mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દિલ્હીની વાત : સ્વાસ્થ્ય અભિયાન,મોદીએ નડ્ડાને ખખડાવ્યા

Updated: Jul 29th, 2021

દિલ્હીની વાત : સ્વાસ્થ્ય અભિયાન,મોદીએ નડ્ડાને ખખડાવ્યા 1 - image


નવીદિલ્હી : ભાજપે મોટા ઉપાડે શરૂ કરેલા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનને ધાર્યો પ્રતિસાદ ના મળતાં મોદીએ જે.પી. નડ્ડાને ખખડાવ્યા હોવાના અહેવાલ છે. નડ્ડાએ સંગઠનના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ પ્રમુખોને તતડાવીને પોતાને ખાર કાઢયો હોવાનું કહેવાય છે. નડ્ડાએ અઠવાડિયામાં ચાર લાખ સ્વયંસેવકોના ટાર્ગેટને ગમે તે રીતે પૂરો કરવા પણ અલ્ટિમેટમ આપ્યું છે. મોદીના સૂચનના પગલે કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે ભાજપના સ્વયંસેવકોને તૈયાર કરવા નડ્ડાએ આ અભિયાનની બહુ પહેલાં જાહેરાત કરી હતી. આ અભિયાન હેઠળ બે લાખ ગામોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવા ૪ લાખ સ્વયંસેવકોને તાલીમ આપીને સ્વાસ્થ્ય સ્વયંસેવક તરીકે તૈયાર કરવાનું એલાન કરાયું હતું.

ભાજપ ૧૦ કરોડ કાર્યકરો સાથે વિશ્વમાં સૌથી મોટો રાજકીય પક્ષ હોવાનો દાવો કરે છે તેથી ૪ લાખ સ્વયંસેવકો તો ચપટી વગાડતાં થઈ જશે એવું નડ્ડા માનતા હતા પણ ૪૮ હજાર કાર્યકરોએ જ રજિસ્ટ્રેશન કરાવતાં નડ્ડાએ મોદીનો ઠપકો સાંભળવો પડયો છે. પહેલાંથી જાહેરાત કરાઈ હોવાથી બુધવારે અભિયાન લોંચ કરી દેવાયું પણ ભાજપ ભોંઠો ચોક્કસ પડયો છે.

યેદીએ બસવને ગાદીએ બેસાડયા

કર્ણાટકમાં ભાજપે અંતે બસવરાજ બોમ્માઈને મુખ્યમંત્રીપદે બેસાડી દીધા. યેદુરપ્પાએ અમિત શાહ અને સંઘના નેતાઓને પછાડીને બોમ્માઈને ગાદી પર બેસાડવામાં સફળતા મેળવી હોવાનો સૂત્રોનો દાવો છે. આ નિમણૂક પહેલાં ભાજપમાં ભારે ખેંચતાણ ચાલી હતી. અંતે મોદીએ દરમિયાનગીરી કરવી પડી હોવાનો પણ દાવો છે.

યેદુરપ્પાએ મુખ્યમંત્રીપદ છોડવા તૈયારી બતાવી ત્યારે મોદી સમક્ષ બોમ્માઈનું નામ સૂચવ્યું હતું. અમિત શાહ  મુરૂગેશ નિરાનીને ગાદી પર બેસાડવા માગતા હતા. સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ સહિતના સંઘના નેતાઓ પણ નિરાનીના સમર્થનમાં હતા. નિરાની લિંગાયત સમુદાયમાંથી આવે છે તેથી તેમને મુખ્યમંત્રી બનાવાશે તો લિંગાયત સમાજ નારાજ નહીં થાય એવી તેમની દલીલ હતી. બોમ્માઈ મૂળ ભાજપના નથી તેથી પણ તેમને બદલે નિરાનીની પસંદગીનો સૌનો આગ્રહ હતો.

આ સમાચાર મળતાં જ યેદુરપ્પાએ મોદીને ફોન કરીને સ્પષ્ટ નારાજગી દર્શાવી હતી. મોદી પોતાનું વચન પાળે એવો તેમનો આગ્રહ હતો. મોદીએ તરત જ બોમ્માઈની પસંદગી માટે ફરમાન કર્યું અને યેદુરપ્પાની નારાજગી દૂર કરવા તેમના યોગદાનને વખાણતું ટ્વિટ પણ અલગથી કર્યું.

