FOLLOW US

ખંભાળિયા, દ્વારકા અને લાલપુરમાં ચોરી કરનાર તસ્કર ગેંગ પકડાઇ

Updated: Mar 25th, 2023


પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલાયો છ શખ્સોને સકંજામાં લઇને પૂછતાછ કરતા ચાર સ્થળોએ ચોરી કર્યાની કબૂલાત, રૂા. 1.68 લાખનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી

ખંભાળીયા, : ખંભાળિયા તથા દ્વારકા સહિતના વિસ્તારોમાં થોડા સમય પૂર્વે પવનચક્કીના ટાવરમાંથી અર્થિંગ કોપર વાયર તેમજ ઓઇલ ચોરી સંદર્ભના જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલી ચીટર ગેંગને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે પકડી પાડી છે. જેમાં છ શખ્સોએ ચાર સ્થળોએ ચોરી કર્યાની કબૂલાત આપી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી પોલીસ દ્વારા જિલ્લામાં નોંધાયેલા જુદા-જુદા ચોરી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે કરવામાં આવેલી કાર્યવાહીમાં એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ બનાવવામાં આવેલી જુદીજુદી ટીમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તેમજ જામનગર જિલ્લામાં આવેલા પવનચક્કીના ટાવરોમાંથી અથગના કોપર વાયરની ચોરીના છેલ્લા એકાદ માસથી અનેક બનાવો નોંધાયા હતા.

કોપર વાયરની ચોરીના આ આતંક સામે એલ.સી.બી.ના પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત જુદા જુદા વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, પોકેટ કોપ, ઈ- ગુજકોપ તથા અન્ય સોફ્ટવેર અને એપ્લિકેશન મારફતે ચોરી પ્રકરણમાં અગાઉ પકડાયેલા રીઢા ગુનેગારોની માહિતી એકત્ર કરી, આ અંગેના અંકોડા મેળવી કરવામાં આવેલી કામગીરી અંતર્ગત પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખંભાળિયા તથા વાડીનાર વિસ્તારમાંથી કુલ છ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

જેમાં ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામના મૂળ રહીશ અને હાલ વાડીનાર ધાર ખાતે રહેતા નવાજ જુમા દેથા (ઉ.વ. 27), આ જ ગામના રફીક ઉર્ફે રફલો અયુબ કાસમ સુંભણીયા (ઉ.વ. 35), વાડીનારના ઈકબાલ મુસા કાસમ સુંભણીયા (ઉ.વ. 28), જામનગર તાલુકાના સિક્કા ગામના હારૂન ઉર્ફે કારા જુનસ જેડા (ઉ.વ. 18), હાલ વાડીનાર ગામે રહેતા કાંતિલાલ ઉર્ફે રાજુ પરબત માંગરીયા (મૂળ રહે. મોટી મારડ, તા. ધોરાજી, ઉ.વ. 32) અને પીર લાખાસરનો આમીન સુલેમાન ખફી (ઉ.વ. 43) નામના છ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં અન્ય એક આરોપી એવા વાડીનાર ગામના મહેબૂબ ઉર્ફે ડાડીયોનું નામ પણ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 1,23,196ની કિંમતનો 274 કિલોગ્રામ કોપર વાયર, રૂા. 8,000ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન, રૂા.  12,810 રોકડા, રૂા. 1750ની કિંમતનું ઓઇલ જેવું પ્રવાહી, ઈલેક્ટ્રીક વજન કાંટો, રૂપિયા 20,000નું એક મોટરસાયકલ સહિતનો કુલ રૂપિયા 1,68,856ની કિંમતનો જુદો જુદો મુદ્દામાલ પણ કબજે લીધો છે. હાલ પોલીસને ખંભાળિયા, દ્વારકા તથા લાલપુરના બે ગુના મળી કુલ આ વર્ષમાં નોંધાયેલા કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે.

પવનચક્કીનાં વોચમેનની શિફ્ટ બદલે ત્યારે કરતા હાથફેરો

અગાઉ ઝડપાયેલો આરોપી નવાઝ જુમા મિલકત સંબંધી તથા અન્ય ગુનાઓમાં રીઢો આરોપી હોય, તે અહીંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોવાથી ખાસ કરીને પવનચક્કી વિસ્તારમાં રેકી કરીને રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન વોચમેનની સીફ્ટ બદલવાના સમયે પરિસ્થિતિનો લાભ લઈ અને પોતાની ટોળકીના માણસો સાથે મળી અને ચોરીના બનાવને અંજામ આપતો હતો. આ શખ્સોનો કબજો હાલ ખંભાળિયા પોલીસને સોંપી અને રિમાન્ડ સહિતની કામગીરી કરવામાં આવી હતી. 


Gujarat
IPL-2023
Magazines