Delhi ni Vaat

ભાજપએ શા માટે અકાલી દળ સાથે ગઠબંધન કરવું પડયું?

By GS Team
25 Nov 20265 mins read
TukuTouch Logo
પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને શિરોમણી અકાલી દળનું ગઠબંધન થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સુખબીર સિંહ બાદલે દિલ્હીમાં જાહેરાત કરી. 6 વર્ષ પછી સાથે આવેલા આ પક્ષોમાં અકાલી દળ મોટા ભાઈની ભૂમિકામાં રહેશે અને જીત પછી તેમના નેતા જ મુખ્યમંત્રી બનશે. આ ગઠબંધન AAP અને કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપએ શા માટે અકાલી દળ સાથે ગઠબંધન કરવું પડયું?

નવીદિલ્હી : પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને શીરોમણી અકાલી દળએ ગઠબંધન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલએ ગઠબંધનની જાહેરાત દિલ્હી ભાજપની ઓફિસમાંથી કરી હતી. છેલ્લા ઘણા વખતથી બંને વચ્ચે ગઠબંધનની વાતો ચાલતી હતી, પરંતુ છેવટનો નિર્ણય લેવાતો નહોતો. પંજાબમાં ભાજપ એકલે હાથે કદી જીતી શકે નહીં. બીજી તરફ પંજાબમાં હંમેશા શીખ મુખ્યમંત્રી રહ્યા છે. ભાજપ પાસે એવો કોઈ શીખ ચહેરો નહોતો કે જેને મુખ્યમંત્રી તરીકે જાહેર કરી શકે. ભાજપ અને અકાલી દળ છ વર્ષ પછી સાથે આવ્યા છે. અમિત શાહે જાહેર કર્યું છે કે અકાલી દળ મોટા ભાઈની ભૂમિકામાં રહેશે. ચૂંટણી જીત્યા પછી અકાલી દળના નેતા જ મુખ્યમંત્રી બનશે. બંને પક્ષો ભેગા મળીને પંજાબમાં ત્રણ વખત સરકાર બનાવી ચૂક્યા છે. કૃષિ સુધારા કાયદાઓને લઈને સપ્ટેમ્બર ૨૦૨૦માં ૨૪ વર્ષબાદ બંનેનું ગઠબંધન તૂટી ગયું હતું. આપ અને કોંગ્રેસને સત્તાથી દુર રાખવા માટે ભાજપે અકાલી દળ સાથે ગઠબંધન કર્યું છે.
પશ્ચિમ બંગાળનું નામ બદલવા માટે ૯મી ડિસેમ્બરે વિધાનસભામાં પ્રસ્તાવ મૂકાશે
પશ્ચિમ બંગાળની ભાજપ સરકાર રાજ્યનું નામ બદલીને 'પશ્ચિમ બંગા' કરવા માંગે છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના જણાવ્યા પ્રમાણે નામ બદલવાનો પ્રસ્તાવ ૯મી ડિસેમ્બરે વિધાનસભામાં રજૂ થશે. પ્રસ્તાવ પસાર થયા પછી કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે જ્યાં નામ બદલવાની સંસદીય અને કાયદાકીય પ્રક્રિયા પૂરી થશે. અંગ્રેજીમાં પણ રાજ્યનું નામ 'વેસ્ટ બંગાળ'ને બદલે 'પશ્ચિમ બંગા' રહેશે. પશ્ચિમ બંગાળની રચનાનો ઇતિહાસ ૨૦ જૂન ૧૯૪૭ સાથે જોડાયેલો છે અને નવા નામથી ઇતિહાસને માન્યતા આપવામાં આવશે. ઘણા લાંબા સમયથી ભાજપ 'પશ્ચિમ બંગા' નામને રાજ્યની રચના અને વિભાજનના ઇતિહાસ સાથે જોડી રહ્યો છે. ૧૯૪૭માં બંગાળના વિભાજન પછી પૂર્વ વિભાગને પૂર્વ બંગાળ, જે હવે બાંગ્લાદેશ છે કહેવામાં આવ્યું હતું.
પંજાબમાં આપએ ચૂંટણીનો શંખનાદ ફૂંકયો
પંજાબમાં ૨૦૨૭ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની વચ્ચે આમ આદમી પાર્ટી ૨૬ નવેમ્બરે પોતાના ૧૪મા સ્થાપના દિવસ પર મોઘા ખાતે શક્તિ પ્રદર્શન કરશે. પક્ષે આ મોકા પર એક મોટી રેલીનું આયોજન કર્યું છે. અત્યાર સુધી જાહેર કરવામાં આવેલા વિધાનસભાની ચૂંટણીના તમામ એટલે કે ૭૧ ઉમેદવારો આ રેલીમાં હાજર રહેશે. મુખ્યમંત્રી ભંગવત સિંહ માન અને પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આ મંચ પર હાજર રહેશે. પ્રદેશના રાજકારણમાં પહેલી વખત આપે જાહેર કરેલા ૭૧ ઉમેદવારો રાષ્ટ્રીય અને પ્રદર્શના નેતૃત્વ સાથે દેખાશે. આ સિવાય આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો પણ રેલીમાં હાજર રહેશે. આ રેલી માટે મોઘાને પસંદ કરવા માટે પણ રાજકીય કારણ છે. માલવાની વચ્ચે આવેલું મોઘા પહેલેથી જ મોટી રાજકીય રેલીઓનું કેન્દ્ર રહ્યું છે.
બાબા રામદેવને બાબા બાગેશ્વર સાથે શું વાંકુ પડયું?
