દિલ્હીની વાત : શાહ સીએએના વાસ્તવિક અમલમાં નિષ્ફળ
શાહ સીએએના વાસ્તવિક અમલમાં નિષ્ફળ
નરેન્દ્ર મોદી સરકારે મોટા ઉપાડે સિટિઝનશીપ એમેન્ડમેન્ડ એક્ટ (સીએએ) સંસદમાં પસાર કરી દીધો પણ સાત મહિના પછી પણ નિયમો ના બનતાં આ કાયદો કાગળ પર જ છે.
મોદી સરકારની આ બહુ મોટી નિષ્ફળતા છે અને તેને માટે અમિત શાહ જવાબદાર છે કેમ કે ગૃહ મંત્રાલયે છ મહિનામાં નિયમો બનાવીને સબ-ઓડનેટ લેજિસ્લેશન અંગેની સંસદીય સ્થાયી સમિતીને મોકલી આપવાના હતા. આ કાયદો ૧૦ જાન્યુઆરીએ અમલી બન્યો તેથી ૧૦ જુલાઈ સુધીમાં નિયમો બનીને ગેઝેટમાં પ્રસિધ્ધ થઈ જવા જોઈતા હતા. ગૃહ મંત્રાલયે છ મહિનામાં કશું ના કર્યું તેથી આ કાયદો માત્ર કાગળ પર છે. સંસદીય સમિતીએ ગૃહ મંત્રાલયના અધિકારીઓને આ માટે જવાબ આપવા ૪ ઓગસ્ટે હાજર થવા ફરમાન કર્યું છે.
સીએએ પરની ચર્ચા દરમિયાન શાહે પાકિસ્તાન સહિતના છ દેશોમાં હિંદુઓ પર થતા અત્યાચારોની વાત કરીને તેમને નાગરિકતા આપીને રક્ષણ આપવાની મોટી મોટી વાતો કરી હતી. એ વાતોનો વાસ્તવિક અમલ કરવાની તેમણે તસદી સુધ્ધાં નથી લીધી એ શરમજનક કહેવાય.
મોદીની વેબસાઈટ યુ.એન.ની છ ભાષામાં હશે
મોદીએ વૈશ્વિક સ્તરે ઈમેજ બિલ્ડિંગ માટે કમર કસી છે. તેના ભાગરૂપે વડાપ્રધાનની સત્તાવાર વેબસાઈટ અંગ્રેજી, અરેબિક, ચાઈનીઝ, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ એ યુ.એન.ની છ સત્તાવાર ભાષામાં બનાવાશે.
આ ક્વાયતની સાથે વેબસાઈટને ભારતની ૨૨ ભાષાઓમાં પણ બનાવાશે. હાલમાં વેબસાઈટ દેશની ૧૨ ભાષામાં ઉપલબ્ધ છે. આ બંને ફેરફાર માટે એજન્સીઓ પાસેથી દરખાસ્તો પણ મંગાવી દેવાઈ છે. ૭ ઓગસ્ટ સુધીમાં દરખાસ્તો મોકલી દેવાની છે એ જોતાં ઓગસ્ટમાં જ કામ શરૂ થઈ જશે એવું લાગે છે. આ વેબસાઈટને મોદીનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડવાની છે.
મોદીએ તાજેતરમાં યુ.એન.માં કરેલા પ્રવચનની વૈશ્વિક સ્તરે બહુ નોંધ નહોતી લેવાઈ. સૂત્રોના મતે, મોદીના સલાહકારોએ તેને માટે ભાષાનો અવરોધ જવાબદાર હોવાનું કહેતાં મોદીએ તાબડતોબ યુ.એન.ની તમામ સત્તાવાર ભાષામાં વેબસાઈટ બનાવનાનું નક્કી કરી લીધું કે જેથી મહત્તમ લોકો સુધી પહોંચી શકાય. મોદી એક વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ ફોલો થતા નેતા બનવા માગે છે. એ ઉદ્દેશ પાર પાડવામાં પણ આ સાઈટ મદદરૂપ નિવડશે.
