દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના તમામ 10 શંકાસ્પદ કેસો નેગેટિવ: કુલ 449 લોકો ક્વોરોન્ટાઈનમાં
જામખંભાળિયા, તા. 28 માર્ચ 2020, રવિવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ શનિવાર સુધીમાં કુલ 10 કોરોનાના શંકાસ્પદ કેસો આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્ર સહિત સૌ કોઈએ રાહતની લાગણી અનુભવી છે. મીઠાપુરમાંથી ગઇકાલે શુક્રવારે એક કોરોનાના શંકાસ્પદ યુવાનને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ તેનો પણ નેટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી તંત્ર દ્વારા આજ સુધી કોરોના સંદર્ભે કુલ 514 વ્યક્તિઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી હાલ 363 જેટલી વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
જ્યારે સરકારી ક્વોરોન્ટાઈન રૂમમાં ચાર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સલાયા નજીકના દરિયામાં વિદેશથી બોટ મારફતે આવેલા 82 વ્યક્તિઓને બોટ ક્વોરોન્ટાઈન તરીકે રાખવામાં આવી છે. હોમ ક્વોરોન્ટાઈનનો ભંગ કરવા બદલ આજ સુધી કુલ ચાર શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે 14 દિવસના ફોલો અપ પૂર્ણ થતા 49 વ્યક્તિઓને રજા દેવામાં આવી છે.