ઉત્તર પ્રદેશના દબગ રાજકારણી રાજા ભૈયાએ કુંડા ખાતે કથાકાર ધિરેન્દ્ર શાસ્ત્રીની રામકથાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ભારે સફળ રહ્યો હતો. જોકે આ કાર્યક્રમની સફળતા યોગગુરુ રામદેવને ગમી લાગતી નથી. બાબા રામદેવે કડવાશથી કહ્યું હતું કે, આવા લોકો પાંખડનો સહારો લઈને લોકોમાં ભ્રમ ફેલાવે છે. એમનાથી દુર રહેવું જોઈએ. બાબા બાગેશ્વરએ મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન ભગવાન રામ અને કૃષ્ણની સરખામણી કરવાથી મોટો વિવાદ થયો હતો. એ વખતે પણ બાબા રામદેવે બાબા બાગેશ્વર વિરુદ્ધ નિવેદન કર્યું હતું. એ વખતે બાબા રામદેવે એવી ટીકા કરી હતી કે, 'કેટલાક લોકોએ વેદ, પુરાણ, રામાયણ કે મહાભારત વાંચ્યા નથી. એમને લોકશાહી કે બંધારણ વિશે પણ ખબર નથી. ગમે ત્યાંથી બકવાસ કર્યા કરે છે. જોકે બાબા બાગેશ્વરે બાબા રામદેવની ટીકાનો કોઈ જવાબ હજી સુધી આપ્યો નથી.'
લંડન જતા રોકવાથી સૌરવ દાસે બળાપો કાઢ્યો
કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતા સૌરવ દાસે એવો આક્ષેપ કર્ર્યો છે કે, એમને લંડન જતા રોકવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને એમણે એવો દાવો કર્યો છે કે તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા જવાના હતા, પરંતુ દિલ્હી એરપોર્ટ પર ઇમીગ્રેશન કાઉન્ટર પર એમને અટકાવવામાં આવ્યા હતા. જોકે સત્તાવાર મળેલી જાણકારી પ્રમાણે સૌરવ દાસને ઓક્સફર્ડ યુનિવર્સિટી નહીં પરંતુ ઓક્સફર્ડ યુનિયનમાં ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ચર્ચા પહેલી ડિસેમ્બરે યોજાવાની છે. સૌરવ દાસને કોકરોચ મૂવમેન્ટ માટે બોલવાનું કહેવામાં આવ્યું હતું. સૌરવ દાસને રોકવામાં આવવાથી સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ સરકારની ટીકા કરીને કહ્યું હતું કે લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
મોહમદ યુનુસ બાંગ્લાદેશમાં ફરીથી આગ ભડકાવી રહ્યા છે
બાંગ્લાદેશમાં જેન ઝીને ઉશ્કેરીને હિંસા ફેલાવી શેખ હસીનાને સત્તા ભ્રષ્ટ કરનાર મોહમદ યુનુસ હવે પોતે તકલીફમાં મૂકાઈ ગયા છે. શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરવા માંગતા હોવાથી બાંગ્લાદેશમાં તણાવ છે. આ પરિસ્થિતિમાં મોહમદ યુનુસ, શેખ હસીનાના પક્ષ આવામી લીગ વિરુદ્ધ આંદોલન કરવાના છે. મળતી માહિતી પ્રમાણે મોહમદ યુનુસએ કેટલાક કલાકો માટે બાંગલાદેશની યાત્રાઓ કરી હતી. એ વખતે એમણે એનસીપીના નેતા નાહિદ ઇસ્લામ અને આસીફ મહેમુદ સાથે મીટીંગ કરી હતી. આ પક્ષ ૨૦૨૪માં હસીના વિરોધી આંદોલન કરનાર વિદ્યાર્થીઓએ બનાવ્યો છે. યુનુસ સાથેની મીટીંગ પછી આ નેતાઓએ વડાપ્રધાન તારીક રહેમાન સાથે મીટીંગ કરી હતી. શેખ હસીનાની પરત ફરવાની યોજના વચ્ચે તારીક રહેમાન વિરોધ પક્ષો સાથે વાતચીત કરી રહ્યા છે. બાંગ્લાદેશના જમાત-એ-ઇસ્લામીના પ્રતિનિધિઓ સાથે પણ બધા ભેગા મળવાના છે.
કેરલમમાં માતા-પિતાની ઉપેક્ષા કરનારને ત્રણ વર્ષની જેલ થશે
કેરલમના મુખ્યમંત્રી વીડી સતિષનએ જાહેરાત કરી છે કે માતા-પિતાની સંપત્તિ લીધા પછી એમની ઉપેક્ષા કે એમની સાથે દુરવ્યવહાર કરનાર સંતાનોને ત્રણ વર્ષની સજા થશે. રાજ્ય વિધાનસભામાં સિનિયર સીટીઝન્સની સારસંભાળ અને સુરક્ષા માટે બીલ પસાર કરવામાં આવ્યું છે. આ બીલ ઓક્ટોબર મહિનામાં પસાર થયું હતું. મુખ્યમંત્રી પથાનાપુરમના ગાંધી ભવન ખાતે વૃદ્ધ પુરુષો માટે બનાવવામાં આવેલા રહેઠાણોનું ઉદઘાટન કરી રહ્યા હતા. એ વખતે એમણે આ માહિતી આપી હતી. વૃદ્ધો માટેના આ રહેઠાણનું નામ પિતૃ મંદિરમ છે. દેશના બીજા રાજ્યો કરતા કેરલમના મુખ્યમંત્રી વૃદ્ધોની તકલીફો વધુ સારી રીતે સમજી શકે છે. સત્તામાં આવ્યા પછી કેરલમ સરકારે સૌથી પહેલો નિર્ણય વૃદ્ધો માટે અલગ વિભાગ બનાવવાનો લીધો હતો.