Get The App

દિલ્હીની વાત : મોદીનાં સાસરિયાંના મુદ્દે પાત્રા ભેરવાઈ ગયા

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મોદીનાં સાસરિયાંના મુદ્દે પાત્રા ભેરવાઈ ગયા 1 - image


મોદીનાં સાસરિયાંના મુદ્દે પાત્રા ભેરવાઈ ગયા

ભાજપ પ્રવક્તા સબિત પાત્રા નહેરૂ-ગાંધી ખાનદાન પર પ્રહાર કરવા જતાં ખરાબ રીતે ભેરવાઈ ગયા અને તેમની બોલતી બંધ થઈ ગઈ એવો વીડિયો વાયરલ થયો છે.

પાત્રાએ એક ટીવી ચેનલની ચર્ચામાં સોનિયા ગાંધીના માતાનો ઉલ્લેખ કરીને ટીપ્પણી કરતાં ભડકેલા કોંગ્રેસના નેતા પવન ખેરાએ પાત્રાને પૂછ્યું કે, સોનિયાના પરિવારજનોની આટલી ચિંતા કરો છો તો નરેન્દ્ર મોદીના સસરાનું નામ શું છે એ ખબર છે ? ખેરાએ એવો સવાલ પણ કર્યો કે,  મોદીનાં પત્ની જશોદાબેનના ભાઈનું નામ શું છે ?

ખેરાના આ સવાલોએ પાત્રાની બોલતી બિલકુલ બધ કરી દીધી. ખાસિયાણા પડી ગયેલા પાત્રા આમતેમ જોવા લાગ્યા. ખેરાએ પાત્રાને સલાહ પણ આપી કે, પરિવારના જે લોકો રાજકારણમા ના હોય તેમના નામનો ઉલ્લેખ રાજકારણની ચર્ચામાં ના કરવો જોઈએ. ભાજપ એવું કરશે તો મજબૂર થઈને અમારે પણ પૂછવું પડશે કે જે માણસ પોતાની પત્નીનો ઉલ્લેખ ચૂંટણીની એફિડેવિટમા કરતાં પણ ડરે છે એ બીજાં લોકોના પરિવારમાં આટલો બધો રસ કેમ લે છે ?

દિલ્હીમાં શિક્ષણ સુધારનારને શાહે આંદામાન મોકલ્યા

અમિત શાહના ગૃહ મંત્રાલયે દિલ્હીના સાત આઈએએસ અધિકારીની શુક્રવારે સાંજે બદલી કરી તેમાં સૌથી આશ્ચર્યજનક બદલી એજ્યુકેશન ડિરેક્ટર બિનય ભૂષણની છે. ભૂષણ સહિત છ અધિકારીને આંદામાન-નિકોબાર જ્યારે એકને ચંદીગઢ મોકલાયા છે. દિલ્હીમાં સરકારી સ્કૂલોની કાયાપલટ કરવાનું શ્રેય ભૂષણને જાય છે. ભૂષણ ગયા વર્ષે એજ્યુકેશન ડિરેક્ટર બન્યા પણ દિલ્હીના શિક્ષણ મંત્રાલય સાથે લાંબા સમયથી સંકળાયેલા છે. દિલ્હીની સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધારવાની બ્લુપ્રિન્ટ તેમણે કેજરીવાલ સરકારને આપેલી. તેનો અમલ કરીને કેજરીવાલ સરકારે સરકારી સ્કૂલોને ખાનગી સ્કૂલોને ટક્કર મારી દે એવી બનાવી દીધી છે.

ગયા અઠવાડિયે આવેલા સીબીએસઈની ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં દિલ્હીની સરકારી સ્કૂલોનું પરિણામ ૯૮ ટકા આવ્યું હતું. કેજરીવાલ સરકારે તેને પોતાની મોટી સિધ્ધી ગણાવીને ભારે પ્રચાર કર્યો હતો. તેના એક જ અઠવાડિયામાં ભૂષણને કાળા પાણીની સજા કરીને આંદામાન મોકલી દેવાયા. શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ આ બદલી સામે વાંધો લઈને ભૂષણની બદલી રદ કરવા વિનંતી કરી છે પણ શાહ તેમની વિનંતી માને એવી કોઈ શક્યતા નથી.

મોદી પેન્શન બંધ કરી દેવાની ફિરાકમાં ?

