FOLLOW US

ઓખાના દરિયામાંથી ઝડપાયેલા 10 પાકિસ્તાનીઓને અમદાવાદ લઇ જવાયા

Updated: Dec 30th, 2022


વિવિધ એજન્સીઓ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાશે : 12 દિવસના રિમાન્ડ મંજૂર થતા ઘનિષ્ઠ પૂછપરછઃ ક્યાં ડ્રગ્સની ડિલેવરી આપવાની હતી તે અંગે તપાસ

ખંભાળીયા, : ઓખાના દરિયામાંથી ઝડપાયેલા 10 પાકિસ્તાનીઓને વધુ પૂછતાછ માટે અમદાવાદ લઈ જવાયા છે. 280 કરોડના ડ્રગ્સ, 6 પિસ્તોલ, મેગેનીઝ, કારતૂસ સહિતના હથિયારોના જથ્થા સાથે ઝડપાયેલા. આ શખ્સોને સ્થાનિક અદાલતમાં રજૂ કરાતા 12 દિવસના રિમાન્ડ મંજૂર થતા તમામની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઇ છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના ઓખાના મધદરિયેથી આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી પાકિસ્તાનના કરાચીમાં રજીસ્ટ્રેશન ધરાવતી અલ સોહેલી બોટમાં એટીએસ તથા ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન બલુચિસ્તાન વિસ્તારના 10 નાગરિકોને ઝડપી લઇ, ઉપરોક્ત બોટમાંથી રૂપિયા 280 કરોડ જેટલી કિંમતનું ડ્રગ્સ તથા છ પિસ્તોલ, મેગેઝીન, કારતુસ જેવા ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા ઝડપાયેલા શખ્સોને ઓખા લાવી, બે દિવસ પૂર્વે સ્થાનિક અદાલતમાં રજૂ કરીને 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ અધિકારીઓએ રિમાન્ડ મેળવીને ઝડપાયેલા તમામ 10 શખ્સોની વધુ ઊંડી પૂછપરછ માટે અમદાવાદ તરફ લઈ જવામાં આવ્યા છે. જ્યાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવશે.

પાકિસ્તાનથી લાવવામાં આવેલો ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ ગુજરાતમાં જ ઉતારવાનો હોય, ત્યાં કયા શખ્સને અહીંના દરિયાકાંઠે આ મુદ્દામાલની ડીલેવરી આપવાની હતી તેમજ આ અંગેના મોબાઇલ નેટવર્ક માટે પણ એટીએસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે માછીમારી બોટમાં માછીમારના સ્વાંગમાં માલ-સામાન લઈ જવાતો હોય છે. તેના બદલે આ 10 પાકિસ્તાની નાગરિકો છ આધુનિક પિસ્તોલ તથા કારતુસો લઈને હેરાફેરી કરવા માટે નીકળ્યાની આ નવી બાબત પણ ચર્ચાપાત્ર બની છે. આ સમગ્ર ઓપરેશન તથા કાર્યવાહી માટે એટીએસ સહિતના અધિકારીઓ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ ચલાવવામાં આવી રહી છે.

Gujarat
IPL-2023
Magazines