જામખંભાળિયા, તા. 04 એપ્રીલ 2020, શનિવાર
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મુળ વતની અને હાલ ખંભાળિયામાં જલારામ મંદિર પાસે રહેતા કલ્યાણજીભાઈ પરસોત્તમભાઈ વોરિયા નામના આશરે 66 વર્ષના રાજગોર બ્રાહ્મણ વૃદ્ધને બીમારી હોય, તેઓની અમદાવાદ સિવિલ હોસ્પિટલની દવા ચાલુ હતી.
આ અંગેની વધુ સારવાર માટે ગત સાંજે કલ્યાણજીભાઈ પરસોતમભાઈ સાથે તેમના પત્ની અમૃતબેન (ઉં. વ. આશરે 60) તથા તેમના 45 વર્ષના પુત્ર ભરતભાઈ અહીંથી નીકળ્યા હતા. માર્ગમાં રાજકોટથી તેમના જમાઈ માધવભાઈ સવજીભાઈ પણ સાથે જોડાયા હતા.
ખંભાળીયાથી એક દંપતી, પુત્ર તથા જમાઈ અમદાવાદ માટે નીકળ્યા હતા. ત્યાં તેઓ ગતરાત્રીના આશરે સાડા અગિયારેક વાગ્યાના સુમારે લીંબડી- બગોદરા હાઈવે પર કાનપરા ગામના પાટિયા નજીક પહોંચ્યા ત્યારે માર્ગમાં એક બંધ પડેલા ટ્રકની સાઈડમાં આ કાર ધડાકાભેર અથડાઈ પડી હતી.
આ અકસ્માત સર્જાતા કારનો બુકડો બોલી ગયો હતો. જેના કારણે કલ્યાણજીભાઈ, તેમના પત્ની અમૃતબેન તથા પુત્ર ભરતભાઇના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે તેમના જમાઈ માધવકુમારને ગંભીર ઇજાઓ સાથે વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ટ્રકના ચાલક મધ્યપ્રદેશના સુમેરસિંહ આત્મારામ તથા ગોવિંદભાઈ કટારા પણ આ અકસ્માતનો ભોગ બનતા તેમની નાજુક પરિસ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેઓના પણ મૃત્યુ નિપજ્યાનું જાણવા મળેલ છે.