કોરોનાને નાથવા પાપડ ખાવા મોદીના મંત્રીની સલાહ
કોરોનાને નાથવા માટે રસી અને દવા શોધવા દુનિયાભરના સંશોધકો કામે લાગ્યા છે ત્યારે મોદી સરકારના પ્રધાન અર્જુનરામ મેઘવાલે લોકોને કોરોના સામે લડવા પાપડ ખાવાની વિચિત્ર સલાહ આપી છે. આઘાતજનક વાત એ છે કે, મેઘવાલે એક કંપનીના પાપડ લોંચ કરતી વખતે આ વાત કરી.
મેઘવાલે કહેલું કે, આ પાપડ કોરોના સામે લડવામાં બહુ મદદરૂપ સાબિત થશે કેમ કે આ પાપડ ખાવાથી કોરોના સામે લડવા માટે એન્ટિબોડી ડેવલપ થશે. મેઘવાલે એવું પણ કહ્યું કે, આ પાપડ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ બનાવાયા છે.
એક કંપનીના ફાયદા માટે લોકોને ખંખેરવાની અને હળાહળ જૂઠાણું ચલાવવાની હલકી માનસિકતા બતાવવા બદલ લોકો મેઘવાલ પર ફિટકાર વરસાવી રહ્યાં છે. મેઘવાલનો આ વીડિયો હજારો લોકોએ જોયો છે અને આવા પ્રધાનને લાત મારીને તગેડી મૂકવા જોઈએ એવી કોમેન્ટ કરી રહ્યાં છે. બિકાનેરના સાંસદ મેઘવાલ મોદી સરકારમાં ભારે ઉદ્યોગો અને સંસદીય બાબતોના પ્રધાન છે.
યુપીમાં સંજીતની હત્યાને પગલે ટ્વિટર વોર શરૂ
ઉત્તર પ્રદેશમાં ૨૮ વર્ષના સંજીત યાદવની હત્યાના પગલે યોગી આદિત્યનાથના કહેવાતા સુશાસન સામે ફરી સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર યોગી સામે જોરદાર આક્રોશ ઠલવાઈ રહ્યો છે અને પ્રેસિડેન્ટ રૂલ ઈન યુપી હેશ ટેગ ટ્રેન્ડ કરતું હતું. તેનો પ્રતિકાર કરવા યોગી સમર્થકોએ યોગીજી-કા-સુશાસન હેશ ટેગ સાથે ટ્વિટ શરૂ કરી. લોકો આ હેશ ટેગ સાથે પણ યોગી સરકારને ગાળો આપી રહ્યા છે.
લેબ ટેકનિશિયન સંજીતનું ૨૨ જૂને કાનપુરમાંથી અપહરણ થયું હતું. પોલીસના કહેવાથી પરિવારે બધું વેચીને અપહરણકારોને ૩૦ લાખ ચૂકવ્યા હતા. એકના એક દીકરાને છોડાવવા પરિવાર રસ્તા પર આવી ગયો છતાં તેની હત્યા કરી દેવાઈ.
યોગી સરકારે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા આઈપીએસ અધિકારીઓ અપર્ણા ગુપ્તા અને મનોજ કુમાર ગુપ્તા સહિત ૧૧ પોલીસોને સસ્પેન્ડ કર્યા છે પણ લોકોને સંતોષ નથી. અપહરણકારોના દલાલ તરીકે વર્તનારી પોલીસ સામે હત્યાનો ગુનો નોંધીને તેમને જેલમાં નાંખવા માગણી થઈ રહી છે.
ઉમા રાજકીય સંન્યાસ છોડી પાછાં મેદાનમાં
ઉમા ભારતીએ રાજકીય સંન્યાસ છોડીને ફરી રાજકારણમાં સક્રિય થવાની જાહેરાત કરીને આશ્ચર્ય સર્જ્યું છે. ઉમાએ જાહેરાત કરી કે, પોતે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડશે. ઉમાએ ૨૦૧૮માં સ્વાસ્થ્યનાં કારણોસર ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. બે વર્ષમા જ તેમણે ગુલાંટ લગાવી દીધી છે.
