For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : મોદીનો ઓલિમ્પિક્સમાં 10 મેડલનો વીડિયો વાયરલ

Updated: Aug 1st, 2021

Article Content Image

નવીદિલ્હી : ભારતનો ઓલિમ્પિક્સમાં દેખાવ રાબેતા મુજબ બહુ સાધારણ અને સ્પષ્ટ કહીએ તો શરમજનક છે. ઓલિમ્પિક્સ અડધો પતી ગયો. ભારતે અત્યાર સુધીમાં મીરાબાઈ ચાનુના સિલ્વર મેડલ સિવાય બીજો મેડલ જીત્યો નથી ત્યારે નરેન્દ્ર મોદીનો ૨૦૧૨નો જૂનો વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં મોદી કહે છે કે, ઓલિમ્પિક્સ થાય ત્યારે બધે ચર્ચા થાય છે કે આટલો મોટો દેશ હોવા છતાં એક પણ ગોલ્ડ મેડલ ન મળ્યો. મારો સવાલ છે કે, કદી પણ આપણે આ વાતને આપણી શિક્ષણ પધ્ધતિ સાથે જોડી ? યુવાઓને તક આપી ? શું ૧૨૦ કરોડનો દેશ મેડલ ના જીતી શકે ? આપણા લશ્કરના જવાનોને આ કામ સોંપાય, નવા ભરતી થતા અને સ્પોર્ટ્સમાં રસ ધરાવતા જવાનોને ટ્રેઈનિંગ અપાય તો ૫-૧૦ મેડલ તો આપણા જવાનો જ લાવી આપે.

લોકો સવાલ કરી રહ્યા છે કે, મોદીજી તમને ૯ વર્ષ પહેલાં ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાની ફોર્મ્યુલા ખબર હતી તો તમારા શાસનમાં સાત વર્ષમાં આવેલા બે ઓલિમ્પિક્સમાં તેનો અમલ કેમ ના કર્યો ?

કર્ણાટકમાં ડખો, શેટ્ટર મંત્રી બનવા તૈયાર નહીં

કર્ણાટકમાં ભાજપે બસવરાજ બોમ્માઈને મુખ્યમંત્રીપદે બેસાડયા તેનાથી નારાજ જગદીશ શેટ્ટીગરે બોમ્માઈ મંત્રીમંડળમાં સામેલ નહીં થવાનું એલાન કર્યું છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શેટ્ટર યેદુરપ્પા સરકારમાં ભારે અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયના મંત્રી હતા. યેદુરપ્પાની વિદાય પછી શેટ્ટર મુખ્યમંત્રીપદના દાવેદાર હતા પણ ભાજપ હાઈકમાન્ડે તેમની અવગણના કરીને બોમ્માઈને ગાદી પર બેસાડતાં શેટ્ટર બગડયા છે.

શેટ્ટરે જાહેરમાં કહ્યું છે કે, હું ભૂતપૂર્વ મુખ્યમંત્રી હોવા છતાં યેદુરપ્પા સરકારમાં મંત્રી બનેલો કેમ કે યેદુરપ્પા કર્ણાટકમાં ભાજપના સૌથી મોટા નેતા છે તેથી તેમના હાથ નીચે કામ કરવામાં મને મૂંઝવણ નહોતી થઈ. હવે હું સીનિયર છું અને બોમ્માઈ જુનિયર છે તેથી હું તેમના હાથ નીચે કામ ના કરી શકું.

બોમ્માઈએ શેટ્ટરને મળીને મંત્રીમંડળમાં સામેલ થવા સમજાવ્યા પણ શેટ્ટર તૈયાર નથી. બોમ્માઈએ જૂની મિત્રતાની યાદ અપાવી છતાં શેટ્ટર ટસના મસ ના થયા. શનિવારે બોમ્માઈએ નરેન્દ્ર મોદી સમક્ષ પણ શેટ્ટર મુદ્દે રજૂઆત કરી હતી. મોદી અમિત શાહ અથવા નડ્ડાને શેટ્ટરને સમજાવવા કહેશે એવો સૂત્રોનો દાવો છે.