મમતા જડતા બતાવીને રાષ્ટ્રપતિને ના મળ્યાં

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી  જડ વલણના કારણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ના મળી શક્યાં. મમતા બુધવારે રાષ્ટ્રપતિને મળવાનાં હતાં. રાષ્ટ્રપતિએ તેમને બપોર પછી મળવા માટે એપોઈન્ટમેન્ટ પણ આપી દીધી હતી પણ રાષ્ટ્રપતિ ભવને નિયમનો હવાલો આપીને મમતાને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવીને નેગેટિવ રીપોર્ટ લઈને આવવા કહ્યું.

મમતાએ દલીલ કરી કે, પોતે કોરોનાની રસીના બંને ડોઝ લઈ ચૂક્યાં છે તેથી કોરોનાનો ખતરો નથી પણ રાષ્ટ્રપતિ ભવને આરટી-પીસીઆર ટેસ્ટનો આગ્રહ રાખ્યો. મમતાએ છેલ્લી ઘડીએ પોતાનો આરટી-પીસીઆર ટેસ્ટ શક્ય નથી એવી દલીલ કરી પણ અધિકારીઓ નિયમ પ્રમાણે વર્તવા માટે મક્કમ હતા તેથી મમતાએ જીદ પર આવીને રાષ્ટ્રપતિને મળવાનું જ માંડી વાળ્યું.

મમતાની જીદની આકરી ટીકા થઈ રહી છે. વિશ્લેષકોના મતે, મમતાનું વલણ આઘાતજનક છે. મમતા સોમવારે સાંજે જ દિલ્હી આવી ગયાં હતાં એ જોતાં તેમણે રીપોર્ટ કરાવી લીધો હોત તો રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત પહેલાં ટેસ્ટનો રીપોર્ટ આવી ગયો હોત. બંગાળની પ્રજાનાં હિતોને ધ્યાનમાં રાખીને તેમણે જીદ છોડવાની જરૂર હતી.

કાશ્મીરમાં છ વર્ષ પછીય પંડિતો માટે કંઈ નહીં

જમ્મુ અને કાશ્મીરમાં પંડિતોને ફરી વસાવવા માટે ફ્લેટ બાંધવા જમીન આપવાની જાહેરાત કરી પણ પંડિતોમાં ભારે નારાજગી છે. નારાજગીનું કારણ એ છે કે, જમ્મુ એન્ડ કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલે માત્ર ૨૭૪૪ ફ્લેટ બાંધવા માટે જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. આતંકવાદના કારણે કાશ્મીર ખીણ છોડનારા પંડિતોની સંખ્યા ૬ લાખની આસપાસ છે જ્યારે આ ફ્લેટ બંધાશે ત્યારે માંડ દસેક હજાર લોકોને રહેવા મળશે. બાકીના લાખો પંડિતોનું શું એવો સવાલ પંડિતો કરી રહ્યા છે.

સરકારે ૨૦૧૫માં પંડિતો માટે ૬૦૦૦ મકાનો બાંધવા ૮૨૦ કરોડનું પેકેડ જાહેર કર્યું હતું. સરકારે છ વર્ષ સુધી કંઈ ના કર્યું અને હવે છ હજારના બદલે અડધી સંખ્યામાં મકાન બાંધવાની જાહેરાત કરી છે. આ મકાન પણ દોઢ વર્ષ પછી બંધાશે અને અલગ અલગ પાંચ જિલ્લામાં બંધાશે તેથી સુરક્ષાની પણ સમસ્યા છે. સરકાર પંડિતોને વસાવવાની મોટી મોટી વાતો કરે છે પણ વાસ્તવિક રીતે કશું કરતી નથી એવી ટીકા પંડિતો કરી રહ્યા છે.

સ્ટાલિનથી બચવા સ્વામી-સેલ્વમ મોદીના શરણે

તમિલનાડુમાં સ્ટાલિન સરકારે એઆઈએડીએમકેના નેતાઓ પર ભ્રષ્ટાચારના કેસોમાં દરોડા શરૂ કરતાં ગભરાયેલા પલાનીસ્વામી અને પન્નીરસેલ્વમ મોદીના શરણે ગયા છે. સ્ટાલિન સરકારે એઆઈએડીએમકેના ભૂતપૂર્વ મંત્રી એમ. આર. વિજયભાસ્કર પર ભ્રષ્ટાચાર બદલ દોરડા પાડતાં એઆઈએડીએમકેને નેતાઓમાં ગભરાટ છે.  