મોદી સરકાર પાસે હવે રેલ્વે મંત્રાલયના કર્મચારીઓને પેન્શન આપવા માટે નાણાં નથી. મીડિયામાં રીપોર્ટ આવ્યા છે કે, મોદીએ બોલાવેલી બેઠકમાં રેલ્વે મંત્રાલયે આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. હવે સત્તાવાર રીતે રેલ્વે મંત્રાલયે નાણા મંત્રાલયને પત્ર લખીને નાણાંની વ્યવસ્થા કરવા કહ્યું છે કે જેથી ચાલુ નાણાંકીય વર્ષમાં તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન આપી શકાય.

રેલ્વેના કર્મચારીઓની સંખ્યા ૧૩ લાખ છે જ્યારે ૧૫ લાખ પેન્શનરો છે. તેમને પેન્શન આપવા ૫૩ હજાર કરોડ રૂપિયા જોઈએ. પેન્શનની વ્યવસ્થા રેલ્વે પોતાની કમાણીમાંથી કરે છે પણ લોકડાઉનના કારણે ટ્રેનો બંધ થતાં કમાણીને ફટકો પડયો છે. રેલ્વે અત્યારે ખાસ ટ્રેનો અને ગુડ્ઝ ટ્રેનો ચલાવે છે પણ પહેલાં જેવી કમાણી થતી નથી તેથી રેલ્વે મંત્રાલયે હાથ અધ્ધર કરી દીધા છે.

જો કે યુનિયનો આ વાત સાથે સહમત નથી. તેમના મતે મોદી સરકાર ધીરે ધીરે પેન્શનરોની જવાબદારીમાંથી છટકવા માગે છે. તેની શરૂઆત રેલ્વે મંત્રાલયથી કરાશે ને વિરોધ નહીં થાય તો બીજા સરકારી કર્મચારીઓને પણ પેન્શન આપવાનું બંધ કરી દેવાશે.

કોંગ્રેસને વરસો પછી નરસિંહરાવ યાદ આવ્યા

કોંગ્રેસને ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અચાનક યાદ આવી ગયા એ મુદ્દે ધમાસાણ મચ્યું છે. અત્યાર સુધી રાવને અવગણનાર કોંગ્રેસે તેમની જન્મશતાબ્દિની ઉજવણી શરૂ કરી છે. સોનિયા, રાહુલ. ડો. મનમોહનસિંહ સહિતના નેતાઓએ રાવની ભરપૂર પ્રસંશા કરીને તેમને ભારતમાં આથક સુધારા પ્રણેતા ગણાવતાં નિવેદનોનો મારો ચલાવી દીધો છે. કોંગ્રેસે ૧૯૯૧માં રાવ વડાપ્રધાન હતા ત્યારે મનમોહનસિંહે પહેલું બજેટ રજૂ કર્યું તેની તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં મનમોહન પેન્ટ, શર્ટ અને ટાઈમાં છે.

સોનિયાએ કહ્યું કે, કોંગ્રેસને રાવની સિધ્ધીઓ અને યોગદાન પર ગર્વ છે. સોનિયાના નિવેદન સામે રાવના પૌત્ર એન.વી. સુભાષે સવાલ કર્યો છે કે, કોંગ્રેસને રાવના યોગદાનનાં વખાણ કરવામાં ૧૬ વર્ષ કેમ લાગી ગયાં ? સુભાષ હાલમા તેલંગાણમાં ભાજપના નેતા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો કોંગ્રેસની આ ગુલાંટબાજી સામે પ્રહારો કરી રહ્યા છે. સોનિયાએ નરસિંહરાવના મૃતદેહને કોંગ્રેસ મુખ્યમથકે સુધ્ધાં અંતિમ દર્શન માટે નહોતો મૂકવા દીધો અને હવે મગરનાં આંસુ કેમ સારે છે એવું લોકો પૂછી રહ્યાં છે.