ભાજપના બે મુખ્યમંત્રી શાહને ઘોળીને પી ગયા

સરકાર માટે આસામ-મિઝોરમ સરહદ વિવાદ માથાનો દુઃખાવો બની ગયો છે અને ભાજપ શાસિત બે રાજ્યો સામસામે આવી જતાં ભાજપના રાષ્ટ્રવાદના દાવાના ચીંથરે ચીંથરા થઈ ગયાં છે. અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓને ખખડાવીને સંયમથી વર્તવા કહ્યું હતું પણ બંને મુખ્યમંત્રી શાહને ઘોળીને પી ગયા છે.

શાહની સૂચના છતાં બંને રાજ્યે એફઆઈઆર નોંધીને એકબીજાના ઉચ્ચ પોલીસ અધિકારીને આરોપી બતાવી દીધા છે. મિઝોરમે તો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાને આરોપી બનાવીને ફરિયાદ નોંધાવતાં આસામ ભાજપના ધારાસભ્યો આક્રમક મૂડમાં છે.

ધારાસભ્ય કૌશિક રાયે તો વીડિયો બહાર પાડીને ધમકી આપી છે કે, અમે પોલીસ કે સરકાર કોઈની વાત સાંભળવાના નથી ને આસામીઓના મોતનો બદલો લઈશું. અમે આર્થિક નાકાબંધી પણ કરી દઈશું ને મિઝોરમ ભૂખે મરી જશે. સામે મિઝોરમના નાગરિક પુરવઠા મંત્રી કે, લાલરિનરિયાલાએ આસામને આર્થિક નાકાબંધી કરવા પડકાર ફેંકીને હુંકાર કર્યો છે કે, મિઝોરમમાં કોઈ વસ્તુની તંગી નહીં સર્જાય કેમ કે અમે મણિપુર અને ત્રિપુરાથી જીવનજરૂરી ચીજોની વ્યવસ્થા કરી છે.

મમતા પક્ષપલટુ મોંડલને મળ્યાં પણ નહીં

લોકસભાનું સભ્યપદ ગુમાવવાના ડરે ફફડી ગયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુનિલ મોંડલ તૃણમૂલ કોંગ્રેસમાં પાછા આવવા રઘવાયા થઈ ગયા છે. તૃણમૂલે મોંડલ અને શુભેન્દુના પિતા શિશિરને સાંસદપદેથી ગેરલાયક ઠેરવવા અરજી કરી છે. સ્પીકરે શુક્રવાર સુધીમાં જવાબ આપવા મોંડલને નોટિસ ફટકારી હતી. મોંડલ ૨૦૨૦ના ડીસેમ્બરમાં શુભેન્દુ અધિકારી સાથે ભાજપમાં જોડાયા હતા.

મમતાની દિલ્હી યાત્રા દરમિયાન મોંડલે મમતાને મળવા વારંવાર પ્રયત્ન કર્યો પણ મમતાએ ઘસીને ના પાડી દીધી હતી. મમતાના મનાવવા મોંડલે મુકુલ રોયને પણ આજીજી કરી હતી. ગુરૂવારે તો મોંડલ એક જ દિવસમાં ત્રણ વાર મુકુલ રોયને મળવા તેમના ઘરે ગયા હતા. રોયે પણ મમતાને વાત કરી પણ મમતાએ રસ જ ના બતાવ્યો.

છેલ્લા ઉપાય તરીકે મમતા શુક્રવારે સાંજે કોલકાત્તા જવા રવાના થયાં ત્યારે મોંડલ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. મમતાના આગમનની રાહ જોઈને કલાક લગી મોંડલ ઉભા રહ્યા પણ મમતા તેમના પર નજર નાંખ્યા વિના જતાં રહેતાં મોંડલે ભોંઠા થઈને પાછા જવું પડયું.

અસ્થાના મુદ્દે મોદી-શાહે પીછેહઠ કરવી પડશે ?

રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નરપદે નિમવાના મુદ્દે નરેન્દ્ર મોદી અને અમિત શાહે પીછેહઠ કરવી પડે એવા સંકેત છે. મોદી-શાહ સામે સુપ્રીમ કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવા અરજી થઈ છે.

અરજદારની દલીલ છે કે, જે અધિકારીની નિવૃત્તિમાં છ મહિના કે ઓછો સમય બાકી ના હોય એવા અધિકારીને ડીજીપી કે તેના સમકક્ષ કોઈ પણ હોદ્દા પર નિમી ના શકાય એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રકારની નિમણૂક માટે પહેલાં યુપીએસસીને જાણ કરવાની રહેશે એવો આદેશ ૩ જુલાઈ, ૨૦૧૮ના રોજ આપ્યો હતો.

મોદી સરકારે અસ્થાનાની નિમણૂક પહેલાં યુપીએસસીને જાણ કરી નહોતી. અસ્થાનાની નિવૃત્તિને ત્રણ જ દિવસ બાકી હોવા છતાં તેમની નિમણૂક પણ કરી. આ રીતે સુપ્રીમ કોર્ટના બબ્બે આદેશનું ઉલ્લંઘન કર્યંજ છે.

નિષ્ણાતોના મતે, અરજદારે ઉઠાવેલા મુદ્દા કાનૂની રીતે યોગ્ય છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને ઉઠાવાયા છે. આ સંજોગોમાં મોદી-શાહ સામે અવમાનનાની કાર્યવાહી ભલે ના થાય પણ અસ્થાનાની નિમણૂક રદ થઈ શકે છે.

કુશવાહા નહીં લલ્લન, નીતિશે નમતું જોખવું પડયું

નીતિશ કુમારની જેડીયુએ અંતે રાજીવ રંજન ઉર્ફે લલ્લન સિંહને રાષ્ટ્રીય પ્રમુખ બનાવી દીધા. આરસીપી સિંહ સરકારમાં મંત્રી બનતાં જેડીયુએ એક વ્યક્તિ એક હોદ્દાના સિધ્ધાંતને આધારે નવા પ્રમુખ નિમવા પડયા છે. નીતિશ દલિત નેતા ઉપેન્દ્ર કુશવાહાને પ્રમુખ બનાવવા માગતા હતા પણ સવર્ણ નેતાઓ તરફથી તેનો ઉગ્ર વિરોધ થતાં નીતિશે પીછેહઠ કરવી પડી.

આ નેતાઓની દલીલ છે કે, સવર્ણો આરજેડી-કોંગ્રેસ તરફ જઈ શકે તેમ નથી તેથી ભાજપ અને જેડીયુને મત આપે છે. જેડીયુ દલિતને રાષ્ટ્રીય પ્રમુખ બનાવશે તો સવર્ણો સંપૂર્ણપણે ભાજપ તરફ વળી જશે અને ભવિષ્યમાં ભાજપને જેડીયુની જરૂર જ નહી રહે. જેડીયુએ પોતાની સવર્ણ મતબેંકને જાળવી રાખવા ઉચ્ચ જ્ઞાાતિના નેતાને મહત્વ આપવું જરૂરી છે. નીતિશે મતબેંકના રાજકારણને સ્વીકારીને કમને આ વાત સ્વીકારવી પડી છે.

લલ્લન સિંહ પણ નીતિશની અત્યંત નજીક છે અને તેમના વિશ્વાસુ છે. જેડીયુના ટ્રબલ શૂટર લલ્લનને નીતિશ રાજકીય ઓપરેશન્સ માટે ફ્રી રાખવા માગતા હતા પણ પક્ષના ટોચના નેતાઓની લાગણી સામે તેમણે ઝૂકવું પડયું છે.