ડીએમકે વિપક્ષમાં હતો ત્યારે પલાનીસ્વામી સરકારના નેતાઓના ભ્રષ્ટાચારના મુદ્દે સંખ્યાબંધ અરજીઓ કરી હતી. સેલ્વમ અને સ્વામી સામે પણ  અરજી કરી હતી. સ્વામી-સેલ્વમ બંનેને ડર છે કે, ભાસ્કર પછી હવે પોતાનો વારો આવશે તેથી બંને દોડતા થઈ ગયા છે. સ્વામી-સેલ્વમે મોદીને મળીને સ્ટાલિન સરકારને નાથવા માટે કેન્દ્રીય એજન્સીઓને મેદાનમાં ઉતારવા વિનંતી કરી હોવાનો સૂત્રોનો દાવો છે. સ્વામી-સેલ્વમે મોદીને એઆઈએડીએમકેને મંત્રીમંડળમાં સ્થાન આપવા પણ વિનંતી કરી કે જેથી સ્ટાલિન સરકાર સામે ઝીંક ઝીલી શકાય અને રાજકીય અસ્તિત્વ ટકાવી શકાય.

ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, પલાનીસ્વામી સહિતના એઆઈએડીએમકેના નેતા ચૂંટણી પહેલાં ભાજપને હડધૂત કરતા હતા એ જોતાં મંત્રીમંડળમાં સ્થાન આપવાનો તો સવાલ જ નથી પણ મોદી મદદ કરે એવી શક્યતા પણ નથી.

અસ્થાનાની નિમણૂકથી અધિકારીઓમાં કચવાટ

મોદી સરકારે રાકેશ અસ્થાનાની દિલ્હીના પોલીસ કમિશનરપદે નિમણૂક કરી તેની ટીકા થઈ રહી છે. આ નિમણૂકે મોદીનાં બેવડાં ધોરણોને છતાં કરી દીધાં છે એવી ટીકાનો મારો ચાલ્યો છે. એક તરફ મોદી ભ્રષ્ટાચારને નાથવાની વાતો કરે છે, ભ્રષ્ટાચારીઓને નહીં છોડાય એવા હુંકાર કરે છે ત્યારે બીજી તરફ જેની સામે ભ્રષ્ટાચારની ફરિયાદ છે એવા અધિકારીને દેશની રાજધાનીના પોલીસ વડા તરીકે નિમે છે.

અસ્થાના સીબીઆઈમાં હતા ત્યારે તેમની સામે લાંચ લેવાનો કેસ થયો હતો. સીબીઆઈએ પોતાના જ અધિકારી સામે કેસ નોંધ્યો હોય એવી શરમજનક ઘટના નોંધાઈ હતી.

અસ્થાનાની નિમણૂક સામે અધિકારીઓમાં પણ કચવાટ છે કેમ કે સામાન્ય રીતે દિલ્હીના પોલીસ વડા તરીકે અરૂણાચલ પ્રદેશ-ગોઆ-મિઝોરમ અને યુનિયન ટેરિટરિઝ (એજીએમયુટી) કેડરના અધિકારી નિમાય છે. અસ્થાના ગુજરાત કેડરના અધિકારી છે. સરકારે અસ્થાનાને દિલ્હીના પોલીસ વડા બનાવવા તેમની કેડર બદલીને ખોટી પરંપરા સ્થાપિત કરી રહી છે એવું અધિકારીઓનું માનવું છે.  સરકાર પણ કોંગ્રેસના રસ્તે ચાલી રહી હોવાનું અધિકારીઓનું માનવું છે.

***

મમતા વિ. મોદીઃ બધાની નજર વિપક્ષના આયોજન પર

ટીએમસીના ટોચના વર્તુળો નિર્દેશ કરે છે કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ દિલ્હીમાં હાલમાં ડેરા તાણ્યા છે. તે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાના વિપક્ષના આયોજન માટે મળવાના છે. તેમણે આરજેડીના નેતા લાલુપ્રસાદ યાદવ સાથે વાત કરી લીધી છે. તે વિપક્ષો જોડે રહીને કામ કરે તે માટે રાજકીય પ્લેટફોર્મ બનાવવા માંગે છે. વિપક્ષોએ આ માટે સમયાંતરે મળતા રહેવું પડશે. સૂત્રોનું કહેવું છે કે તેમને આ રાજકીય પ્લેટફોર્મ પર ગમે તે આગેવાની કરે તેની સામે વાંધો નથી. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે દિલ્હીમાં તેમની હાજરીથી વિપક્ષને મોટું ઉત્તેજન મળશે, જેણે હાલમાં સંસદીય સત્રમાં આક્રમક વલણ દર્શાવ્યું છે. 

