Get The App

કલ્યાણપુરના જામગઢકા ગામેથી બાંગ્લાદેશી યુવાન ઝડપાયો, પાસપોર્ટ કે વિઝા વગર ઘૂસણખોરીથી ભારત આવ્યો હતો

Updated: May 6th, 2020

GS TEAM

Google News
Google News
કલ્યાણપુરના જામગઢકા ગામેથી બાંગ્લાદેશી યુવાન ઝડપાયો, પાસપોર્ટ કે વિઝા વગર ઘૂસણખોરીથી ભારત આવ્યો હતો 1 - image


જામ ખંભાળિયા, તા. 6 મે 2020 બુધવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાબેના જામગઢકા ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી આવીને રહેતા મૂળ બાંગ્લાદેશી યુવાનને સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો. આ યુવાન કોઈપણ પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં ઘૂસણખોરી કરી અને ગઢકા ગામની સીમમાં સ્થાયી થઈને રહેતો હોવાનું જાહેર થયું છે.

આ અંગે કલ્યાણપુર પોલીસ મથકના જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે બાર કિલોમીટર દૂર આવેલા જામગઢકા ગામની સીમમાંથી પસાર થતાં રાજકોટથી ઓખા તરફના રેલવે ટ્રેક ઉપર એક આસામીના ખેતરના શેઢે આવીને છેલ્લા આશરે અઢી માસના સમયગાળાથી એક અજાણ્યો શખ્શ રહેતો હોવાનું સ્થાનિક પોલીસના ધ્યાને આવ્યું હતું.

આથી આ સ્થળે પોલીસે જઈને તેની પૂછપરછ કરતા આ યુવાન બાંગ્લાદેશના ઢાકા વિસ્તારનો અને મૂળ બાંગ્લાદેશના ગાયબંદા જિલ્લાના બામૂડ ડાંગા પોલીસ મથકના વિસ્તારનો રહેવાસી એવો શાહજનમિયા ઉર્ફે મહંમદ સમ્રાટ અબ્દુલ મજીદ નામનો 25 વર્ષનો મુસ્લિમ યુવાન હોવાનું જાહેર કર્યું હતું.

આ યુવાન બાંગ્લાદેશી કોઈપણ રીતે ભારતમાં ગેરકાયદેસર રીતે આવી, આધાર પુરાવા, પાસપોર્ટ કે વિઝા વગર ઘુસણખોરી કરી, અહીં રહીને એક ચાની હોટલમાં મજૂરીકામ કરતો હોવાનું વધુમાં ખુલવા પામ્યું છે.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે બાંગ્લાદેશ યુવાન શાહજનમિયા ઉર્ફે મહંમદ સમ્રાટ સામે ફોરેનર્સ એક્ટ કલમ 14(એ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Tags :