***

2024માં મોદીને પડકારશે કોણ, મમતા-રાહુલ કે પવાર

ભાજપ સામે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષને એકત્રિત કરવા માટે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાંચ દિવસ માટે દિલ્હીમાં ધામા નાખ્યા હતા. મમતાએ જણાવ્યું હતું કે તેમને ભાજપની સામેના સંયુક્ત વિપક્ષની આગેવાની ગમે તે કરે તેની સામે વાંધો નથી. પરંતુ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે મમતા વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. આવું જ રાહુલનું છે. મમતા સોનિયા ગાંધીને સન્માન આપે છે.

મમતા અને રાહુલ બીજા લોકોની નેતાગીરી નહીં સ્વીકારે. વિશ્લેષકોનું કહેવું છે કે મમતા જબરજસ્ત કુનેહ અને આંતરસૂઝ ધરાવનારી રાજકારણી છે. તે પોતાની મર્યાદા જાણે છે. હવે તે પોતે રાણી બનવાની છે કે કિંગમેકર બનવાની છે તે કશું કહી શકાય નહીં? રાહુલની પોતાની પક્ષની અંદરની સ્થિતિ હાલકડોલક છે. જી-૨૩નો બળવો તાજેતરમાં માંડ-માંડ શમ્યો છે. પજાબ અને રાજસ્થાનમાં કોંગ્રેસ પૂરેપૂરી જૂથબંધીમાં વિભાજીત છે.

પવારનું આરોગ્ય સારુ નથી. તેની તાત્કાલિક ચિંતા તેની પુત્રી સુપ્રિયા સુળેના રાજકીય ભવિષ્ય અંગે હશે, તેનો ભત્રીજો અજીત પવાર ગમે ત્યારે તેના પગ નીચેથી જાજમ ખેંચી શકે છે. પવાર જાણતા નથી કે મમતા કે રાહુલ તેની સાથે કેવી રીતે વર્તશે.

મમતા પીએમ બનવાનું સ્વપ્ન પછી જુએ, પહેલા વિધાનસભ્ય બને

લોકસભાની ચૂંટણી ૨.૫ વર્ષ દૂર છે. ચૂંટણીલક્ષી રાજકારણને ઘણો સમય છે. મમતાની નજર રાષ્ટ્રીય ફલક પર છે. ભાજપના સોશિયલ મીડિયા હેડ અમિત માલવિયાએ ઇન્ડિયા ટુડે સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે પહેલા મમતા વિધાનસભ્ય બને પછી મોદી અંગે વિચાર કરે. તેમના પક્ષે તાજેતરમાં પૂરી થયેલી ચૂંટણીમાં શાનદાર વિજય મેળવ્યો હતો, પરંતુ મમતા બેનરજી પોતે નંદીગ્રામના પ્રતિષ્ઠિત જંગમાં તેના જ એક સમયના સહયોગી સુવેન્દુ અધિકારી સામે હારી ગઈ હતી. તેણે વિધાનસભામાં પ્રવેશવા પૂર્વે ઓક્ટોબરના અંત પહેલા પેટાચૂંટણી જીતવી પડશે. 

રાજ્યસભાના ચેરમેન સામે દરખાસ્ત લાવવાનો વિપક્ષનો વિચાર

સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ વિપક્ષનું એક જૂથ રાજ્યસભાના વડા વેન્કૈયા નાયડુ સામે તેઓને બોલવા ન દેવા બદલ દરખાસ્ત લાવવા વિચારી રહ્યું છે, જ્યારે બીજાનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને પણ હાલમાં ચાલી રહેલા લોગજામ માટે જવાબદાર માની લક્ષ્યાંક બનાવવા જોઈએ.

વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રાજ્યસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના ચેરમેનને લખેલા પત્રમાં ફરિયાદ કરી હતી કે પેગાસસ જાસૂસીકાંડ મુદ્દે વિપક્ષને બોલવા દેવાની તક આપવામાં આવી નથી. સરકારી હોદ્દેદારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે નાયડુ ગૃહમાં ડેકોરમ જાળવી રાખવાના મુદ્દે કોઈ સમાધાન નહીં કરે. 