ઉમાનો દાવો છે કે, શિવરાજસિંહ ચૌહાણે તેમને પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો પ્રચાર કરવા નિમંત્રણ આપ્યું છે. ઉમાએ એવો કટાક્ષ પણ કર્યો કે, દિલ્હીમાં કેટલાક નેતાઓ સાથેના મારા સંબંધો સારા નહોતા પણ શિવરાજ સાથે મારે હંમેશાં સારા સંબંધ રહ્યા છે તેથી હું તેમના કહેવાથી પ્રચાર કરીશ.
ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ઉમા ગમે તે કહે પણ તેમની રાજકારણમાં ફરી સક્રિય થવાની જાહેરાત પાછળ શિવરાજ પર દબાણ પેદા કરવાની ગણતરી છે. દિલ્લીમાં બેઠેલા ભાજપના કેટલાક નેતા શિવરાજસિંહને કાબૂમાં રાખવા માટે ઉમાનો ઉપયોગ કરવા માંગે છે કે જેથી શિવરાજ ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાએ પડકારના ઉભો કરી શકે.
મોદી સરકાર સંપત્તિ વેચીને નાણાં ઉભાં કરશે
આથક મોરચે મુશ્કેલીઓ વધતી જ જાય છે ત્યારે મોદી સરકારે નાણાં ઉભાં કરવા માટે ખાનગીકરણના રસ્તે આગળ વધવાનું નક્કી કર્યું છે. નાણાં મંત્રાલયે નીતિ આયોગને પાચં વર્ષમાં કઈ કઈ સરકારી સંપત્તિ વેચીને નાણાં ઉભાં કરી શકાય છ તેનો પ્લાન બનાવવા પણ કહી દીધું છે.
મોદી અને નિર્મલા સીતારામન વચ્ચે ગયા અઠવાડિયે થયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. નીતિ આયોગે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ૧ લાખ કરોડ રૂપિયાના એસેટ મોનેટાઈઝેશનનો પ્લાન નિર્મલાને આપ્યો છે. મોદીને આ પ્લાન ગમી જતાં તેમણે પાંચ વર્ષમાં શું શું વેચી શકાય તેમ છે તેનો રીપોર્ટ બનાવવા કહ્યું હતું.
પીએમઓનાં સૂત્રોના મતે, સરકાર પાસે સરકારી કંપનીઓ અને સંપત્તિ વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી. સરકાર નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્લાન હેઠળ ૧૧૧ લાખ કરોડ રૂપિયા ૨૦૨૫ સુધીમાં ખર્ચવાની યોજના બનાવીને બેસી ગઈ પણ નાણાં જ નથી. વર્લ્ડ બેંક કે બીજી સંસ્થા લોન આપવા તૈયાર નથી. વિદેશી કંપનીઓ પણ આવતી નથી તેથી આ જ વિકલ્પ બચ્યો છે.
