સૌરાષ્ટ્રના પહેલેથી ગ્રીન ઝોન દ્વારકામાં કોરોનાના 2 કેસો !
- દોઢ મહિના કોરોનામુક્ત રહ્યા બાદ પ્રથમવાર કેસોથી દોડધામ
- તા.૪થી ૧૭ કોરોના રોકવા લોકોના સ્વયંશિસ્તની થશે કસોટી
જામનગરમાં રેકોર્ડબ્રેક ૪૧૧,રાજકોટમાં ૧૧૩ સેમ્પલ નેગેટીવ
રાજકોટ, તા. 2 મે, 2020, શનિવાર
સૌરાષ્ટ્રમાં પહેલેથી જ કોરોનામુક્ત રહેલા જગપ્રસિધ્ધ યાત્રાધામ દેવભુમિ દ્વારકા જિલ્લામાં આજે પ્રથમવાર કોરોનાના બે પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી છે. આજે જાહેર થયા મૂજબ સૌરાષ્ટ્રના પાંચ પૈકી આ જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરાયો હતો ત્યારે રાજસ્થાનથી બેટ દ્વારકા આવેલા ૪૦ વર્ષીય પુરુષ અને ૨૮ વર્ષની મહિલાને કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની વધતી-ઘટતી સંખ્યા મૂજબ ઝોન નક્કી કરાયા છે અને આજ બપોર સુધી અમરેલી, જુનાગઢ અને દ્વારકામાં એક પણ કેસ નહીં નોંધાતા અને પોરબંદર,મોરબીમાં નવા કેસ નહીં નોંધાતા તે ગ્રીન ઝોન રહ્યા હતા પરંતુ, હવે તેમાં ફેરફાર થશે કે કેમ તે માટે હવે કોરોના કેવો તરખાટ મચાવે છે તેના પર નજર રહેશે. ઉલ્લેખનીય છે કે માત્ર ગ્રીન ઝોનમાં જ એસ.ટી.બસો આંતરિક અને પચાસ ટકા મુસાફરોથી ચલાવવા મંજુરી અપાઈ છે ત્યારે હવે એસ.ટી.તંત્ર શુ નિર્ણય લેશે તે સવાલ પણ સર્જાયો છે.
સૌરાષ્ટ્રમાં પહેલેથી જ સરકારી તંત્ર દ્વારા સેમ્પલીંગ ઓછુ કરાયું છે અને માસ સેમ્પલીંગ પછી જ કોરોનાની સ્થિતિ કંઈક ક્લીયર થાય તેમ છે. આજે જામનગરમાં સવારે રેકોર્ડબ્રેક ૪૧૧ નમુના લેવાયા હતા અને તે તમામના રિપોર્ટ સાંજે નેગેટીવ જાહેર કરાયા હતા. જામનગર શહેર ઉપરાંત લાલપુર, જામજોધપુર, સિક્કા, પોરબંદર, મોરબી વગેરેમાંથી સેમ્પલ લેવાયા છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
રાજકોટમાં ક્વોરન્ટાઈન સેન્ટરમાં જંગલેશ્વરના સામાજિક કાર્યકર મુન્નાબાપુ સહિત ૩૦ વ્યક્તિઓ સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને રજા અપાયાનું મનપાએ જણાવ્યું છે. સમરસ હોસ્ટેલ ખાતેના આ સેન્ટરમાંથી કૂલ ૧૧૨ને રજૂ અપાઈ છે અને હવે માત્ર ૧૭ લોકો ત્યાં છે જેમના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેઓને તા.૯ સુધીમાં રજા અપાશે. આજે રાજકોટ શહેર જિલ્લાના ૧૧૩ સેમ્પલ લેવાયા હતા જેના રિપોર્ટ નેગેટીવ આવ્યાનું જાહેર કરાયું છે. આરોગ્યતંત્ર દ્વારા રાજકોટના તાલુકાઓમાંથી પણ ૨૦૮ નમુના લીધા છે.
એકંદરે સૌરાષ્ટ્રમાં કોરોનાનો ફેલાવો અટક્યો છે કે કેસો હજુ પુરતા બહાર નથી આવ્યા તે સવાલ છે ત્યારે મહત્તમ સેમ્પલીંગ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. આ સ્થિતિમાં સોમવાર તા.૪ મેથી લોકડાઉન-૩ શરુ થાય છે જેમાં અનેક છૂટછાટો અપાઈ છે તે છૂટછાટો લોકોએ બને ત્યાં સુધી ઉપયોગ નહીં કરવાનું વલણ રાખીને સ્વયંશિસ્ત રાખીને કોરોનાનો કપરો કાળ પસાર કરી આ કસોટીમાંથી પાર ઉતરે તે જરૂરી મનાય છે.