સચિનને સ્થાને પુત્રને સ્થાપિત કરવા ગેહલોત સક્રિય

લોકસભાની ચૂંટણી હાર્યા પછી ગાયબ થઈ ગયેલા અશોક ગેહલોતના પુત્ર વૈભવ અચાનક સક્રિય થયા છે. કોંગ્રેસે શરૂ કરેલા રાજ્યપાલ કલરાજ મિશ્રા સામેનાં ઘરણાંમાં વૈભવ જોડાયા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. વૈભવ ૨૦૧૯થી રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને રાજસ્થાનમાં કોંગ્રેસના મહામંત્રી છે. એસોસિએશનના કાર્યક્રમોમાં નિયમિત હાજર રહેતા વૈભવ કદી કોંગ્રેસના કાર્યક્રમમાં દેખાતા નહોતા.

કોંગ્રેસનાં સૂત્રોના મતે, અશોક ગેહલોત દીકરાને યુવા નેતા તરીકે સ્થાપિત કરવા લાંબા સમયથી ફાંફાં મારતા હતા પણ સફળતા નહોતી મળતી. સચિન પાયલોટે બગાવત કરતાં ગેહલોતને એ તક મળી ગઈ છે. વૈભવને સક્રિય કરીને ગેહલોત તેને સચિન પાયલોટના સ્થાને રાજસ્થાન કોંગ્રેસના યુવા નેતા તરીકે સ્થાપિત કરી દેવા માગે છે તેથી અચાનક વૈભવ ગેહલોત મેદાનમાં આવી ગયા છે. વૈભવ પર પણ પ્રહારો થઈ રહ્યા છે. વૈભવને એસઓજીના ભૂતપૂર્વ વડા અનિલ પાલિવાલ અને તેની પત્ની સારિકા સાથે બિઝનેસ સંબંધો હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે. પાલિવાલે સચિન સામે તપાસ શરૂ કરી હતી. તેના કારણે જ વિખવાદ સર્જાયો.   

મોદી શાસનમાં 'કેગ'ના રીપોર્ટ સાવ ઘટી ગયા

મોદી સરકારના શાસનમાં કેન્દ્રીય સંસ્થાઓની સ્વાયત્તતા ખતમ કરાઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના રીપોર્ટ્સની ઘટતી સંખ્યાની ભારે ચર્ચા છે. ૨૦૧૪ પહેલાં દર વર્ષે ૧૫૦ કરતાં વધારે રીપોર્ટ તૈયાર કરનારી 'કેગ'ના રીપોર્ટની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે. ગયા વર્ષે 'કેગ' દ્વારા માત્ર ૭૩ રીપોર્ટ તૈયાર કરાયા. આ પૈકી ૧૫ રીપોર્ટ કેન્દ્ર માટે અને બાકીના ૫૮ રાજ્ય સરકારોને લગતા હતા. એક સમયે સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડનારી સંસ્થા તરીકે 'કેગ' કેગની જોરદાર વિશ્વસનિતા હતી. 'કેગ'ના રીપોર્ટમાં કોઈની શેહશરમ નહોતી રખાતી. દેશનાં સંખ્યાબંધ મોટાં કૌભાંડોનો ભાંડો 'કેગ'ના રીપોર્ટમાં જ ફૂટેલો.  હવે 'કેગ'ના રીપોર્ટ નિયમિત રીતે આવતા નથી અને રીપોર્ટ આવ્યા હોય તો પણ તે બહાર પડાતા નથી તેથી 'કેગ'નું મહત્વ જ ઘટી ગયું છે.વિશ્લેષકોના મતે લોકશાહી માટે આ સ્થિતી અત્યંત ગંભીર કહેવાય. 'કેગ' જેવી સંસ્થાને નબળી પડે તો શાસકો નિરંકુશ બની જાય. અત્યારે દેશ એ દિશામાં જ આગળ વધી રહ્યો હોય એવું લાગે છે.

***

ગાંધી પરિવારની અનિશ્ચિચતા કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે ચિંતા

