Updated: Mar 20th, 2023
ગોધરાના નરસીપુરથી એક મહિને દ્વારકા પહોંચ્યા કોરોનામાં મૃત્યુ પામેલા માનવો, લમ્પીગ્રસ્ત ગાયોના મોક્ષાર્થે પદયાત્રા કરી, હવે ઊલટા પગે સોમનાથ જશે
દ્વારકા, : કહેવાય છે કે જેને શ્રદ્ધા હોય એને પુરાવાની જરૂરત નથી. ગોધરા તાલુકાના નરસીપુર ગામથી એક માસ પહેલા ઊલટા પગે ચાલી પદયાત્રા શરૂ કરીે એક શ્રદ્ધાળુ ભાવિકે યાત્રાધામ દ્વારકામાં આજે પહોચી દ્વારકાધીશના દર્શન કરી ધ્વજારોહણ કર્યું હતુું.આ પદયાત્રાનો હેતુ કોરોનામાં મૃત્યુ પામેલા લોકો અને લમ્પી રોગના કારણે મૃત્યુ પામેલી ગાયોના આત્માના મોક્ષાર્થે કરવામાં આવી હતી.
વિશેષ વિગત મુજબ ગોધરાના ચારણ વાલા લાખા ગઢવીએ સમગ્ર ભારતવાસીઓના કલ્યાણ માટે અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકો અને લમ્પી રોગના કારણે મૃત્યુ પામેલી ગાયોના આત્માના મોક્ષાર્થે નરસીપુરથી દ્વારકા સુધીની પદયાત્રા ઉલટા પગે ચાલુ કરી હતી. આ પદયાત્રા કુલ ૬૨૫ કિલોમિટરની થાય છે. જે આજે પુરી થતા દ્વારકા આવી પહોંચ્યા હતા. એક માસ અને બે દિવસની પદયાત્રા બાદ તેણે ગોમતી નદીમાં સ્નાન કરી છપ્પન સીડી ચડીને મંદીરે પહોંચ્યા હતા. દ્વારકાધીશના શિખર પર ધ્વજારોહણ કરી દર્શન કર્યા હતા. હજુ આ પદયાત્રા અહી પુરી નથી થવાની , એ હવે અહીથી ઊલટા પગે ચાલીને સોમનાથ જશે અને ત્યા પણ દર્શન કરશે. આમ આ પદયાત્રા કુલ 850 કિલોમિટરની થશે. પદયાત્રાના રૂટમાં સુરેન્દ્રનગરના અને રાજકોટના સેવકો એમને સાથ આપી રહ્યા છે. એક વૃદ્ધ તો એમની યાત્રામાં પણ જોડાયા છે.