***
કમલનાથ અને કુમારસ્વામીથી વિપરિત ગેહલોતનો ઝુકવા ઇનકાર
રાજકીય નિષ્ણાંતો કહે છે કે મધ્ય પ્રદેશના કમલનાથ અને કર્ણાટકના કુમાર સ્વામીથી વિપરિત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઝુકવાનો ઇનકાર કર્યો હતો.સચિન પાયલોટની છાવણીને રાજસ્થાન હાઇકોર્ટે રાહત આપતાં સોમવારે વિધાનસભાનું સત્ર બોલાવવાની ગેહલોતની માંગણીનો ઇનકાર કર્યા પછી રાજભવનમાં ભારે નાટક ભજવાયું હતું.ગેહલોતે રાજ્યપાલ પર કેન્દ્રના દબાણ હેઠળ કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.ગેહલોત સારી રીતે જાણે છે કે તેમની પાસે વેફરથીન બહુમતી છે, છતાં તેઓ ખુબ જ આક્રમક રીતે કામ કરે છે.ભાજપના નેતાઓ અને પાયલોટના બળવાખોર ધારાસભ્યો વચ્ચેની ષડયંત્રની ઓડિયો ટેપ તેમણે મેળવી લીધી હતી.કેન્દ્રના મંત્રી અને મોદીના પ્રિય એવા શેખાવત સામે તેમણે એફઆઇઆર પણ નોંધાવી દીધી. ભાજપ સરકારના રાજ્યમાં કોંગ્રેસના બળવાખોરો જ્યાં રોકયા હતા ત્યાં રાજસ્થાનની પોલીસને પણ મોકલી દીધી હતી.આમ આટલી બધી કાર્યવાહી કરીને ગેહલોતે બતાવી દીધું કે તેઓ કોઇનાથી ડરે એવા નેતા નથી અને કેન્દ્રને શરણે જવાના પણ નથી.હવે જોવાનું એ છે કે તેમની વ્યુહરચના કામ કરે છે કે કેમ?પરંતુ એક વાત તો સાબીત કરી દીધી કે કેન્દ્ર સામે તેઓ નવો મોરચો માંડી શકે છે અને મોદી કે શાહની સામે લડી પણ શકે છે.
રાજકારણની રમત એકદમ વિચિત્ર બની ગઇ છે
જોવાનું એ છે કે રાજસ્થાનમાં ગેહલોત જીતશે કે પાયલોટ. હવે ડીઇએ ગેહલોતના ભાઇ અગ્રસેન ગેહલોત પર શિકંજો કસ્યો હતો. ઇડીએ તેમની પર દાણચોરીનો આરોપ મૂક્યો હતો. ઉપરાંત અશોક ગેહલોતના પૂત્ર વૈભવ ગેહલોત અને ગેહલોતના ખાસ વિશ્વાસુ પર પણ દરોડા પાડયા હતા. કેન્દ્રના મંત્રી ગજેન્દ્ર શેખાવત સામે ગેહલોતે મોરચો ખોલ્યો હતો. તેમણે એસઓજી મોકલી શેખાવત પર ગેહલોત સરકારના ઉથલાવી પાડવાનો આક્ષેપ કર્યો હતો.
ટ્વિટર મારા માટે પૂર્વગ્રહ રાખે છે: દિગ્વિજયનો આરોપ
દિગ્વિજય સિંહના કેટલાક ટ્વિટ ખુબ જ સંવેદનશીલ હતા એમ કહીને ટ્વિટરે તેમના કેેટલાક ટ્વિટ બ્લોક કરી દેતાં દિગ્ગી રાજાએ આ આક્ષેપ કર્યો હતો.'ટ્વિટર મારા કેટલાક ટ્વિટ બ્લોક કરી દે છે. પણ ક્યા ટ્વિટ સંવેદનશીલ હતા તેની મને જાણ કર્યા વગર જ તેને બ્લોક કરી દીધા હતા'એમ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું.મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એ ટ્વિટર પર પોલીટિકલી બાયસ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારા ટ્વિટ વડા પ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમીત શાહની વિરૂધ્ધ હોવાથી તેને બ્લોક કરી દેવાય છે.'જો મોદી અને શાહ વિરૂધ્ધ બોલીએ તો એને સંવેદનશીલ ગણી બ્લોક કરી દેવાય છે, એનો અર્થ એ થયો કે તમે મારાથી રાજકીય પૂર્વાગ્રહ રાખો છે જેનો તમને કોઇ જ અધિકાર નથી.મેં અગાઉ પણ તમારા મેનેજમેન્ટ સંમક્ષ આ ફરીયાદ કરી હતી, પરંતુ મને કોઇ જ જવાબ આપવામાં આવ્યો નહતો'એમ સિંહે ટ્વિટ કર્યો હતો.
- ઇન્દર સાહની