પેગાસસ મુદ્દે સરકાર-વિપક્ષની લડાઈમાં અંતિમ હાસ્ય કોનું

રાજધાનીમાં દરેક જણ તે જ સવાલ પૂછી રહ્યું છે કે સરકાર અને વિપક્ષ વચ્ચે પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ કાયદાના મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો છે તેમા છેલ્લે કોણ વિજેતા નીવડશે. આ સવાલ મહત્ત્વનો એટલા માટે છે કેમકે સરકારે સંસદ ન ચાલવા દેવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢી છે. વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચારના લીધે સાતમાં દિવસે પણ બંને ગૃહની કામગીરી અવરોધાયેલી રહી હતી. 

કોવિડ-19 રસીઃ ભારત પાસે ઓગસ્ટ સુધીમાં 15 કરોડ ડોઝ હશે

ભારત પાસે ઓગસ્ટમાં કોવિડ-૧૯ રસીના ૧૫ કરોડ ડોઝ હશે, એમ ટોચના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આ નિર્દેશ કરે છે કે આ આંકડો જુલાઈ કરતા વધારે હશે, પરંતુ તે વર્ષના અંત સુધીમાં પુખ્ત વસ્તીના રસીકરણ માટે પૂરતી નહી હોય. આમ ઓગસ્ટનો પુરવઠો ૧૨ કરોડ ડોઝની અપેક્ષા કરતાં વધારે છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૧થી ૩૧ જુલાઈ ૨૦૨૧ વચ્ચે કુલ ૫૧.૭ કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. 

નરેગા હેઠળ કામના દિવસો વધારવાના આયોજનની વાત કેન્દ્રએ નકારી

મહાત્માગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ (નરેગા) હેઠળ કામના દિવસો વધારવાનું આયોજન હોવાની વાતનો ઇન્કાર કર્યો છે. હાલમાં તેના હેઠળ કૌશલ્યવિહીન કામદારોને ૧૦૦ દિવસનું કામ મળે છે. અર્થશાસ્ત્રીઓ અને સમાજવિદોએ કેન્દ્ર સરકારને લખ્યું છે કે આ કાયદામાં સુધારો કરીને કુટુંબ દીઠ બીજા ૫૦થી ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે. આ પગલાં દ્વારા લોકોને વધુ નાણા મળતા કોવિડના લીધે અસર પામેલી ગ્રામીણ માંગમાં સ્થિરતા આવશે અને આર્થિક સ્થિતિ હળવી થશે. પણ સરકાર આ માટે આતુર નથી. લોકસભામાં સીપીએમના સાંસદ એસ વેંકટેસને ગૃહમાં પૂછ્યું હતું કે કેન્દ્ર મનરેગા હેઠળ કામકાજના દિવસો વધારવાનું આયોજન ધરાવે છે. તેના અંગે ગ્રામીણ વિકાસ પ્રધાન નિરંજન જ્યોતિએ નકારમાં જવાબ આપ્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના દિવસોનું કામ પૂરું પાડી શકે છે. 

મેડિકલ સીટના ઓલ ઇન્ડિયા ક્વોટામાં 27 ટકા ઓબીસી અનામત નિશ્ચિત

નરેન્દ્ર મોદી સરકાર મેડિકલ સીટ્સના ઓલ ઇન્ડિયા ક્વોટા (એઆઇક્યુ)માં ૨૭ ટકા ઓબીસી અનામત લાવવાનું સુનિશ્ચિત કરી દીધું છે. આ અંગે ગમે ત્યારે જાહેરનામુ પાડવામાં આવી શકે છે. એઆઇકુયમાં ઓબીસી ક્વોટા તે લાંબા સમયની પડતર માંગ હતી. આ પગલા પાછળનો તર્ક સમજાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે જણાવ્યું છે કે દરેક રાજ્ય સરકારની મેડિકલ કોલેજમાં અંડરગ્રેજ્યુએટ (એમબીબીએસ)માં ૧૫ ટકા અને  અખિલ ભારતીય ક્વોટામાં પોસ્ટ ગ્રેજ્યુએશન સીટ્સમાં સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ ૫૦ ટકા સીટ અનામત રાખે. 

- ઇન્દર સાહની

Gujarat