ન્યાયાધીશો પર હુમલા ચિંતાજનકઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (એડીજી) મોહમ્મદ એહમદના થયેલા મૃત્યુ અંગે આપમેળે જ કેસ હાથ પર લીધો છે. ધનબાદમાં તેમને ઓટોએ ટક્કર મારી તે ઘટનાને તેમણે ક્રૂર ગણાવી છે. તાજેતરના ન્યૂઝ એવાલો જણાવે છે કે આવા ઘણા બનાવો બન્યા છે.

ઉત્તરપ્રદેશના ફતેહપુર ટાઉનમાં પોસ્ટ થયેલા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે ફરિયાદ નોંધાવી હતી કે તેમણે તાજેતરમાં એક જામીન અરજી નકારી કાઢી તેના પગલે ગુરુવારે રાત્રે તેમની કારને એસયુવીએ ટક્કર મારી હતી.

૨૫ માર્ચના રોજ ઉત્તરપ્રદેશના વકીલોના જૂથે ઉન્નાવના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રહલાદ ટંડનથી નારાજ થઈને તેમના પર હુમલો કર્યો હતો. ટંડનનું એટલી હદે અપમાન કરવામાં આવ્યું હતું કે તેમણે રાજીનામુ આપી દીધુ હતુ.

ફેબુ્રઆરીમાં કેરળ હાઇકોર્ટના ન્યાયાધીશ વી શિર્કેની સત્તાવાર કાર પર એક વ્યક્તિએ મોટર ઓઇલ ફેંક્યુ હતુ. ધનબાદની મોત પછી બેન્ચે ઝારખંડના મુખ્ય સચિવ અને ડીજીપીને ન્યાયિક અધિકારીઓ, ન્યાયાધીશો અને કાયદાકીય વર્ગનું કોર્ટના સંકુલની અંદર રક્ષણ કરવા કહ્યું છે. 

હાથે મેલુ ઉપાડવામાં છેલ્લા પાંચ વર્ષમાં કોઈ મોત ન થયાનો દાવો ખોટો

ગુરુવારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સંપ્રભુત્વ વિભાગના પ્રધાન રામદાસ આઠવલેએ રાજ્યસભામાં જાહેરાત કરી હતી કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશમાં હાથે મેલુ ઉપાડવાના કિસ્સામાં કોઈ મોત થયા નથી તેના પ્રતિસાદરુપે સફાઈ કર્મચારી આંદોલનના વડા બેઝવાદા વિલ્સને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનું આ પ્રકારનું નિવેદન જ અમાનવીય છે.

છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રકારની ઘટનામાં કમસેકમ ૪૭૨ના મોત થયા છે. એકલા ૨૦૨૧માં જ ૨૧ના મોત થયા છે. તેમણે જણાવ્યું હતું કે વાસ્તવિક આંકડા આપવાના બદલે કેન્દ્ર સરકાર મુશ્કેલીને છાવરી રહી છે. 

રાકેશ અસ્થાનાની નિમણૂકને લઈને વિવાદ

દિલ્હી વિધાનસભાએ આઇપીએસ ઓફિસર રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશ્નર પદે નિમણૂકનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યા પછી એડવોકેટે સુપ્રીમ કોર્ટમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ તથા ગૃહ મંત્રાલય પર અસ્થાનાની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટના આદેશોનું જાણીબૂઝીને પાલન ન કરવાનો આરોપ મૂકતો કેસ ફાઇલ કર્યો છે.

એડવોકેટ મનોહર લાલ શર્મા જેમણે પેગાસસ જાસૂસી વિવાદમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ માટે અરજી કરી હતી તેમણે આરોપ મૂક્યો હતો કે અસ્થાનાની નિમણૂક તે સુપ્રીમ કોર્ટના નિયમોનો ભંગ છે.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે બધી જગ્યાઓ યુનિયન સર્વિસ પબ્લિક કમિશન મુજબ ભરવી જોઈએ અને સર્વિસના છ મહિનાથી પણ ઓછો સમય બાકી હોય તેવા કોઈપણ અધિકારીને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) ન બનાવી શકાય. 

- ઇન્દર સાહની

Gujarat