અશોક ગેહલતો અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલા ટસલનું પરિણામ જે કંઇ પણ આવે, પરંતુ કોંગ્રેસી કાર્યકર્તાઓ એવો સવાલ પૂછી રહ્યા છે કે ગાંધી પરિવારની આંતરિક અનિશ્ચચિતતાનો ક્યારે અંત આવશે.ખાસ તો રાહુલ ગાંધીની પક્ષમાં ભૂમિકાને લઇને કાર્યકર્તાઓ સવાલ પૂછી રહ્યા છે.કેટલાકતો એવું પણ પૂછી રહ્યા છે કે દેશની સૌથી મોટી પાર્ટી 'મોમ અને પોપ સ્ટોર'બની ગઇ છે. તો કેટલાક એમ કહે છે કે રાહુલ ગાંધીએ ચાર્જ લઇ લેવો પડે કાં તો પક્ષમાંથી દૂર થઇ જવું જોઇએ.રાહુલ ગાંધીએ પ્રમુખપદ છોડયાને અને ગાંધી પરિવારમાંથી કોઇ પણ વ્યક્તિ એ પદ પર નહીં બેસે એ વાતને એક વર્ષ થઇ ગયું છે.ત્યાર પછીથી તેમના માતા સોનિયા ગાંધીએ પદભાર સંભળી લીધો હતો.લોકો એવું પણ પૂછે છે કે 'રસ્તા પર ઉતરવાને બદલે શા માટે રાહુલ ગાંધી અર્થશાસ્ત્રીઓના ઇન્ટરવ્યુ લે છે? આટલું જ નહીં તેમના બહેન પ્રિયંકા ગાંધી પાયલોટ સાથે વાત કરવા માટે માધ્યમ બન્યા હતા.

આરએસએસના વડા સિંધીયાના મંત્રીઓથી અંતર રાખે છે

 કોંગ્રેસના નેતાઓ કહે છે કે પાંચ દિવસીય પરિષદમાં ભાગ લેવા ભોપાલ આવેલા સંધના વડા મોહન ભાગવત મુખ્ય પ્રધાન શિવરાજને મળ્યા હતા, પરંતુ જ્યોતિાદિત્ય સિંધીયાના વફાદાર મનાતા અને કોંગ્રેસમાંથી પલટી મારી ભાજપમાં જોડાયેલા મંત્રીઓથી અંતર રાખતા દેખાય હતા. સૂત્રોએ કહ્યું હતું કે ભાગવત સિંધીયા જુથના એક પણ મંત્રીને મળ્યા નહતા તેમજ તેમને મળવાની કોઇ યોજના પણ નહતી.સંઘના સૂત્રો અનુસાર તેમની સંઘના કાર્યકર્તાઓ સાથેની કે બેઠકની કોઇ માહિતી માધ્યમોને આપી ન હતી.

દિલ્હીના આરોગ્ય કર્મચારીઓના પગાર અટવાયા

આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકાર અને ભાજપના નેતૃત્વ હેઠળની ત્રણ મ્યુ.કોર્પો. દિલ્હીના આરોગ્ય વિભાગના કર્મચારીઓના પગાર અંગે એક બીજાને ખો આપે છે. આપના વરિષ્ઠ નેતા કહે છે કે  જો ભાજપ શાસીત મ્યુ.કોર્પો. પગાર નહીં ચૂકવે તો અમે આંદોલન કરીશું. આપના પ્રવકતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે કેટલી કમનસીબી છે કે દેશના પાટનગરનાં આરોગ્યના કર્મચારીઓને પગાર મળ્યો નથી. કોવિડ વોરિયર્સ પર કેન્દ્ર સરકારે આકાશમાં પુષ્પવર્ષા કરી હતી જ્યારે તેમને કોર્પો. પગાર પણ ચૂકવતી નથી. તો સામી બાજુ મેયરોએ આપને દોષ દીધો હતો.

નીતીશ કુમાર સામે મોટો પડકાર

નીતીશ કુમારે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં એક સૂત્ર આપ્યું હતું 'બિહાર કે વિકાસમેં છોટાસા ભાગીદાર હું, હાં મેં નીતીશ કુમાર હું' તેની પહેલાં કુમારે આ સૂત્ર આપ્યું હતું 'ક્યોં કરે એવંમ વિચાર, જબ હૈ નીતીશ કુમાર'આની સામે લાલુ પ્રસાદ યાદવના રાજદએ  સૂત્ર આપ્યું હતુ 'ક્યો ના કરે વિચાર, બિહાર હૈ બીમાર'.રાજદના કાર્યકર્તાઓ હવે આ સૂત્રને લઇને ગામે ગામ જાય છે.તેઓ કોવિડ-૧૯નો ઉલ્લેખ કરીને આ સૂત્ર પોકારે છે અને રાજદના સોશિયલ મીડિયામાં તેમજ ઓફિસોમાં લખે છે.

- ઇન્દર સાહની

Tags :