાજ સાથે નાહવા પડયા હતા. તરતા આવડતું ન હોવાથી ચારેય ડૂબવા લાગ્યા હતા. તેઓએ બહાર નીકળવા માટે જહેમત કરી હતી. પરંતુ દુર્ભાગ્યે આ ચારેય નિષ્ફળ જતા થોડી જ વારમાં પાણીમાં ગરક થઈ ગયા હતા.
આ બનાવ બનતા આસપાસના રહીશો દોડી ગયા હતા અને ડૂબી રહેલા આ પરિવારજનોને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. એટલું જ નહીં આ અંગે જામનગરના ડિઝાસ્ટર વિભાગને પણ માહિતગાર કરવામાં આવ્યો હતો. પરંતુ આ ચારેય પરિવારજનોના નિષ્પ્રાણ દેહ સાંપડયા હતા. આ બનાવ બનતા ધરમપુર વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ સ્ટાફે પણ ઘટના સ્થળે પહોંચી જઈ, જરૃરી કાર્યવાહી કરી હતી.
ફાયર ફાઈટર સાથે સ્ટાફ આ પાણી ભરેલા વિસ્તારમાં દોડી ગયો હતો અને લાંબી જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી, હોસ્પિટલે પહોંચાડયા હતા.આ કરૃણાંતિકા સર્જાતા ખંભાળિયાના સતવારા જ્ઞાાતિના અગ્રણીઓ સહિતના આગેવાનો- ગ્રામજનો આ સ્થળે દોડી ગયા હતા .
બે સગા ભાઈઓ સુરતથી પરત આવ્યા હતા
મૂળ ખંભાળિયાના વતની બે ભાઈઓ જયદીપ તથા ગીરીશ નકુમ છેલ્લા થોડાક સમયથી સુરત સ્થાયી થઈને બે માસ પૂર્વે ખંભાળિયા પરત આવ્યા હતા. ખેડૂત પરિવારના એક જ પરિવારના ચાર સભ્યો કાળનો કોળિયો બની જતાં આ સમગ્ર બનાવે શહેર ઉપરાંત સમગ્ર સતવારા સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.